Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

પ્રેમીને મળવા માટે નીકળેલી ૧૫ વર્ષની બાળાને હવસખોરો ભેટી ગયા...બે દિવસ સુધી બળાત્કાર

પેહલા સંત કબીર રોડ પરથી બે શખ્સો યાર્ડ નજીક અવવારૂ જગ્યાએ લઇ જઇ દેહ પીંખ્યોઃ એ પછી નવા બસ સ્ટેશનમાંથી રિક્ષા ચાલક આજીડેમ પાસે લઇ ગયો ને હવસ સંતોષી : એક આરોપીએ રિક્ષામાં 'ઝાંઝમેર' અને 'જોગમાયા' લખાવ્યું હોઇ તેના આધારે ઝડપાઇ ગયોઃ જયેશ અને ગોપાલ નામના હવસખોરોની શોધખોળ : યુનિવર્સિટી પોલીસે કલાકો સુધી દોડધામ કરી બસ સ્ટેશનમાં મોડી રાત સુધી વોચ રાખી એક આરોપીને શોધ્યો

રાજકોટ તા. ૨૪: શહેરમાં એક ચોંકાવનારી ઘટનામાં પાંચ દિવસ પહેલા ઘરેથી પ્રેમીને મળવા માટે નીકળેલી ૧૫ વર્ષની સગીરાને સંત કબીર રોડ પર બે હવસખોરો ભેટી જતાં તેણીને અવાવરૂ સ્થળે લઇ જઇ કારમાં બંનેેએ બળાત્કાર ગુજાર્યા બાદ નવા બસ સ્ટેશનમાં મુકી દીધી હતી. એ પછી એક હવસખોર રિક્ષાચાલકે આ બાળાને આજીડેમ ચોકડીએ લઇ જઇ તેણે પણ કાળો કામો કર્યો હતો. બે દિવસ સુધી બળાત્કારનો ભોગ બનેલી આ બાળાએ પરિવારજનોને વિગત વર્ણવતાં મામલો યુનિવર્સિટી પોલીસ સુધી પહોંચ્યા બાદ પોલીસે સતત દોડધામ કરી હતી અને એક હવસખોરે તેની રિક્ષામાં લખેલા 'ઝાંઝમેર' તથા 'જોગમાયા'ના લખાણને આધારે શોધી કાઢ્યો હતો. જો કે બીજા બે હવસખોર હાથમાં આવ્યા નથી.

રૈયા રોડ વિસ્તારની એક સગીરા ૧૯મીએ ગૂમ થઇ હતી. ત્યારબાદ બે દિવસ પછી મળી આવી હતી. તેણે ઘરે પહોંચી પોતાને પોતાના પ્રેમી સંજુએ સંત કબીર રોડ પર મળવા માટે બોલાવતાં ત્યાં ગયાની અને ત્યારબાદ બે દિવસ સુધી ત્રણ શખ્સોએ અલગ-અલગ સ્થળે લઇ જઇ પોતાના પર બળાત્કાર ગુજાર્યાની વિતક વર્ણવતા પરિવારજનો ચોંધી ગયા હતાં. યુનિવર્સિટી પોલીસ સમક્ષ સગીરાને લઇ જવાતાં તેણીએ કહ્યું હતું કે ૧૮મીએ ઘરેથી નીકળી સંત કબીર રોડ પર પહોંચી હતી અને પ્રેમી સંજૂની રાહ જોઇ રહી હતી. તે વખતે બૂલેટ પર બે શખ્સો આવ્યા હતાં અને સગીરાને કોને શોધે છે? એવું પુછતાં તેણીએ સંજુની રાહ જોઇ રહ્યાનું કહ્યું હતું. સગીરા એકલી હોવાનું ભાળી આ બંનેના મનમાં હવસનો કીડો સળવળ્યો હતો અને પોતે સંજુને ઓળખે છે. પોતના નામ જયેશ અને ગોપાલ છે તેમ કહી સગીરાને સંજુ સુધી પહોંચાડી દેશે તેવી લાલચ આપી બૂલેટમાં યાર્ડ નજીક બગીચા પાસે લઇ ગયા હતાં.

એ પછી ઇકો કારમાં બેસાડી અવાવરૂ સ્થળે લઇ જઇ બંનેએ આ સગીરા પર કારમાં જ કૂકર્મ આચર્યુ હતું. એ પછી આ બંને તેણીને બૂલેટ મારફત નવા બસ સ્ટેશને મુકી ગયા હતાં. આ વખતે રાતનો સમય હતો. સગીરા એકલી બેઠી હોઇ તેના પર ૨૦મીએ વહેલી સવારે એક રિક્ષાચાલકની નજર પડી હતી. તેણે સગીરા સાથે વાતચીત કર્યા બાદ બૂલેટ પર મુકી ગયેલા બંનેને પોતે ઓળખે છે, તેની પાસે લઇ જવાની વાત કરી રિક્ષામાં બેસાડી સંત કબીર રોડ, ગંજીવાડા થઇ આજીડેમ ચોકડીએ લઇ ગયો હતો અને તેણે પણ રિક્ષામાં તેના પર બળાત્કાર ગુજારી લીધો હતો.

એ પછી આ બાળા રિક્ષાચાલકની નજર ચુકવી ભાગી છુટી હતી અને માતા પાસે પહોંચી સમગ્ર ઘટના વર્ણવી હતી. સગીરાએ બધા હવસખોરોના વર્ણન પણ જણાવ્યા હતાં. જ્યારે એક મહત્વની બાબત એ હતી કે તેણીને જે રિક્ષામાં લઇ જવાઇ હતી એ રિક્ષા અંદર ઝાંઝમેર અને જોગમાયા એવા લખાણ હતાં તેની વિગત તેણે જણાવી હતી. પોલીસ પાસે રિક્ષાના નંબર પણ નહોતાં. માત્ર લખાણને આધારે તપાસ કરવાની હતી. પોલીસે કલાકો સુધી બસ સ્ટેશને વોચ રાખી હતી અને બીજા રિક્ષાચાલકોની પુછતાછ કરી હતી. ત્યાં એવી માહિતી મળી હતી કે આ રિક્ષાવાળો મોડી રાત્રે જ આવે છે.

પોલીસે ખાનગી ડ્રેસમાં વોચ રાખી હતી અને રિક્ષાચાલક આવતાં જ દબોચી લીધો હતો. પોતાનું નામ વિજય મોહનભાઇ સાપરા (ઉ.૨૫) (રહે. ગંજીવાડા-૪૫, મહાકાળી ચોક) જણાવ્યું હતું. તેની ધરપકડ કરી આકરી પુછતાછ કરતાં તેણે ગુનો કબુલ્યો હતો. આ શખ્સ અગાઉ ચોરી, દારૂ અને મારામારીમાં સંડોવાઇ ચુકયો છે. બીજા બે હવસખોરોને પોલીસ શોધી રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા ઝોન-૨, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. એ. એલ. આચાર્ય અને ટીમના હેડકોન્સ. જે. પી. મેવાડા, મહિપાલસિંહ દશરથસિંહ, ગિરીરાજસિંહ સજ્જનસિંહ જાડેજા, ફિરોઝભાઇ હુશેનભાઇ, જગદીશભાઇ, કોન્સ. મીનાબેન, ઉર્મિલાબેન સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા શખ્સની ઓળખ પરેડ કરાવવા ઉપરાંત રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.

(3:49 pm IST)
  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST