Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સ્‍થાપના દિનની ઉજવણી ફલોપ : કોંગ્રેસના જોરે ઉછળતા કુલપતિ ગીરીશ ભીમાણીને લપડાક

ભાજપના સાંસદ, ધારાસભ્‍યો, શહેર - જીલ્લાના ભાજપના આગેવાનોને ન નોતર્યા : રોજમદાર કર્મચારીઓને પરાણે હાજર રાખ્‍યાઃ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ અલીપ્‍ત : સેનેટર રાજદીપસિંહ જાડેજાના હિંમતભર્યા વિરોધથી ભીમાણીનો ‘સીન' વિખાઈ ગયો

રાજકોટ, તા. ૨૪ : બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અગાઉ કો સ્‍ટાર અને એ ગ્રેડથી પ્રકાશિત હતી. શૈક્ષણિક સંશોધન ક્ષેત્રે સમગ્ર દેશમાં ડંકો વગાડનાર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની હાલત આજે ૫૬મા સ્‍થાપના દિને તેની યશ - કીર્તીને બદલે વધુ વિવાદાસ્‍પદ રહી છે. ગઈકાલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો સ્‍થાપના દિનની ઉજવણી ફલોપ રહી છે.  તેજસ્‍વી સંશોધકો કે વિદ્વાનોની હાજરી ઓછી નજરે પડતી હતી.
છેલ્લા ૪ માસથી કાર્યકારી કુલપતિ પદે રહેલા ડો.ગીરીશ ભીમાણીની પ્રારંભિક કાર્ય પદ્ધતિ સારી રહી હતી, પરંતુ સમય જતાં વિવાદ સતત વધતા મોટો પડકારરૂપ બની છે. તેમાંય સેનેટની ચૂંટણી ન કરીને એક હથ્‍થુ શાસન ચલાવવાનો મિજાજ ધરાવતા કુલપતિ ગીરીશ ભીમાણીના જાહેર સમારંભમાં સેનેટર ડો. રાજદીપસિંહ જાડેજાએ હિંમતભર્યો દેખાવ કરી સીન વીખી નાખ્‍યા હતા.
સામાન્‍ય રીતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો કોઈ કાર્યક્રમ હોય ત્‍યારે ચૂંટાયેલા ધારાસભ્‍યો, સંસદ સભ્‍ય અને શહેર ભાજપના આગેવાનો ઉપરાંત મેયર સહિતના પદાધિકારોને હોદ્દાગત રૂએ નિમંત્રણ આપતા હોય છે અને તેઓ પણ શોભામાં આવીને અભિવૃદ્ધિ કરતાં હોય છે. પરંતુ ગઈકાલનો ૫૬મા સ્‍થાપના દિને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણીએ શહેર ભાજપના આગેવાનો, મેયર, સાંસદ, ધારાસભ્‍યો સહિતનાને નોતરૂ જ ન મોકલ્‍યુ. પરિણામે એક પણ આગેવાનો કે ધારાસભ્‍યો - સાંસદ કાર્યક્રમમાં નજરે ન પડયા.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ સત્તાના મદમાં આવી ગયેલા કુલપતિ ડો.ગીરીશ ભીમાણી સામે કર્મચારીઓ - અધિકારીઓનો ભારે રોષ પ્રવર્તે છે. ગમે તે અધિકારી કે કર્મચારીને જાહેરમાં તતડાવી નાખવા અને ન બોલવાના શબ્‍દોથી જાહેરમાં બોલે છે. પરિણામે કુલપતિ ભીમાણીના નજીકના વર્તુળોમાં પણ હવે સંખ્‍યા ધીરે ધીરે ઘટી રહી છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ગૌરવને આસમાને પહોંચાડનાર પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણી બાદના તમામ કુલપતિના કાર્યકાળમાં ચાણકય ગણાતા કોંગ્રેસના અગ્રણી ડો.નીદત બારોટ અને તેની નજીકના વર્તુળોના ધાર્યા કામ અને નિશાન સુપેરે પાર પડે છે. ગીરીશ ભીમાણીના કાર્યકાળમાં તો મોટાભાગના નિર્ણયમાં ચાણકયનો અભિપ્રાય અભિન્‍ન અંગ બની ગયુ હોય તેવી ચર્ચા ચાલે છે.
ગઈકાલે સેનેટર રાજદીપસિંહ જાડેજાના એકલવીર, ઉગ્ર દેખાવ બાદ કુલપતિ ભીમાણીના સીન જાણે વિખાઈ ગયા હોય તેમ થોડી વાર પુરતા તો કોઈ પ્રત્‍યાઘાત આપવાની સ્‍થિતિમાં પણ ન હોતા. બાદ એસએમએસ અને મોબાઈલ મારફત ચાણકયનું માર્ગદર્શન મેળવીને તેમની નજીકના વર્તુળોએ પોલીસ ફરીયાદ કરવાનુ સલાહ આપતા જ કુલપતિ ભીમાણી અને જી.કે. જોષી સહિતના અધિકારીઓમાં હિમ્‍મત આવી હોવાની ચર્ચા ચાલે છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સ્‍થાપના દિને ઉજવણીમાં રોજમદાર કર્મચારીઓને પરાણે બેસાડી રાખતા ભારે ગણગણાટ પ્રવર્તતો હતો. એકંદરે કુલપતિ ગીરીશભાઈ ભીમાણીએ કરેલી કામગીરી ઉપર ગઈકાલે જ પાણી ઢોળ થઈ ગયુ છે.

 

(3:21 pm IST)