Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

''છેલ્લી પાંચ મીનીટ'' નીહાળનારા કલાકો સુધી મંત્રમૃગ્ધ

અઝીઝ ઇબ્રાહીમ લિખિત-દિગ્દર્શીત રહસ્ય અને ભયના ઓથારને ગોરંભતા નાટકના પ્રથમ પ્રયોગમાં જ વાહ વાહ વરસી પડીઃ અલગારી પાત્રમાં કાજલ જોષી છવાયા : સંવાદ અને પ્રકાશ આયોજને પણ અસર વર્તાવીઃ નાનકડી ઘટનાનો તંતુ છેલ્લ ેસુધી દર્શકોને જકડી રાખવામાં સફળ

તાજેતરમાં રાજકોટ ખાતે '' શબ્દદર્શન કલામંચ'' દ્વારા પ્રસ્તુત મોૈલિક રહસ્ય રોમાંચ અને ભયના ઓથાર વચ્ચે ગોૈરંભાતુ નાટક '' છેલ્લી પાંચ મીનીટ'' નો પ્રથમ શો સંપન્ન થયેલો, પ્રથમ પ્રયોગમાં જ શાનદાર - જાનદાર રીતે નાટકીય તમામ પાસાઓ પર પકડ જમાવી દર્શકોની આહ અને વાહ  મેળવવી એ જ મોટી અદભુત ઘટના હતી. બીબાઢાળ કહાણીઓમાંથી બહાર નીકળી તદન મોૈલિક દિગ્દર્શન-લેખન અને અભિનયના અભિનવ વણાંકોવાળુ નાટક લઇ શ્રી અઝીઝ ઇબ્રાહીમે '' છેલ્લી પાંચ મીનીટ'' દ્વારા નાટય રસિકોને એક અનોખી ભેટ આપી રાજકોટની રંગભુમિને ધન્ય કરી છે.( કેમ કે આ લખનાર છેક ૧૯૭૫ થી નાટય સમીક્ષક રહ્યા છે, સારા નરસાની તેને બરોબરની પરખ છે)

'' છેલ્લીપાંચ મીનીટ'' ની તારીફ માટે શબ્દો ઓછા પડે એમ છે, આટલું સુંદર મોૈલિક, મસાલેદાર અંત સુધી રહસ્ય અકબંધ રાખી ઘટનાના એક પછી એક તંતુ સાંકળતુ નાટક ઘણા સમય પછી જોવા મળ્યુ છે. હા-- મુંબઇ અમદાવાદના નાટકો કરતા અનેકગણું વાર્તા આને પટકથા, સંવાદની દ્રષ્ટિએ આ નાટક ચડિયાતું લાગે છે, એવી એની માવજત અને રજુઆત છે. નાટકમાં તંતુ જે રીતે એક દ્રશ્યમાંથી બીજા દ્રશ્યમાં ફેડ ઇન-ફેડઆઉટ થઇ દર્શકોમાં લાજવાબ થ્રિલીંગ ઉભી કરી જરૂરી અનુકુળ પાર્શ્વસંગીતના તાલે આગળ વધે છે તે જ બાબત નાટકની સફળતાનું મુખ્ય પાસું છે. આજકાલ કોઇ એક નાનકડી ઘટના પર ફિલ્મો બને છે તેમાં પટકથાનું જ મુખ્યત્વે સબળ પાસુ હોય ત્યારે જ તે ફિલ્મ બને એવી રીતે ફિલ્મોની જેમ નાટકમાં પણ પટકથા સંવાદ પર જ તેની સફળતાનો આધાર હોય છે.

અઝીઝ ઇબ્રાહિમ કથા-પટકથામાં પણ સુપેરે પોતાનું કોૈવત દિપાવી શકયા છે. ''છેલ્લી પાંચ મિનીટ'' ના પ્રકાશ આયોજન અને ઝળહળતી દ્રશ્ય રચના માટે દ્રશ્યમાં ખાસ કરીને સ્ટલપોઝ વખતે લાઇટીંગની કમાલ દાખવી હીતેષ સીનરોજાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ જ રીતે સંગીત સંચાલિકા રીના મહેતાએ પણ પાત્રના હાવભાવ અને કથાના હાર્દ મુજબ કયાંક કયાંક ધ્રુજાવતું અને કયાંક કયાંક શિવરંજની કે માલકોસના સુરો રેલાવતું મધુર સંગીત સંવાદો ની સાથો સાથ સમયસર કોઇપણ જાતના વિરામ વગર તાલ-મેલ મિલાવી રજુ કરી દર્શકોના આનંદને બેવડાવ્યો હતો.

 પાત્ર મુજબ જરૂરી મેક-અપમાં હરેશ તુરીનું કામ પ્રશંશ્ય હતું. દિગ્દર્શકની કલ્પના મુજબનું સ્ટેજ ડેકોરેશન કરવા માટે કિશોર સચદે અને ચિરાગ સચદેનું પ્રદાન નાટકની સફળતા માટે અત્યંત નોંધનીય ગણાય. પાત્રોના સ્વભાવગત લક્ષણો પારખીને અનુકુળ વેશભુષાની પરિકલ્પના કરી તે મુજબ એની પ્રસ્તુતિ પણ દર્શકોને ઘટના પ્રવાહમાં ખેંચી રાખવામાં ઉપકારક હતી. આ ઉપરાંત નાટકની સફળતા માટે પડદો ઉચકાય અને પાછો પડદો પડે ત્યાં સુધી સ્ટેજ પર દેખાતા અભિનેતા ેકે અભિનેત્રી કરતાં બેક સ્ટેજમાં કામ કરતા સહકલાકારોનો ફાળો સહુથી વિશેષ અને અમુલ્ય હોય છે. સમય અને સ્ફુર્તિથી સ્ટેજ અને પાત્ર પ્રમાણે દરેક દ્રશ્ય મુજબ કલાકારોને જરૂરી પ્રોપર્ટી કે વસ્ત્રો, આભૂષણો કે અન્ય નાટકની જરૂરત મુજબની સામગ્રી બિલકુલ ખલેલ વગર પહોચાડી, નાટયમંચ ને ચાર ચાંદ લગાડતા આવા દરેક બેક સ્ટેજના કલાકારોને અભિનંદન આપવા રહે.

 નાટકમાં કથા વાર્તા પ્રમાણે, રાજકોટનાં પોશ એરીયાની એક સોસાયટીના બંગલા નં. ૬ માં રહેતા ઉદ્યોગપતિ આદિત્ય શેઠના તથા તેમના પત્ની સરિતા શેઠનાની આસપાસ કથા ગુંથાતી રહે છે. સરિતા શેઠનાને અચાનક એક ફોન દ્વારા ધમકી મળે છે કે ''તમારૂ આવતા મહિનાની પાંચમી તારીખે સાંજે પાંચ વાગ્યાને પાંચ મિનીટે તમારી હત્યા થવાની છે'' એ પછી તબક્કાવાર કયારેક પત્રથી તો કયારેક કોઇને કોઇ વ્યકિત દ્વારા આ હત્યાવાળી મૃત્યુવાળી ધમકીનું પુનરાવર્તન થતું રહે છે, અને નાટકમાં ભયની કંપારી અનુભવાતી રહે છે. આ માટે આદિત્યએ પોલીસને પણ જાણ કરેલી છે. સરિતા શેઠના ની મનોસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે એવું એમના અભિયનનું ઉંડાણ જોવા મળ્યું છે. નાટકનો અંત સાવ અનોખો અને ચોટદાર છે. એ માટે સોૈએ નાટક જોવું જ પડે.

સાવ નાનકડી ઘટનાનો તંતુ પકડી બે અંક સુધી દર્શકોને શાંતચિતે બેસાડી રાખવા એ પટકથા તથા દિગ્દર્શકની મોટામાં મોટી ખુબી ગણાય. ધારદાર-ચોટદાર સંવાદોની આપ-લે દ્વારા નાટક ક્રમશઃ ધીમે-ધીમે રહસ્યને ગોપિત રાખી દર્શકોનું કુતુહલ બેવડાવતું આગળ વધતું રહે છે.

સાથોસાથ એ તમામ પાત્રોને અભિનંદન આપવા પડે જેઓએ પોત-પોતાની ભૂમિકામાં ઓતપ્રોત થઇ, ઓગળી જળ નાટકને પરકાયા પ્રવેશ દ્વારા ગોૈરવપ્રદ ઉંચાઇ આપી છે. લખી રંગીલીના પાત્રમાં''કાજલ જોશી એ આ નાટરને પોતાના લાજવાબ અભિનયથી ૧૦૦% પોતાના ખભ્ભા પર ઉંચકી લીધું છે. તેની પંચ લાઇન ''રાજકોટ રંગીલું શહેર હોય તો હુંપણ લખી રંગીલી છું'' દર્શકોને ખુબ જ પસંદ પડી હતી. આમ, વૈશાલીબેન-સરિતા, અને કાજલબેને-લખી ના પાત્ર દ્વારા સાહજિક અને મોૈલિક અભિયનછટાથી નાટકની સમાપ્તિ પછી પણ લાંબા સમય સુધી તેમના પાત્રની ચર્ચા દર્શકોમાં થતી રહે તેવો ઉતમ અભિયન કર્યો છે. નાટકના મુખ્ય પાત્ર આદિત્યના રોલમાં ગોૈતમ જોશી એ સાહજિક અભિનય તેમજ અન્ય પાત્રોમાં મોનીકા દલાલ તરીકે વૃંદા નથવાણી, શ્રીકાંતના પાત્રમાં અલ્પેશ ટાંક, નકલી પોલીસ ઇન્સપેકટર તરીકે રમીઝ સાલાણીએ પોતાની કલાના ચમકારા જરૂર વેર્યા છે.

અંકના આરંભે થતી ઉદઘાષણા પણ નાટકના વિષયવસ્તુથી દર્શકોની રસ રચિતા ઘડતર માટે કાબિલેદાદ હતી. જે માટે ઉદઘોષક જયંત જોશી અભિનંદનના હકદાર છે.

 સમગ્ર રીતે વિહંગાવલોકન કરતા આવુ રહસ્યમય થ્રિલર કે જેનું મંચન કરવું ખૂબ જ અઘરૂ છે એવું નાટક અઝીઝ ઇબ્રાહિમ અને તેમની ''શબ્દદર્શન કલા મંચ''ની ટીમે રાજકોટની રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવી બતાવ્યું છે એ ઘટનાની નોંધ રાજકોટની રંગભૂમિના ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરે લખાશે.. આવા પ્રયોગશીલ રહસ્યમય નાટકનું હિંમતપૂર્વક નિર્માણ કરવા માટે જાવેદ જુનેજાને સોૈ સોૈ સલામ.

-:આલેખન અવલોકનઃ

 દિલીપ જોષી

મો. ૯૪૨૮૨ ૦૦૨૦૨

(4:12 pm IST)