Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વોંકળામાં કચરો ઠાલવતા ખાનગી ટ્રેકટર ચાલક દંડાયાઃ પ હજારનો દંડ

રાજકોટ, તા.૨૪: શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પગલા લેવાતા રહેલ છે. જાહેરમાં ગંદકી કરવી કે જાહેરમાં કચરો ફેંકવાથી શહેરને સ્વચ્છ નહિ બનાવી શકીએ. શહેરના ભકિતનગર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી ટ્રેકટર ચાલક કચરો ઠાલવતા તંત્રને નજરે પડતા તેને પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્વચ્છતાની બાબતે રાજકોટ મહાનગરપાલિકા પણ કડક પગલા ભરે છે. આજ રોજ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસેના વોંકળામાં એક પ્રાઇવેટ ટ્રેકટર દ્વારા વોંકળામાં ભરતી નાખતા પકડાયેલ છે. તેના આ કરતુત બાબતે રાજકોટ મહાનગરપાલિકાએ રૂપિયા ૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. વોંકળામાં ભરતી ઠલવાય છે એવી ફરિયાદના આધારે નાયબ પર્યાવરણ ઈજનેર  વલ્લભભાઈ જીંજાળા અને એટીપી  ઇન્દ્રનીલ વસાવા તથા સ્ટાફે બે કલાક સુધી વોચ ગોઠવી હતી. જેમાં પ્રાઇવેટ ટ્રેકટર મારફત ડેબ્રીસ ઠાલવતા રાજુભાઈ મનજીભાઈ મકવાણા ઝડપાઈ ગયા હતા અને તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ હતો.

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું રાખવા માટે જાહેરમાં થતી ગંદકીને રોકવી જોઈએ, જાહેરમાં કચરો ન ફેંકવો, વોંકળાને સાફ રાખવા જેથી કરીને ચોમાસામાં વરસાદનું પાણી આસાનીથી વહી શકે, તેવું મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવેલ છે.

(4:13 pm IST)