Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રાજકોટ શહેર-જિલ્લાની પર શાળાઓના આચાર્યોની ભરતી અને બહાલી કાર્ય પૂર્ણ

ડીઈઓ ઉપાધ્યાયની કામગીરીને બીરદાવતી સંકલન સમિતિ

રાજકોટ, તા. ૨૪ :. સમગ્ર ગુજરાત રાજયમાં ઘણા લાંબા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતીની રાહ જોવાઈ રહી હતી તે તબક્કાવાર વિવિધ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ભરતી હાલમાં ચાલુ છે.

જેમાં રાજકોટ જિલ્લામાં તા. ૨૦, ૨૧, ૨૨ - ૦૬ - ૨૦૧૯ના ત્રણ દિવસ સુધી કરણસિંહજી હાઈસ્કૂલ રાજકોટ ખાતે આચાર્ય ભરતીના ઈન્ટરવ્યુ સંપન્ન થયા.

આ ભરતી પ્રક્રિયામાં જિલ્લામાંથી કુલ ૬૭ શાળાઓએ ઈન્ટરવ્યુમાં ભાગ લીધેલ હતો જેમાંથી બાવન શાળાઓના આચાર્યોના ભલામણપત્ર અને નિમણૂક હુકમ ઈન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ સ્થળ પર અપાયેલા હતા.

શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ પર અગાઉ અનેકવાર આ પ્રકારના ભરતી અંગેના કેમ્પો યોજાયેલ હોય છે, પરંતુ આ ભરતી કેમ્પમાં ત્રણ દિવસ દરમ્યાન અંદાજીત બાવન શાળાઓના સંચાલકશ્રીઓ, શાળાઓમાં ઈન્ટરવ્યુ આપનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે વિસંગતતા ના સર્જાય તે અંગે અગાઉથી આ ભરતી પ્રક્રિયાનું માઈક્રો-પ્લાનિંગ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા સુંદર રીતે કરેલ હતું. ત્રણ દિવસ દરમ્યાન સંપૂર્ણ પારદર્શક રીતે અને ભૌતિક સગવડતાઓ સાથે ભરતી કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયેલ હતો.

ભરતી કેમ્પને સફળ બનાવતા રાજકોટ શૈક્ષણિક સંકલન સમિતિના કન્વીનર અને રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડયા, આચાર્ય સંઘના બી.ડી. જાડેજા, એ.કે. બાણુગરીયા, બી.બી. બોરીચા, બળોચીયા, સંચાલક મંડળના સર્વશ્રી દર્શિતભાઈ જાની, દિનેશભાઈ ભુવા, ડો. પ્રિયવદન કોરાટ, અશોકભાઈ સેતા અને વિવિધ સંઘોનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ભરતી કેમ્પની નોંધ શિક્ષણ જગતમાં લેવાયેલ જે બદલ શૈક્ષણિક સંકલન સમિતિ વતી જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય તથા કચેરીના તમામ શિક્ષણ નિરીક્ષક, મદદનિશ શિક્ષણ નિરીક્ષક અને સમગ્ર ટીમના આભાર સાથે અભિનંદન પાઠવીએ છીએ.

(3:40 pm IST)