Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

શિવાજીનગરમાં ઘરની દિવાલ સાથે ઓઇલ ભરેલા બેરલ અથડાવવાની ના પાડતાં હુમલોઃ પાંચને ઇજા

નીમુબેન બારીયા, પુત્ર રઘુ, ત્રણ પુત્રીઓ નિશા, કુંજલ અને શિલ્‍પાને ઇજાઃ ત્રણને સારવાર લેવી પડીઃ ઓઇલના ધંધાર્થી હિમત તથા કેતન સહિતે ધોકા-પાઇપ ઉલાળ્‍યાની રાવ

રાજકોટ તા. ૨૪: દૂધ સાગર રોડ પર શિવાજીનગરમાં રહેતાં વિધવા મહિલા અને તેના પુત્ર તથા ત્રણ પુત્રીઓ પર ઘર નજીક જ રહેતાં અને ઓઇલનો ધંધો કરતાં શખ્‍સોએ હુમલો કરી ધોકા-પાઇપથી માર મારતાં પાંચને ઇજા થઇ હતી. જેમાં ત્રણને સારવાર માટે દાખલ કરવા પડયા હતાં.

શિવાજીનગરમાં રહતાં કોળી નિમુબેન કાનાભાઇ બારીયા (ઉ.૫૦), પુત્ર રઘુ કાનાભાઇ (ઉ.૨૨), પુત્રી નિશા કાનાભાઇ (ઉ.૨૪) રાતે સાડા નવેક વાગ્‍યે સ્‍વિલ હોસ્‍પિટલમાં ઇજાગ્રસ્‍ત હાલતમાં પહોંચતા અને પોતાના પર હિમત કોળી, કેતન કોળી અને બીજા અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કર્યાની રાવ કરતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

રઘુના કહેવા મુજબ મારા પિતા હયાત નથી. પડોશમાં રહેતાં હિમત અને કેતન ઓઇલનો ધંધો કરતાં હોઇ તેના ઓઇલ ભરેલા બેરલ અમારા ઘરની દિવાલને અડાડીને મુકતાં હોઇ અને બેરલ મુકતી વખતે દિવાલમાં અથડાતાં હોઇ અમારા ઘરની દિવાલોમાંથી પોપડા પડી જાય છે. આ બાબતે તેને ધ્‍યાન રાખવાનું કહેતાં અને બેરલ દૂર મુકવાનું કહેતાં ઉશ્‍કેરાઇ જઇ હુમલો કરતાં મને, મારા માતા નિમુબેન અને ત્રણ બહેન નિશાબેન, કુંજલબેન તથા શિલ્‍પાબેનને ઇજા થઇ હતી. જેમાં ત્રણ જણાને સારવાર લેવી પડી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:29 pm IST)