Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોઠારીયા સોલવન્ટમાં મુર્તિકારના રમેશ રાઠોડના ઝૂપડામાંથી ૩ લાખનો દારૂ ઝડપાયો

રસુલપરાના સલિમ ઉર્ફ બાબુ ઉર્ફ વેરાવળનું નામ ખુલ્યું: તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો સંયુકત દરોડો

રાજકોટ તા. ૨૪: કોઠારીયા સોલવન્ટમાં બરકતી નગરમાં આવેલા જાહેર શોૈચાલય સામે ખુલ્લા પટમાં ઝૂપડામાં રહેતાં અને મુર્તિ બનાવવાનું કામ કરતાં રમેશ ગંગારામ રાઠોડના ઝૂપડામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી પરથી તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે સંયુકત દરોડો પાડી રૂ. ૩,૦૪,૮૦૦નો ૬૨ પેટી (૭૪૪ બોટલ) દારૂ કબ્જે કર્યો છે. આ દારૂ રમેશના ઝૂપડામાં રસુલપરા પાયોનિયર વાળી શેરીમાં રહેતાં સલિમ ઉર્ફ બાબુ ઉર્ફ વેરાવળે ઉતાર્યો હોવાનું ખુલતાં બંનેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, અધિક નાયબ કમિશ્નર મહેતા, એસીપી ક્રાઇમ તથા તાલુકાના ઇન્ચાર્જ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પી.એસ.આઇ. એન. ડી. ડામોર, ડીસીબીના બી.ટી. ગોહિલ, તાલુકાના હર્ષદસિંહ ચુડાસમા, એચ. જી. રાઠોડ, અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ આહિર, નગીનભાઇ ડાંગર, ગોપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, પ્રદિપસિંહ જાડેજા, અમિનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, જીજ્ઞેશ મારૂ, પ્રદ્યુમનસિંહ ઝાલા, જયપાલસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સંયુકત બાતમી મળી હતી કે કોઠારીયા સોલવન્ટમાં ઝૂપડામાં રહેતાં અને મુર્તિ બનાવવાનું કામ કરતાં મુળ રાજસ્થાન પાલીના દેસુરી તાબેના સાદળી ગામના રમેશ રાઠોડના ઝૂપડામાં દારૂ ઉતર્યો છે.

પોલીસે દરોડો પાડતાં રૂ. ૩,૦૪,૮૦૦નો દારૂનો જથ્થો મળતાં કબ્જે લીધો છે. રમેશ હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. આ દારૂ સલિમ ઉર્ફ બાબુ ઉર્ફ વેરાવળ નામના શખ્સે ઉતાર્યો હોવાનું પણ પોલીસને જાણવા મળતાં તેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૧૧)

(4:05 pm IST)