Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સૌરાષ્ટ્રના ૮ ચકચારી ખુન કેસમાં સ્પે. પી. પી. તરીકે સરકાર પક્ષે અને બચાવ પક્ષે નિરંજનભાઇ દફતરીની કામગીરી

શશીકાંત માળી-ડો. મધુબેન હત્યા કેસ-જામનગરના સ્વામી કેશવાનંદજી કેસઃ ગોંડલના વિનુ શીંગાળા, નિલેષ રૈયાણી હત્યા કેસઃ મોરબીના પ્રકાશ રવેશીયા હત્યા કેસઃ મોટામવાના મયુર શીંગાળા કેસમાં સ્પે.પી.પી. તરીકે છ આરોપીને આજીવન કેદની સજા કરાવીઃપોરબંદરના સંતોકબેન જાડેજાના પુત્રવધુ રેખાબેન જાડેજા સહિતના કેસો લડયા હતા

રાજકોટ તા. ર૪ :.. સૌરાષ્ટ્રના પ્રખર ફોજદારી કાયદાના નિષ્ણાંત ધારાશાસ્ત્રી નિરંજનભાઇ દફતરીનો ગઇકાલે રાત્રે ૧૦ વાગે કોરોનાની સારવાર દરમ્યાન વોકહાર્ટ હોસ્પીટલમાં જીવનદીપ બુઝાયો હતો.

સૌરાષ્ટ્રના બહુચર્ચીત કેટલાંક કેસોમાં તેઓએ બચાવ પક્ષે આરોપીઓને ન્યાય અપાવેલ હતો તો કેટલાંક કેસોમાં  સરકાર દ્વારા સ્પે. પી.પી. તરીકે નિયુકત થઇને આરોપીઓને સજા પણ કરાવી હતી.

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચકચારી બનેલ હોય તેમાં રાજકોટના બહુચચીત શશીકાંત માળી સામેના ત્રિપલ મર્ડર કેસમાં ફાંસીની સજાવાળા કેસ ઉપરાંત ડો. મધુબેન શાહ હત્યા કેસ, પોરબંદરનાં કાળા કેશવ હત્યા કેસ, જામનગરના સ્વામી કેશવાનંદજી વિરૂધ્ધના દુષ્કર્મના કેસોમાં ઉપરાંત ગોંડલના વિનુ શીંગાળા હત્યા કેસ અને નિલેષ રૈયાણી હત્યા કેસમાં ઉપરાંત મોરબીના પ્રકાશ રવેશીયા હત્યા કેસમાં કાંતીલાલ અમૃતીયાતા વકીલ તરીકે રોકાયા હતાં. મોટા મવાના મયુર શીંગાળા હત્યા કેસમાં સ્પે. પી. પી. તરીકે છ શખ્સોને આજીવન કેદની સજા આપી હતી.

પોરબંદરના ધારાસભ્ય સંતોકબેન જાડેજાના પુત્રવધુ રેખાબેન જાડેજાના હત્યા કેસમાં પણ બચાવ પક્ષે એડવોકેટ તરીકે  રોકાયા હતાં. ગોંડલના વિનુ શીંગાળા હત્યા કેસ અને નિલેષ રૈયાણી હત્યા કેસમાં તેઓ સાથે સહાયક એડવોકેટમાં સુરેશભાઇ ફળદુએ પણ મહત્વની કામગીરી બજાવી હતી.

(3:44 pm IST)