Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રૈયા રોડ પરના સુભાષનગરમાં ઓરિસ્સાના મજૂરનું મોતઃ વિજકરંટ લાગ્યાની શકયતા

મુળ ઓરિસ્સાનો પંકજ કુમાર કડીયા કામ કરવા આવ્યો'તો

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ પર આમ્રપાલી સિનેમા પાછળ કડીયા કામની સાઇટ પર મુળ ઓરિસ્સાનો મજૂર બેભાન થઇ જતાં મોત નિપજ્યું છે. તેની સાથેના મજૂરોના કહેવા મુજબ પંખામાંથી વિજકરંટ લાગ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. પોલીસ મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. જાણવા મળ્યા મુજબ ઓરિસ્સાનો પંકજ રામેશ્વરભાઇ કુમાર (ઉ.૩૭) સુભાષનગર-૧/૬ના ખુણે કડીયા કામની સાઇટ પર બીજા મજૂરો સાથે કામ કરતો હતો. સવારે તે બેભાન થઇ ઢળી પડતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેની સાથેના મજૂરો અને પરિવારજનોના કહેવા મુજબ ટેબલ પંખો બંધ થઇ જતાં પંકજ ખોળામાં પંખો રાખી રિપેર કરતો હતો ત્યારે પીન પ્લગમાં ભરાવેલી હોઇ અને સ્વીચ ચાલુ હોઇ અચાનક પંખામાંથી જોરદાર કરંટ લાગતાં તેનું મોત થયું હતું.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામમાં જાણ કરતાં પીએસઆઇ વી. સી. પરમાર અને કૃષ્ણસિંહ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મોત વિજકરંટથી થયું કે હાર્ટએટેકથી? તે જાણવા પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે.

બેભાન હાલતમાં નરેન્દ્રભાઇ પરમારનું મોત

સોમનાથ વેરાવળથી રાજકોટ કોઠારીયા સોલવન્ટ પાસે સિતારામ સોસાયટીમાં પુત્ર કપિલભાઇ પરમારના ઘરે આવેલા નરેન્દ્રભાઇ મુળજીભાઇ પરમાર (સલાટ) (ઉ.૫૯) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ આજીડેમમાં જાણ કરી હતી. મૃતકને કેન્સરની બિમારી હતી.

(3:51 pm IST)