Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હરેશભાઈનું અકસ્માતમાં નિધનઃ પરિવાર નોધારો

સાયકલ લઈને કામે જતા હતા, બાઈક ચાલકે ઉડાવ્યા.. ઉછીના-ઉધાર પૈસા લઈને સારવાર કરાવી, રૂ. ચાર લાખ જેટલો ખર્ચ થયોઃ સીસીટીવી ફુટેજ આપ્યા, એફઆઈઆર થઈ, પોલીસ કેસ ઝડપથી ઉકેલે તેવી રજૂઆત

સ્વ. હરેશભાઈ ટાંકના પત્ની અલ્કાબેન તથા પુત્ર દર્શન નજરે પડે છે

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટના ટાંક પરિવારના મોભીનું અકસ્માતમાં નિધન થતા પરિવાર નોધારો બની ગયો છે. આધેડ વયના હરેશભાઈ ટાંક ખાનગી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક સવારે સાયકલ લઈને કામે જતા હતા ત્યારે એક બાઈક ચાલક અકસ્માત કરીને નાસી ગયો. હરેશભાઈનું સારવાર બાદ નિધન થયું. આ ટાંક પરિવાર નોધારો બની ગયો છે.

હરેશભાઈના પત્ની કહે છે કે, મારો પુત્ર કામે જાય છે, જેની આવક રૂ. ૮૦૦૦ છે. આ રકમમાં મોટા પરિવારનું ગુજરાન ચાલે તેમ નથી. અકસ્માત બાદ હરેશભાઈની સારવાર માટે રૂ. ૩ લાખ ૮૦ હજાર જેટલો ખર્ચ થયો છે. જે રકમ ઉછીના-ઉધારા કરીને મેળવી હતી. આ ટાંક પરિવાર પાસે પોતાનું મકાન કે અન્ય કોઈ મિલ્કત પણ નથી. અકસ્માત બાદ એફઆઈઆર-પંચનામુ વગેરે થયેલ છે. પોલીસ તંત્ર આ કેસમાં રસ ન લેતુ હોવાની લાગણી ટાંક પરિવારે વ્યકત કરી છે.

સ્વ. હરેશભાઈનો પુત્ર કહે છે કે, હું ખૂબ હેરાન થયો, પરંતુ મેં અકસ્માતના સીસીટીવી ફુટેજ પોલીસને આપ્યા છે. અકસ્માત કરનાર બાઈક ચાલક તેમા દેખાય છે છતાં કોઈ પગલા લેવાયા નથી. પોલીસ તંત્ર લાગણીસભર બનીને સક્રિય થાય તેવી રજૂઆત ટાંક પરિવારે કરી છે.

નિર્દોષ ટાંક પરિવાર મોભીની વિદાય બાદ ખૂબ સંકટમાં આવી ગયો છે. દેવું થઈ ગયુ છે. ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સામાજિક સેવા સંસ્થાઓએ પણ આ પરિવારને થઈ શકે તેટલી મદદ કરવી જોઈએ. આ માટે દર્શન ટાંક મો. ૯૮૨૪૦ ૮૪૧૬૦ નંબર પર સંપર્ક થઈ શકે છે.

(3:56 pm IST)