Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આજી નદી બારે માસ વહેશે

નદીની ગંદકી દુર કરવા ખાસ પાઇપલાઇન : ૩ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ : નદીમાં ૩૬ સ્થળેથી ઠલવાતા ગંદા પાણી માટે બંને કાંઠે ૧૦ કિ.મી.ની ખાસ પાઇપ લાઇન

 

રામનાથઘાટ પાસે આજી નદીની કયા પલટઃ રાજકોટ : રામનાથમંદિર ઘાટ પાસે આજીનદી શુધ્ધીકરણની યોજના કાર્યાવત થઇ છે જેના થકી રામનાથ ઘાટ આસપાસ નદીની કાયાપલટ થઇ છે. ઉપરોકત તસ્વીરમાં દર્શાય છે. જેમાં શુધ્ધીકરણ પહેલાની અને યોજના કાર્યવત થયા પછીની તસ્વીરો દર્શાય છે.

આજી નદી રામનાથઘાટ શુધ્ધ કરવાની કાગીરી ૬૫ ટકા પૂર્ર્ણઃ રાજકોટ : લોકમાતા આજી નદીમાં આવેલ સ્વયંભુ ગ્રામ દેવતા રામનાથ મહાદેવ મંદિરઘાટ પાસે નદીની સ્વચ્છતા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા કેનાલ બાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરીનું સ્થળ સ્નરસક્ષણ અને સમીક્ષા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ કરી હતી તે વખતની તસ્વીર

રાજકોટ તા. ૨૪ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના આહ્વાન અનુસાર રાજય સરકારશ્રી દ્વારા તા.૧-મે એ ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લપરી-રાંદરડા તળાવ ઉંડા ઉતારવા ઉપરાંત રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે નવા 'અટલ સરોવર'ના નિર્માણની સાથોસાથ આજી નદી શુદ્ઘિકરણ અને વોંકળા સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવેલી છે. જેમાં આજે રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ સંબંધિત અધિકારીઓ અને કન્સલ્ટન્ટ એજન્સીના તજજ્ઞોને સાથે રાખી આજી નદીની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ વર્કની સમીક્ષા કરી હતી.

આ મુલાકાત અંગે વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, અત્યારે આજી નદીમાં ૩૬ જગ્યાએથી વોંકળાનું પાની નદીમાં ઠલવાય છે અને તેના કારણે અહી તહી સુએઝ વોટરને કારણે ગંદકી અને ગાંડી વેલની સમસ્યા ઉદભવતી રહી હતી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આજી નદીમાં બંને કાંઠા પર આશરે દસ-દસ કિ.મી (૧૦.૮૫ – ૧૦.૮૫ કિ.મી.)ની ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન નાંખવાનું નક્કી કરેલ છે. આ પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ થયેથી શહેરના વોંકળાઓનું પાણી આજી નદીમાં ઠલવાતું બંધ થઇ જશે. શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં અમદાવાદ નેશનલ હાઈ-વે થી શરૂ કરીને માધાપર ચોકડીએથી પસાર થતા ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધીના એરીયામાં સુએઝ વોટરના કુલ ૩૬ જેટલા આઉટલેટ છે જે ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન સાથે જોડાઈ જતા આ પાણી નદીમાં આવતું બધ થઇ જશે. આ પ્રોજેકટ વિશે ચર્ચા કરવા માટે આજે સાંજે એક ખાસ મીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે, આજી નદી પરના રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવામાં પણ ઇન્ટરસેપ્ટર પાઈપલાઈનનું ખુબ જ મહત્વ રહેલું છે. ગટર અને વોંકળાના પાણી ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવશે. જયાં શુદ્ઘ થનાર પાણી આજી નદીમાં બનનારા ચાર થી પાંચ ચેકડેમમાં ઠાલવવામાં આવશે. આમ આજી નદી બારેય માસ પાણીથી ભરેલી રહે તેવી આયોજન કરાયું છે. ઇન્ટરસેપ્ટર પાઈપલાઈનમાંથી આવનાર સુએઝ વોટરની ટ્રીટમેન્ટ માટે ત્રણ નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.

આજી નદીની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લેવામાં આવનાર પગલાંઓ વિશે વાત કરતા કમિશનરશ્રીએ કહ્યું હતું કે, આજી નદીમાં કયાંય પણ ખાડાઓમાં પાણી ભરાયેલું ના રહે તે માટે તેને ચેનલાઈઝડ કરી દેવામાં આવી રહયું છે. ખાડાઓમાં ભરાયેલ રહેતા પાણીને કારણે જ ગાંડી વેલનો ઉપદ્રવ થાય છે. વોટર ચેનલનું કાર્ય સંપન્ન થતા જ ગાંડી વેલનો પ્રશ્ન હલ થઇ જશે. આજી નદીમાં કેટલાક લોકો ડેબ્રીસ ઠાલવી નદીમાં ગંદકી અને દબાણ જેવા પ્રશ્નો ખડા કરતા હોય છે. આવી પ્રવૃત્તિ અટકાવવા આજી નદી સુધી પહોંચતા એપ્રોચ રોડ પર ગર્ડર અને બ્લોકેજીસ મુકવામાં આવશે જેથી ડેબ્રીસ લાવતા વાહનો નદી સુધી પહોંચી જ ના શકે.

દરમ્યાન આજી નદીમાં સ્થિત શ્રી રામનાથ મહાદેવ મંદિરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણ સ્વચ્છ રહે તે માટે કાયમી ઉકેલરૂપે કેટલાક પગલાંઓ લેવામાં આવી રહયા છે. અત્યાર સુધી આ મંદિરની બાજુમાંથી જ સુએઝ વોટર વહેતું હતું તેનું વહેણ નદીમાં દુર લઇ જવામાં આવી રહયું છે અને આ માટે એક ખાસ ચેનલનું નિર્માણ કરવામાં આવી રહયું છે. મંદિરની આસપાસ હાર્ડ રોક આવેલ હોય બ્લાસ્ટીંગની મદદથી ખોદકામ થઇ રહયું છે. અત્યાર સુધીમાં ૪ વખત બ્લાસ્ટીંગ કરાયેલ છે અને હજુ બે બ્લાસ્ટ કરવાના બાકી છે અને આ કાર્ય પણ આજ સાંજ સુધીમાં પૂર્ણ થઇ જવાથી વોટર ચેનલનું કામ વધુ ઝડપભેર આગળ ધપી શકશે. આ ચેનલનો ૨૭૯ મી. નો એરિયા હાર્ડ રોક ધરાવે છે. જયાં બ્લાસ્ટીંગ કરવામાં આવી રહેલ છે. આ ચેનલ પાંચ મીટર પહોળી અને સરેરાશ ૩.૫ મીટર ઊંડી બનાવવામાં આવી રહી છે.

  આજી નદીની મુલાકાત વખતે નાયબ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જીનીયરો ચિરાગ પંડ્યા અને કે.એસ.ગોહેલ, પર્યાવરણ ઈજનેર  એન.આર.પરમાર, ટી.પી.ઓ.  એમ.ડી.સાગઠીયા, તથા ડેપ્યુટી એન્જીનીયરો વગેરે હાજર રહયા હતાં.(૨૧.૩૩)

(3:59 pm IST)