Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મ્યુ. કોર્પોરેશનમાં ૬૦.૪૦ લાખની ગોલમાલ

ઓડીટ રિપોર્ટમાં પર્દાફાશ : રોડ-રસ્તા-સોલીડ-વેસ્ટ ઝુ- ફાયર બ્રિગેડ સહિત ૧૮ વિભાગના બિલોમાં લાખો રૂપિયાનું વધારે ચૂકવણુ થઇ ગયાનું ખૂલ્યું

રાજકોટ, તા. ર૩ : મ્યુ. કોર્પોરેશન કચેરીમાં રૂ. ૬૦.૪૦ લાખની ગોલમાલ સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ થયેલ ઓડીટ રિપોર્ટમાં ખૂલવા પામી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ થયેલ ૧-જાન્યુઆરી-ર૦૧૮થી ૩૧ માર્ચ ર૦૧૮ સુધીના ત્રિ-માસિક ઓડીટ રિપોર્ટમાં મ્યુ. કોર્પોરેશનની ૧૮ જેટલી શાખાઓ દ્વારા ચૂકવાયેલ વિવિધ પ્રકારના બિલોમાં નિયત રકમ કરતા વધારે રકમ ચૂકવાઇ ગયાથી જબરી ગોલમાલ ખૂલવા પામી છે.

ઓડીટ વિભાગે શોધેલી આ ગોલમાલ અથવા ભૂલથી વધુ ચૂકવાયેલી રકમમાં (૧) વોટર વર્કસ વિભાગે રર.૩૭ લાખ (ર) સોલીડ વેસ્ટ વિભાગે ૧ર.પ૦ લાખ (૩) બાંધકામ વિભાગે ૯.૮૯ લાખ (૪) જે.એન.એન.યુ.આર. એમ વિભાગ ૮.૬૯ લાખ (પ) ડ્રેનેજ વિભાગે ર.ર૯ લાખ (૬) ફાયર બ્રિગેડ વિભાગે ૧.૯પ લાખ (૭) ચૂંટણી વિભાગે ૪૯ હજાર (૮) રોશની વિભાગે ૪૯ હજાર (૯) વિજીલન્સ વિભાગે ર૯ હજાર (૧૦) ઝુ વિભાગે ૩૦ હજાર (૧૧) આવાસ યોજના વિભાગે ૪૪ હજાર (૧ર) સાંસ્કૃતિક વિભાગે રર હજાર (૧૩) આરોગ્ય વિભાગે ૧૬ હજાર (૧૪) ટેકસ વિભાગે ૧ર હજાર (૧પ) સ્વીમીંગપુલ (પેડક રોડ) ૪ હજાર (૧૬) સ્ટોર વિભાગે ૪ હજાર (૧૭) એસ્ટેટ વિભાગે ર હજાર (૧૮) ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે ર હજાર.

આમ ઉપરોકત તમામ શાખાઓની મળી કુલ રૂ. ૬૦.૪૦ લાખ જેટલી રકમ મૂળ બિલથી વધારે ચૂકવાઇ ગયાનું ઓડીટ વિભાગે ઝડપી લઇ આ તમામ રકમની રિકવરી કરવા જે તે શાખાને જણાવાયું છે.

(4:31 pm IST)