Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સમાચારોની દુનિયાનો તારલો ખરી પડયોઃ રાજુભાઇ શાહની ચીર વિદાય

પ્રકૃતિ પ્રત્યે અપાર લગાવ : અકિલા પરિવારે બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટઃ સૌરાષ્ટ્ર મીડીયામાં  જગતમાં માન ધરાવતા અને હાલ સમકાલીન ડીજીટલ ન્યુઝપેપર ના સંપાદક રાજુભાઇ જયંતિભાઇ શાહ અરિંહતશરણ પામ્યા. બહોળો મિત્રો ધરાવતા રાજુભાઇ જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે અત્યંત લગાવ ધરાવતા હતા.

'અકિલા' પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, 'અકિલા'ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા 'અકિલા'ના  એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા સમગ્ર સ્ટાફ દ્વારા બે મીનીટ મૌન પાડી સદ્ગતને શ્રધ્ધાંજલી આપી હતી.

તેઓ હાલમાં ડીજીટલ ન્યુઝ પેપર સમકાલીનનું સંપાદન કરતા હતા.

છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સ્વાસ્થય અંગે થોડી તકલીફ રહેતી, પરંતુ ત્રણ દિવસ પહેલા તબિયત બગડતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ થયા અને ગઇકાલે  સાંજે ૭.૨૮ કલાકે તેઓ અંતિમ શ્વાસ લીધા. તેમના પિતા સ્વ.શ્રી જયંતિભાઇ શાહ સૌરાષ્ટ્ર જીવદયા પ્રેરણાસ્ત્રોત અને વર્ષો સુધી રાજકોટ પાંજરાપોળમાં સેવા આપી હતી.

રાજુભાઇના બે પુત્રોમાંથી મોટા પુત્ર દિવ્યરાજ હાલ રાજકોટમાં છે તો બીજા પુત્ર તેજરાજ કેનેડામાં છે.

રાજુભાઇ સૌરાષ્ટ્ર આસપાસના પૂર્વતંત્રી તથા હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ગવર્નિંગ બોડી મેમ્બર હતા. રાજુભાઇનું આકસ્મિત અવસાન થતા પરિવાર સમાજમાં ઘેરો શોક છવાયો છે.

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ કહેલ કે સોમવારે બપોરે રાજુભાઇ સાથેે ફોનમાં લાંબી વાત થયેલી. મે પહેલી વખત તેમના અવાજમાં ઢીલાશ જોયેલ. રાજુભાઇ સમાચારોની દુનિયામાં બેતાજ બાદશાહ હતા. તેમના સોર્સે ન્યુઝ સેન્સ સંબધો બેજોડ હતા. તેમના જવાથી પત્રકાર જગતને મોટી ખોટ પડી છે.

(4:17 pm IST)