Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સબમર્સીબલના કારખાનામાંથી ૧.૩૨ લાખની ચોરી કરનાર ૪ તસ્કરો પકડાયા

માલધારી સોસાયટી પાસે બનાવઃ બુધવારની રજામાં કારખાનું ચાલુ છે તેવી જાણ કરતા કારખાનેદાર તાકીદે કારખાને પહોંચ્યાઃ પૂર્વકર્મચારી અને તેના ત્રણ સાગરીતો ઝડપાયા

રાજકોટ તા.૨૪: કોઠારિયાગામ પાસે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા પૃથ્વી સબમર્શીબલ પંપનામના કારખાનામાં રૂ.૧.૩૨ લાખની મતાની ચોરી કરનાર પૂર્વકર્મચારી સહિત ચારને પકડી લઇ આજીડેમ પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ ચંદ્રેશનગર મેઇન રોડ પટેલ કોલોનીમાં રહેતા અને કોઠારિયામાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પૃથ્વી સબમર્શીબલ પંપ નામનુ કારખાનું ધરાવતા ભાવેશભાઇ ચીમનભાઇ ભંડેરી (ઉ.વ.૩૫) મંગળવારે રાત્રે કારખાનાને તાળુ મારી ઘરે જતા રહ્યા હતા. અને ગઇકાલે બુધવારની રજા હોઇ તેથી કારખાનું બંધ હતુ. રાત્રે ભાવેશભાઇ પોતાના ઘરે હતા. ત્યારે તેના પરિચીત વ્યકિતીનો 'આજે રજામાં પણ કારખાનામાં બેઠા છો'' કારખાનામાં લાઇટો ચાલુ છે' તેમ ફોન આવતા ભાવેશભાઇ તેના ત્રણ મિત્રો સાથે તાકીદે કારખાને ગયા હતા. ત્યાં ગેઇટ પાસે તેનો પૂર્વ કર્મચારી નરેન્દ્ર મગનભાઇ ડોબરીયા ઉભો હતો. કારખાનેદારે 'અહીયા શું કરે છે?' તેમ પૂછતા નરેન્દ્ર ડોબરીયા ભાગવા જતા તેને પકડી લીધો હતો.બાદ કારખાનામાં અંદર જોતા એક છકડો રિક્ષા ઉભી હતી અને ત્યાં નરેન્દ્રના ત્રણ સાગરીતો પપ્પુ રામકુમાર શાદુ, સંજીવ દયાપ્રસાદ શાહ, અને નેમીષ  અશોક પાટીલ કાસ્ટીંગ (બીડ)નો માલ સામાન ચોરીને છકડો રિક્ષામાં ભરતા હતા તે દરમ્યાન ત્રણેયને પકડી લીધા હતા. ત્રણેય શખ્સોએ છકડામાં રૂ.૧,૩૨,૫૦૦નો કાસ્ટીંગનો માલ સામાન ભરી લીધો હતો. ત્યારબાદ કારખાનેદારે જાણકરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ કનકસિંહ સોલંકી સહિત સ્થળ પર દોડી આવ્યા હતા અને ચારેયને સોંપ્યા હતા.

આ અંગે પોલીસે કારખાનેદાર ભાવેશભાઇ ભંડેરીની ફરિયાદ પરથી ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૭.૧૩)

 

(3:02 pm IST)