Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

લાખોનું દાન કર્યુ પરંતુ પત્નિને ખોરાકીની રકમ નહિ ચુકવતા ધોરાજીના ઉદ્યોગપતિની કાર જપ્ત કરાઇ

રાજકોટની ફેમીલી કોર્ટના કમ્પાઉન્ડમાં જપ્ત કરાયેલ કાર રાખી દેવાઇ

રાજકોટ તા. ર૪ :.. પત્નિને પત્નિ માનવાનો ઇન્કાર કરીને લાખોનું દાન કરનાર ધોરાજીના ઉદ્યોગપતિ એવા વિનોદરાય ગોપાલભાઇ જાગાણી એ ફેમીલી સ્યુટના કેસમાં વચગાળાની ખોરાકીની ચડત થયેલ રકમ પત્નિને નહિ ચુકવતા અદાલતે કાઢેલ જપ્તી વોરંટની બજવણી કરીને ફેમીલી કોર્ટે અરજદારના પતિની ફોર્ડ કંપનીની લાખોની કિંમતની કારનો કબ્જો લઇને અદાલતી કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે ખેડૂત ઓઇલ કેક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વિનોદરાય ગોપાલભાઇ જાગાણી કે જેઓ મીનાક્ષીબેન વિનોદરાય જાગાણીના પતિ થાય છે. સદરહુ મીનાક્ષીબેન વિનોદરાય જાગાણી એ તેણીના પતિ વિનોદરાય ગોપાલભાઇ જાગાણી સામે સીઆરપીસી ની કલમ ૧રપ નીચે ભરણ પોષણ મળવા રાજકોટ કોર્ટમાં કેસ દાખલ કરેલ જે કેસ ત્યારબાદ ફેમીલી કોર્ટમાં ટ્રાન્સફર થતાં ફેમીલી કોર્ટે તેઓના ચુકાદાથી અરજીની તારીખથી ઠરાવની તારીખ સુધી રૂ. ૭પ૦૦ માસીક ખોરાકીના ચુકવવા અને ત્યાર પછીના સમયગાળા માટે રૂ. ૮પ૦૦ લેખે ખોરાકીની રકમ ચુકવવા તેવો હુકમ કરેલ છે.

સદરહુ હુકમથી નારાજ થઇ વિનોદરાય ગોપાલભાઇ જાગાણી એ ફેમીલી કોર્ટમાં ફેમીલી સ્યુટ દાખલ કરી દાદ માંગેલ કે સામાવાળા સાથે લગ્ન થયેલ નથી તેવું ડીકલેર કરી આપવા અંગે.સદરહુ દાવામાં સામાવાળાએ ચાલુ દાવા દરમ્યાન હિન્દુ મેરેજ એકટની કલમ-ર૪ નીચે ઇન્ટરીમ એલીમની અને ખર્ચના પૈસા મળવા અરજી કરેલ. સદરહુ અરજી કોર્ટે મંજૂર કરી તા. ર૧-૧-ર૦૧ર થી દાવો ચાલે ત્યાં સુધી માસિક રૂ. પ૦૦૦ ચુકવવા અને દાવા ખર્ચ પેટે રૂ. ર૦,૦૦૦ ચુકવવા તેવો હુકમ કરેલ. સદરહુ હુકમથી નારાજ થઇ સદરહુ વિનોદરાય ગોપાલભાઇ જાગાણીએ ગુજરાત  હાઇકોર્ટમાં સ્પે. સીવીલ એપ્લીકેશન દાખલ કરેલ.

સદરહુ અરજી વિનોદરાય ગોપાલભાઇ જાગાણીના વકીલે ગુજરાત હાઇકોર્ટમાંથી વિથ ડ્રો કરતાં હાઇકોર્ટે સદરહુ મેટર ડીસ્પોઝ ઓફ કરેલ છે. ત્યારબાદ અઢી લાખ જેવી ચડત રકમ સદરહુ વિનોદરાય ગોપાલભાઇ જાગાણીએ કોર્ટમાં જમા નહી કરાવતા વિનોદરાય ગોપાલભાઇ જાગાણીએ દાખલ  કરેલ ફેમીલી સ્યુટ પણ કોર્ટે રદ કરેલ છે.

આ કેસમાં વિનોદરાય ગોપાલભાઇ જાગાણીએ કોર્ટના હુકમ મુજબ રકમ નહી ચુકવતા મીનાક્ષીબેન વિનોદરાય જાગાણીએ કોર્ટમાં સદરહુ રકમ વસુલ અપાવવા દરખાસ્ત દાખલ કરેલ અને આ દરખાસ્તના કામમાં કોર્ટે જપ્તી વોરંટ ઇસ્યુ કરતાં આ જપ્તી વોરંટના આધારે સદરહુ વિનોદરાય ગોપાલભાઇ જાગાણીની મોટર કાર નં. જીજે-૩-બીએ-૯ર૩પ ની ફોર્ડ કંપનીની ગાડી જપ્ત કરેલ છે અને કોર્ટે કોર્ટના કમ્પાઉન્ડમાં સદરહુ ગાડીને જપ્તીમાં રાખેલ છે.

અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે વિનોદરાય ગોપાલભાઇ જાગાણીના પુત્ર રાજનું અકસ્માતે અવસાન થતાં તેઓના નામે તેમજ વિનોદભાઇના માતા-પિતાના નામે તેમજ અન્ય સગાઓના નામે લાખો રૂપિયાનું દાન સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં આપવામાં આવેલ છે.

આ કામમાં મીનાક્ષીબેન વિનોદરાય જાગાણી તરફથી વકીલ તરીકે તરૂણ એસ. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયેલ છે. (પ-ર૩)

(4:10 pm IST)