Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શહેરમાં દારૂના ધંધાર્થીઓ બેફામ

વામ્બે આવાસના પ્રમુખને છરીના ૧૫ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

રાજૂ ઉર્ફ ડિમ્પલ યાદવ અને સંદિપ ઉર્ફ સેન્ડી ખેરે 'અમારો દારૂનો ધંધો બંધ કરાવવા કેમ અરજી કરો છો?' કહી નવીનચંદ્ર વિઠ્ઠલાણી સહિતની સાથે ઝઘડો કર્યોઃ કવાર્ટર એસો.ના પ્રમુખ બાવાજી આધેડ વચ્ચે પડતાં હુમલોઃ જીવ બચાવવા ભાગતાં પાછળ દોડી પકડી લીધાઃ વિજયપરી ગોસ્વામી (ઉ.૪૫)ને પેટ, પગ, મોઢા, હાથ પર આડેધડ ઘા ઝીંકાયાઃ આરોપીઓને ઝડપી લેવા તાલુકા પોલીસના ઠેર-ઠેર દરોડા

રાજકોટ તા. ૨૪: શહેરમાં ગૂંડાગીરી આચરનારા લુખ્ખા-આવારા તત્વો સામે પોલીસ ગમે તેટલી કડક બને છતાં થોડો સમય આવા તત્વો શાંત રહ્યા પછી ફરીથી કાયદો હાથમાં લઇ પોલીસને પડકાર ફેંકે છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા બે નામચીન શખ્સોએ મોડી રાત્રે આ આવાસ યોજના એસોસિએશનના પ્રમુખ બાવાજી આધેડને છરીના પંદરેક ઘા ઝીંકી દઇ પતાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. બંને લુખ્ખાઓએ રાત્રીના કવાર્ટરના રહેવાસી લોહાણા વૃધ્ધ સહિતના લોકો મંદિરે બેઠા હતાં ત્યારે 'તમે અમારો દારૂનો ધંધો બંધ કરાવવા કેમ અરજી આપો છો?' તેમ કહી ઝઘડો કરતાં કવાર્ટર એસોસિએશનના પ્રમુખ વચ્ચે પડતાં તેના પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો.  બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને ઘર પાસે જ આશાપુરા કરિયાણા નામે દૂકાન ધરાવતાં તેમજ વામ્બે આવાસ યોજના એસોસિએશનના પ્રમુખ અને બક્ષીપંચ મહામોરચના મહામંત્રી વિજયપરી ભીખુપરી ગોસ્વામી (ઉ.૪૫) પર રાત્રે એકાદ વાગ્યે આ વિસ્તારના જ રાજૂ ઉર્ફ ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવ અને સંદિપ ઉર્ફ સેન્ડી રમેશભાઇ ખેર નામના શખ્સોએ છરીથી હુમલો કરી પેટ, પગ, પીઠ, પડખા, મોઢા, હાથ પર આડેધડ છરીના પંદરેક ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પી.આઇ. એન.એન. ચુડાસમા, પી.એસ.આઇ. એન. ટી. રબારી, શૈલેષપરી, ભાવેશભાઇ, પ્રવિણભાઇ સહિતે હોસ્પિટલે પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

વિજયગીરીને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ ઓપરેશનમાં લઇ જવાયા હોવાથી પોલીસે કવાર્ટર નં. ૪૭ બ્લોક નં. ૧૬માં રહેતાં નવિનચંદ્ર તુલસીદાસ વિઠ્ઠલાણી (ઉ.૬૧) નામના લોહાણા વૃધ્ધની ફરિયાદ પરથી રાજુ ઉર્ફ ડિમ્પલ યાદવ અને સંદિપ ઉર્ફ સેન્ડી ખેર સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

નવિનચંદ્રએ જણાવ્યું હતું કે હું તથા મારા બે દિકરા ધવલ, નિકુંજ અને અવિંદભાઇ ભાણાભાઇ પરમાર સહિતના લોકો રાત્રે સાડાબાર-એક આસપાસ કવાર્ટરના શંકર ભગવાનના મંદિરના ઓટલે બેઠા હતાં ત્યારે કવાર્ટરમાં જ રહેતો રાજુ ઉર્ફ ડિમ્પલ યાદવ આવ્યો હતો અને 'તમે બધા મળીને કેમ અમારો દારૂનો ધંધો બંધ કરાવવા પોલીસને અરજી આપો છો?' તેમ કહી પોતાના હાથમાં છરી રાખી ગાળો દઇ આ છરીના તમને બે ઘા મારી દઇશું અને કોર્ટમાંથી જામીન પર છુટી જઇશું, પછી તમને ઘરમાં રહેવા નહિ દઇએ..તમારા આખા પરિવારને મારી નાંખશું. તેવી ધમકી આપી જતો રહ્યો હતો.

દેકારો થયો હોઇ વામ્બે આવાસ યોજના એસો.ના પ્રમુખ વિજયપરી ભીખુપરી આવતાં રાજુ ઉર્ફ ડિમ્પલ તેને જોઇ પાછો છરી લઇને આવ્યો હતો અને વિજયપરીને  જાપટ મારી લીધી હતી. હુમલો થશે તેવી બીકે વિજયપરી દોટ મુકીને ભાગતાં રાજુ ઉર્ફ ડિમ્પલ તેની પાછળ દોડ્યો હતો. કવાર્ટર નં. ૪૯ અને ૫૦ની વચ્ચેના ભાગે ખુલ્લી જગ્યામાં તેને પકડી લઇ છરીના ઘા મારવા માંડ્યો હતો. આ વખતે રાજુનો મિત્ર સંદિપ ઉર્ફ સેન્ડી પણ છરી સાથે દોડી આવ્યો હતો અને તેણે પણ વિજયપરીને પેટ-છાતી, બંને હાથ, બંને પગે આડેધડ છરીના ઘા ઝીંકવાનું શરૂ કર્યુ હતું.

નવીનચંદ્રએ વધુમાં જણાવ્યું હતું કે હું તથા મારા દિકરા, કિરીટભાઇ જીવરાજાની, વિજયભાઇ જાદવ સહિતના વિજયપરીને બચાવવા દોડ્યા હતાં અને વચ્ચે પડ્યા હતાં. બીજા રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં રાજુ અને સેન્ડી ભાગી ગયા હતાં. ૧૦૮ને જાણ કરાઇ હતી. પણ ગાડી આવે એ પહેલા જ અમે રિક્ષા મારફત વિજયપરીને સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતાં. આજે બપોર સુધી ઓપરેશન ચાલ્યું હતું.

રાજુ ઉર્ફ ડિમ્પલ અને સંદિપ ઉર્ફ સેન્ડી દારૂનો ધંધો કરતાં હોઇ તેના વિરૂધ્ધ કવાર્ટર એસોના પ્રમુખ વિજયપરી તથા અમે રહેવાસીઓએ પોલીસને અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી બંનેએ હુમલો કરી વિજયપરીને મારી નાંખવાના ઇરાદે છરીના ઘા ઝીંકી દીધા હતાં.

તાલુકા પોલીસ મથકના ડી. સ્ટાફના હર્ષદસિંહ ચુડાસમા, અશોકભાઇ ડાંગર સહિતની ટીમે આરોપીઓને ઝડપી લેવા રાતભર દોડધામ કરી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાં આ બંનેના આશ્રયસ્થાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. પણ બંને હાથ આવ્યા નહોતાં. આ બંને શખ્સો દારૂ, મારામારી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયા છે અને કવાર્ટરમાં સતત દાદાગીરી કરતાં હોવાનું રહેવાસીઓએ કહ્યું હતું.

વિજયપરી બક્ષીપંચ મહામોરચાના મહામંત્રી પણ છે

ગંભીર ઇજાગ્રસ્ત વિજયપરી ગોસ્વામી બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમજ આશાપુરા કરિયાણા નામે દૂકાન ધરાવે છે. તે કવાર્ટર એસો.ના પ્રમુખ હોવા ઉપરાતં ભાજપ બક્ષીપંચ મહામોરચાના મહામંત્રી પણ હોવાનું અન્ય રહેવાસીઓએ જણાવ્યું હતું. (૧૪.૬)

લુખ્ખાઓ-ગૂંડાઓ સામે અવાજ ઉઠાવનારા ફરિયાદીઓ-અરજદારો જ સલામત નથીઃ જાયે તો જાયે કહાં?!

જાંબાઝ પોલીસ ફરીથી ગાંઠીયા દાદાઓને કાયદો સમજાવે તે જરૂરી

રાજકોટ તા. ૨૪: શાંત શહેરમાં જેની ગણના થતી હતી એ રાજકોટ શહેરમાં હવે લુખ્ખા-આવારા-ગૂંડા તત્વો ગમે ત્યારે ગમે તેના પર જીવલેણ હુમલા કરી નાંખે છે અને પોલીસનો પોતાને કોઇ ભય જ ન હોય એ રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. વામ્બે આવાસ યોજના કવાર્ટર એસોસિએશનના પ્રમુખની હત્યાનો પ્રયાસ કરનારા બંને શખ્સો રાજુ ઉર્ફ ડિમ્પલ અને સંદિપ ઉર્ફ સેન્ડીએ પણ આ કવાર્ટરના રહેવાસીઓને રાત્રે એવી ધમકી આપી હતી કે તમને છરીના ઘા ઝીંકીને અમે કોર્ટમાંથી છુટી જઇશું, પછી તમને અહિ રહેવા જ નહિ દઇએ...આખા પરિવારને મારી નાંખશું...!  કાયદા-કાનૂનનો ડર જ ન રહ્યો હોય તેમ આવા શખ્સો ખેલ કરી રહ્યા છે. અમુક ખાખી વર્દીધારીઓ ખુદ આવા તત્વોને છાવરતાં હોવાની શંકાઓ પણ ઘણીવાર નગરજનોના મનમાં ઉદ્દભવતી હોય છે. કારણ કે ફરિયાદી અને અરજદારો જ હવે સલામત રહેતાં નથી. એક તરફ પોલીસ એવું કહે છે કે તમારા વિસ્તારમાં ગુનાખોરી હોય તો અમને કહેજો...બીજી તરફ આવી ગેરકાયદે પ્રવૃતિઓની જાણ કરનારાઓને જ ગૂંડાઓ, લુખ્ખાઓ નિશાન બનાવી હુમલા કરતાં થઇ ગયા છે. ત્યારે આવા તત્વોના ત્રાસથી બચવા પ્રજા બીચ્ચારી જાયે તો જાયે કહાં? એવી હાલતનો સામનો કરી રહી છે.

શહેરના જાંબાઝ અધિકારીઓએ અગાઉ અનેક વખત લુખ્ખા-આવારાઓને તેની ઓૈકાત યાદ કરાવી દીધાના દાખલા છે. ત્યારે હવે ફરીથી ઉચ્ચ અધિકારીઓ ત્રીજુ નેત્ર ખોલી ગાંઠીયા દાદાઓને કાયદાનું ભાન કરાવે એ ખુબ જ જરૂરી લાગે છે. (૧૪.૭)

(3:59 pm IST)