Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આક્રોશ

ભાજપ સરકારમાં ગાડા રાજ : કોંગ્રેસે બળદગાડા ચલાવી વિરોધ કર્યો : ૪૭ની અટક

અશોક ડાંગર - વશરામ સાગઠિયા - ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી આગેવાનોને પોલીસે પકડી લીધા : વોર્ડ વાઇઝ વિરોધ પ્રદર્શન યોજાયા

સ્માર્ટ સીટીમાં બળદગાડા દોડ્યા : પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા બળદગાડા દોડાવીને સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો હતો. આથી પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયતો કરી હતી. તે વખતની તસ્વીરમાં શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા વગેરે બળદ ગાડામાં ઉભા રહી. પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યકત કરી રહેલા નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં પોલીસ દ્વારા કોંગ્રેસના અગ્રણીઓની અટકાયતો થઇ હતી તે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪ : સરકાર દ્વારા સતત ૧૫ દિવસથી પેટ્રોલ - ડીઝલનાં ભાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ ભાવ વધારા સામે સતત વિરોધ દર્શાવી સરકાર સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવમાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં બળદગાડા જોતરીને રસ્તાઓ પર ફરી પેટ્રોલ - ડીઝલના ભાવ વધારાનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવવાના આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા. આથી પોલીસે શહેર પ્રમુખ વિપક્ષી નેતા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત ૪૭ કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

આ અંગેની વિગતો મુજબ ભાજપની કેન્દ્ર સરકારના અને રાજય સરકારના શાસનમાં કેન્દ્ર અને રાજયમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. છેલ્લા પંદર દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂપિયા ૮ (આઠ) અને ડીઝલ માં રૂપિયા ૯ (નવ) નો વધારો કર્યો છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બનવાનો છે.

ઙ્ગ તેવા આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના વોર્ડન. ૧ થી ૧૮ દ્વારા બળદ ગાડા દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યકત કર્યો હતો.

આથી પોલીસે અશોકભાઈ ડાંગર, વશરામભાઈ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઇ ચોવટિયા, ભરતભાઇ મકવાણા, રહીમભાઈ સોરા, દિનેશભાઇ મકવાણા, વલ્લભભાઈ પરસાણા, નિલેશભાઈ મારૃં, વિજયભાઈ વાંક, દિલીપભાઈ આસવાની, સંજયભાઈ અજુડિયા, મકબુલભાઈ ડાઉદાણી, મુકેશભાઈ ચાવડા, રસિલાબેન ગરૈયા, જયાબેન ટાંક, રવજીભાઈ ખીમસૂરિયા, રામભાઈ હેરભા, વાસુદેવભાઈ ભમભાણી, તુષાર નંદાણી, પ્રફુલાબેન ચૌહાણ સહિતના કોંગી આગેવાનો - કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયતો કરી અને જે તે વિસ્તારને લાગુ પોલીસ સ્ટેશને લઇ ગયા હતા.

(3:14 pm IST)