Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

પરાપીપળીયામાં દિપડાના પડાવથી ગ્રામજનોમાં ફફડાટઃ વન વિભાગે મારણ સાથે પાંજરૂ મુકયું

સરપંચ વિક્રમભાઇ હુંબલ અને જાગૃત આગેવાનોએ ગ્રામજનોને સજાગ રહેવા સુચન કર્યુઃ રાત્રીના સમયે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સુવા તાકીદ

રાજકોટ તા. ૨૩:  જામનગર રોડ પર આવેલા પરાપીપળીયામાં ત્રણ દિવસથી દિપડાએ મુકામ કર્યો હોઇ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સતત ત્રણ દિવસથી લોકો ભયના માહોલ વચ્ચે છે. બને ત્યાં સુધી સીમ ખેતરો તરફ પણ જતાં નથી. વન વિભાગને જાણ કર્યા બાદ અંતે ગઇકાલે દિપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું છે. ગામના યુવાનો સતત રાતભર જાગીને ચોકી પહેરો કરી રહ્યા છે.

બે દિવસ પહેલા પરાપીપળીયાના દેવાયતભાઇ કાનાભાઇ આહિરના વાડામાં વાછરડીનું મારણ થયું હતું. પગલાના નિશાન જોતાં દિપડાએ મારણ કર્યાનું જાણકારોએ તારણ કાઢ્યું હતું. ગામના સરપંચશ્રી વિક્રમભાઇ અરજણભાઇ હુંબલે ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં અધિકારી શ્રી ડાંગરા તથા ટીમે આવી તપાસ શરૂ કરી હતી. જો કે ત્રીજા દિવસે પણ દિપડો પકડાયો નથી. પરમ દિવસે રાતભર યુવાનોએ જાગરણ કર્યુ હતું અને દિપડાના સગડ મેળવવા પોતાની રીતે તપાસ કરી હતી. એ દરમિયાન રાત્રીના બે વખત ખેતરના ઉભા પાક વચ્ચે દિપડો દેખાયો હતો.

ગઇકાલે વન વિભાગની ટીમે પહોંચી પાંજરૂ ગોઠવી દીધું છે. તેમાં મારણ મુકી પિદડાને સકંજામાં લેવા ગોઠવણ કરી છે. સરપંચશ્રીએ ગામલોકોને સજાગ રહેવા અને વાડી-વિસ્તારમાં પણ ખુલ્લામાં કોઇને ન સુવા સુચન કર્યુ છે. વન વિભાગના સુત્રોના કહેવા મુજબ દિપડો એક વખત જ્યાં મારણ કરે ત્યાં ફરી વખત આવતો હોય છે. આ કારણે તે પરાપીપળીયાના કોઇ એકાદ ખેતરમાં છુપાઇ બેઠો હોવાની શકયતા છે. નોંધનીય છે કે રાજકોટમાં નાયબ વન સંરક્ષકની જગ્યા પર કાયમી કોઇ અધિકારીની નિમણુંક નથી. ડીસીએફ જેવી પોસ્ટથી કામ ચલાવવામાં આવે છે. એક જ અધિકારી પાસે ત્રણ ચાર્જ છે. રાજકોટ જીલ્લામાં જ દસ જેટલા આરએફઓની જગ્યામાંથી સાત ખાલી છે.

ગત રાતે પણ ગામના યુવાનોએ જાગીને દિપડાના સગડ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આજ સવાર સુધી દિપડો પાંજરામાં આવ્યો નથી. તેમ જાણવા મળ્યું છે. તસ્વીરમાં દિપડાને પકડવા મુકાયેલુ પાંજરૂ અને ઇન્સેટમાં સરપંચશ્રી વિક્રમભાઇ જોઇ શકાય છે.

(11:41 am IST)