Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રાજકોટ જિલ્લાના ૫૦૦ ગામોની ટપાલો અટકી પડી મોટો દેકારો : હડતાલ યથાવત : આજે ફરી મંત્રણા

તાલુકા મથકોએ ટપાલોના ઢગલા : રોજનું લાખોનું નુકસાન : દેકારો : સેંકડો પાર્સલો સમયસર ન પહોંચતા ભારે રોષ : હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે ગત સાંજે દેખાવો - સૂત્રોચ્‍ચાર

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત દેશભરના ગ્રામીણ ડાક સેવકોની ૩૫ જેટલી માગણીઓ મુદ્દે સરકાર અને યુનિયનના હોદ્દેદારો વચ્‍ચેની મંત્રણા નિષ્‍ફળ નિવડતા આજે સતત ત્રીજા દિવસે ગ્રામીણ ડાક સેવકોની હડતાળ યથાવત્‌ રહી હતી. રાજકોટ ડિવિઝનના ૧૫૦૦ જીડીએસ કામગીરીથી અલિપ્ત રહેતા મોટેભાગે ગ્રામ્‍ય વિસ્‍તારની સેવાઓ પર માઠી અસર પહોંચી છે. એક વિગત મુજબ રાજકોટ જિલ્લાના ૫૦૦ ગામોની ટપાલો - સેંકડો પાર્સલો અટકી પડતા દેકારો બોલી ગયો છે. આજે મંત્રણા માટે ફરી બોલાવાયાનું સાધનોએ કહ્યું હતું.

ગ્રામીણ ડાક સેવકોની અચોક્કસ મુદ્દતની હળતાળને પગલે ટેલિફોન બિલ, વીજબિલ, પોસ્‍ટ ઓફિસોમાં અરજદારોના બચત ખાતાઓની કામગીરી, ટપાલ અને પાર્સલ સેવાને માઠી અસર થઇ છે અને ફરી ક્‍યારથી શરૂ થશે તે હજુ સુધી નક્કી થઇ શક્‍યું નથી. તાલુકા મથકોએ ટપાલોના ઢગલા થઇ ગયા છે.

રાજકોટ ડિવિઝનની હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે ગઇકાલે મોટી સંખ્‍યામાં ગ્રામીણ ડાક સેવકો એકઠા થયા હતા અને પોતાની પડતર માગણીઓ મુદ્દે સૂત્રોચ્‍ચાર કરી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. ઓલ ઇન્‍ડિયા પોસ્‍ટલ એમ્‍પ્‍લોઈઝ યુનિયન જીડીએસના રાજકોટ ડિવિઝનના સેક્રેટરી જે.એમ. સોરઠિયા સહિતના યુનિયનના હોદ્દેદારોએ જણાવ્‍યું હતું કે, જીડીએસના કર્મચારીઓને ૭માં પગારપંચનો લાભ આપવો, કર્મચારીઓને કાયમી કરવા, કાયમી કર્મચારીઓને મળતી તમામ સવલતો જીડીએસના કર્મીઓને પણ આપવી સહિતની ૩૫ પડતર માગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે અને જયાં સુધી માગણીઓનું નિરાકરણ નહીં આવે ત્‍યાં સુધી હડતાળ યથાવત્‌ રહેશે.

આજે ફરી દિલ્‍હી લેબર કમિશનર ડિપાર્ટમેન્‍ટના અધિકારી અને યુનિયનના હોદ્દેદારોને મંત્રણા માટે બોલાવ્‍યા છે. હડતાળને સફળ બનાવવા એસ.કે વૈષ્‍ણવ, શરદભાઈ તેરૈયા, જયંતીભાઈ સોરઠિયા સહિતના યુનિયનના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:48 am IST)