Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

૨૫ મે વર્લ્ડ થાઇરોઇડ ડે

ભારતમાં ૪ કરોડથી વધુ દર્દીઓ થાઇરોઇડના રોગથી પીડાય છે

૨પ મે-૨૦૧૮ના રોજ 'વર્લ્ડ થાઇરોઇડ ડે' ના ૧૦ વર્ષની ઉજવણી કરાશે. જેમાં મુખ્યત્વે 'અમેરીકન થાઇરોઇડ ઓર્ગેનાઇઝેશન', 'યુરોપીયન થાઇરોઇડ ઓર્ગેનાઇઝેશન' અને તેને લગતી બીજી એજન્સીઓએ સાથે મળી કેટલાક લક્ષ્યાંક નકકી કર્યા છે. (૧) થાઇરોઇડ અને તેના સ્વાસ્થ્ય અંગે જાગૃકતા (૨) થાઇરોઇડના રોગો અને તેની અઘતન સારવાર પધ્ધતિ અને જાગૃકતા (૩) થાઇરોઇડના રોગોની પ્રચલીતતા અંગે જાગૃકતા લાવવી (૪) થાઇરોઇડના રોગો અંગેના ઉપાય અને જાણકારીની સવલતો કરવી (પ) જાગૃકતા અને માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચે તેની વ્યવસ્થા કરવી.

વોકહાર્ટ હોસ્પિટલ કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડીસીન અને ઇન્ટેન્સીવીસ્ટ ડો.તેજસ ચૌધરીએ જણાવેલ હતુ કે થાઇરોઇડ એ એક અગત્યની ગ્રંથી છે જે પતંગીયાના આકારની હોય છે, આપણા ગળાના નીચેના ભાગમાં શ્વાસનળીની આગળ અને સ્વરપેટીના નીચેના ભાગમાં આવેલી હોય છે. આપણા શરીરમાં રહેલી આઠ હોર્મોન ગ્રંથીઓમાંની થાઇરોઇડ ગ્રંથી નાની હોવા છતા શરીરના બધા જ મેટાબોલીક પ્રોસેસમાં ભાગ લે છે. થાઇરોઇડ ગ્રંથીના અંતઃસ્ત્રાવો જે લોહીમાં ભળે છે અને શરીરના દરેક અવયવો, પેશીઓ, કોષો અને મેટાબોલીસમને કંટ્રોલ કરે છે.

ડો.તેજસ ચૌધરીએ વિશેષમાં જણાવેલ હતુ કે આપણા દેશમાં ૪ કરોડથી વધુ વ્યકિતઓ એક યા બીજા પ્રકારના થાઇરોઇડ લગતા રોગથી પીડાય છે. દેશની દર ત્રીજી વ્યકિતએ એક વ્યકિત એક યા બીજા પ્રકારના થાઇરોઇડ ડીસઓર્ડરથી પીડાય છે. સામાન્ય રીતે વયસ્ક નાગરીકોમાં આ રોગ વિશેષ જોવા મળે છે. કયારેક દર્દીને ખબર પણ નથી હોતી કે તેને થાઇરોઇડને લગતી બીમારી છે. ઘણા લોકો તો થાઇરોઇડના નામથી પણ અજાણ હોય છે. સામાન્ય રીતે પાંચ પ્રકારના થાઇરોઇડને  લગતી બીમારીના દર્દીઓ જોવા મળે છે.

હાઇપોથારોઇડીસ્મઃ થાઇરોઇડગ્રંથી અન્ડર એકટીવ હોવાથી દર્દીને થાક લાગવો, વજન વધવુ, ચામડી જાડી થઇ જવી, ઠંડી સહન ન થવી, શરીરમાં સોજા આવવા વિગેરે લક્ષણો જોવા મળે છે. આવા કોઇપણ લક્ષણો સાથે લેબોરેટરી ટેસ્ટથી નિદાન શકય છે અને તે માટે સારવાર 'હોર્મોન રિપ્લેસમેન્ટ' છે. જે ડોકટરના માર્ગદર્શનમાં લઇ શકાય. સામાન્ય રીતે ૬૦% સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે. જીવનભર મેડીસીન લેવાથી સામાન્ય જીવન જીવી શકાય છે. ખાસ કરીને પ્રેગનેન્સી દરમ્યાન ખાસ કાળજી લઇ સમયસર નિદાન અને સારવાર લેવાથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સરસ રહે છે.

હાઇપરથાઇરોઇડીસ્મ અને થાઇરોઇડ કેન્સર અને ગોઇટરઃ થાઇરોઇડ ગ્રંથી ઓવર એકટીવ હોવાથી  દર્દીને ધબકારા વધવા, વજન ઘટવુ, ભુખ વધવી, ખુબ પરસેવો વળવો, વારંવાર ઝાડા થવા, ગરમી સહન ન થવી, ચીડીયાપણુ, હાથમાં ધ્રુજારી આવવી, સ્નાયુઓની નબળાઇ, આંખો પહોળી થવી વિગેરે લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો સાથે લેબોરેટરી ટેસ્ટથી નિદાન શકય છે. ડોકટરના માર્ગદર્શન હેઠળ એન્ટીથાઇરોઇડ ડ્રગ્સ, આયોડીન અને સર્જરી વિગેરેથી સારવાર શકય છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી થાઇરોઇડ કેન્સર પણ મટી શકે છે.

થાઇરોઇડ થવાના કારણોઃ (૧) જન્મજાત થાઇરોઇડ ગ્રંથી ન હોવી (૨) જન્મજાત થાઇરોઇડ હોર્મોનની ખામી (૩) થાઇરોઇડાયટીસ આંકડાકીય માહીતીને ધ્યાનમાં લઇએ તો એક નવાઇની વાત જાણવા મળે છે કે ઓછામાં ઓછા ૬૦% લોકોને તેમને થાઇરોઇડ અંગેની તકલીફ છે એવો અંદાજો પણ નથી હોતો અને તેમાં પણ સ્ત્રીઓમાં થાઇરોઇડને લગતા રોગનું પ્રમાણ પુરૂષો કરતા ૬ થી ૮ ગણુ વધુ જોવા મળે છે. તો આજના 'વર્લ્ડ થાઇરોઇડ ડે' ના દિવસે લોકો સુધી એક સામાન્ય ભાષામાં માહિતી પહોંચાડવાનો આ અમારો પ્રયાસ છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને સમયસર સારવાર અને નિદાનથી કોઇને સારૂ જીવન મળી શકે. બસ અમારા આવા પ્રયાસોમાં આપનો સહકાર જરૂરી છે. જેથી આપણે એક સ્વસ્થ સમાજ બનાવી શકીએ.

ડો. તેજસ ચૌધરી

કન્સલટન્ટ ઇન્ટરનલ મેડીસીન કન્સલટન્ટ ઇન્ટેન્સીવીસ્ટ વોકહાર્ટ હોસ્પિટલ

(4:05 pm IST)