Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બોર્ડ પરિણામોમાં ખાનગી શાળાઓથી ચડીયાતી પૂરવાર થતી રાજકોટની કરણસિંહજી સરકારી હાઇસ્કુલ

માત્ર રૂ.૩૬ની વાર્ષિક ફીમાં સ્કુલ બેગ, પૂસ્તક,યુનિફોર્મઃ સ્માર્ટ રૂમની સુવિધા અને મફત કોમ્પ્યુટર શિક્ષણઃ ૪૨ પ્રકારની ઔષધિઓના બગીચાથી પ્રફુલ્લિત વાતાવરણ

રાજકોટ તા.૨૪: ઐતિહાસિક સરકારી કરણસિંહજી હાઇસ્કુલ સાચા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. માધ્યમિક વિભાગ ધોરણ ૯,૧૦ તેમજ ઉ.મા. વિભાગ ધોરણ-૧૧,૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ વિભાગ ધરાવતી કરણસિંહજી હાઇસ્કુલ સરકારી શાળા ઓમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી અને વિદ્યાર્થીઓની માત્ર ૩૬ રૂપિયા વાર્ષિક ફી, પહેલ વધુ સંખ્યા ધરાવતી અને વિદ્યાર્થીઓની માત્ર ૩૬ રૂપિયા વાર્ષિક ફી, પહેલ યોજના, એસ.એમ.ડી.સી.ગ્રાન્ટ માંથી વિદ્યાર્થીઓ ને પુસ્તકો, સ્કુલબેગ, સ્કુલ યુનિફોર્મ, કોમ્પ્યુટર શિક્ષણ તદ્દન મફત આપવામાં આવે છે. તેમેજ સરકારશ્રી તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે.

એટલુજ નહિપણ કરણસિંહજી શાળામાં અતિ આધુનીક વાઇ ફાઇ સ્માર્ટ રૂમ દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ અને સી.સી ટીવી સજજ શાળા બનાવવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અદ્યતન લેબોરેટરી વિશાળ પ્રાર્થનાખંડ, જીમના સાધનો, રમત-ગમતના સાધનો સુ સજ્જ સ્પોર્ટસ રૂમ અને વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે. આ સરકારી શાળામાં એન.સી.સી, એન.એસ.એસ., સ્કાઉટ, ઇકો કલબની પ્રવૃતિનાં જ્ઞાન સાથે ૪૨ પ્રકારની ઔષધિ સાથેનો બગીચો વિદ્યાર્થીઓને ઉત્તમ વાતાવરણ પુરૂ પાડે છે. રાજકોટ જિલ્લામાં એક માત્ર રોજગારીની માહિતી આપવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ''નોલેજ કોર્નર અને કેરિયર કોર્નરનો લાભ વિદ્યાર્થીઓને વિના મુલ્યે મળે છે.

આ શાળામાં આજની સેલ્ફ ફાઇનાન્સ શાળા કરતા પણ વધારે સારૃં બોર્ડનું પરિણામ આવે છે. તે પણ માત્ર ૩૬ રૂપિયા વાર્ષિક ફીમાં ઉપલબ્ધ છે. ત્યારે વાલીઓનાં પણ લાખો રૂપિયા ખંખેરતી શિક્ષણનાં હાટડા બાંધીને બેઠેલી સંસ્થાઓમાંથી મુકિત મેળવવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે.

સમગ્ર સ્ટાફ વીસ વર્ષથી વધુ વર્ષના અનુભવી પૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા આધુનિક ટેકનોલોજી તેમજ વાઇફાઇ રૂમ પ્રોજેકટર સાથે બાઇસેગ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યાર આર્ટસ, કોમર્સ, સાયન્સ કોઇપણ વિભાગમાં પ્રવેશ મેળવવાની ઉતમ તક આ શાળા દ્વારા આપવામાં આવે છે. વાલીઓનાં લાખો રૂપિયા ખંખેરતી સેલ્ફ ફાઇનાન્સ શાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ વાલીઓએ જાગૃત બનીને સારૃં શિક્ષણ માત્ર પૈસા આપવાથી મળે છે તે ખ્યાલમાંથી બહાર આવી. આવુ ઉંચુ પરિણામ તેમજ બાળકોનાં સર્વાગી વિકાસ કરાવતી અને શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળામાં પ્રવેશ મેળવવોએ જમાનાની માંગ હોવાનું સિધ્ધરાજસિંહ ઝાલા (પ્રમુખ, સરકારી શિક્ષકસંઘ મો.૯૮૨૪૫ ૮૧૮૮૧)ની યાદીમાં જણાવાયુ છે.(૭.૧૯)

(4:10 pm IST)