Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

પૂજય સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજનો ૫૧મો મહાપ્રયાણ વાર્ષિક દિન

ઉધરસ, શ્વાસ અને અશકિતની તકલીફ છેલ્લા સારા એવા સમયથી રહેતી હતી છતા આ છેવટના સમયગાળામાં પુર્ણ સ્વસ્થતા સાથે ભાવિ નેત્રયજ્ઞો, ભાવિ રાહત કેમ્પો માટેના આયોજનોમાં સંપુર્ણ સક્રિય રહેતા હતા. પુનાના મફતલાલ ગેસ્ટ હાઉસમાં પૂજયશ્રીનો નિવાસ હતો. દરરોજ સાંજે માનસજીના સુંદરકાંડનો પાઠ થતો હતો. પાઠ ચાલુ હતો ત્યારે અરવિંદભાઇ પાઠમાં હતા તેમને બોલાવીને કહ્યુ કે, અરવિંદ, અબ ટૂટી કી કોઇ બુટી નહી હૈ, અરવિંદ ભાઇએ કહ્યુ કે, બાબા, આપ પથારીમાંથી બહાર આવી જાવ, જોઇએ તો અમારો પરિવાર પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છે. આ જોઇ શકાતું નથી. બાબા, આપ પથારી છોડ દો. પૂજયશ્રીની અને અરવિંદભાઇની આંખો પરસ્પર મળી. અરવિંદભાઇની આંખોમાંથી અશ્રુબિંદુ ચમકી ઉઠયા. પૂજયશ્રીએ પુર્ણ સ્વસ્થતાપુર્વક કહ્યુ કે, અરવિંદ જો કાર્ય હાથ મેં લીયા હૈ, ઉસકો પુરા કરને કી ચિંતા કરો. તુમ્હારા કલ્યાણ હો. ભગવાન તુમકો સુખી રખે. અરવિંદભાઇએ લાગણીવશ થઇ કબૂલ કરી રહ્યુ કે, આપ વિના મારાથી શું થઇ શકે?

'મૈ સદૈવ તુમ્હારી સાથ રહુંગા અરવિંદ' અને અરવિંદભાઇનો હાથ લઇ પોતાના બંને હસ્તથી પૂજયશ્રીએ દબાવી સ્થુળ સુક્ષ્મ આશિર્વાદ અને શકિત આપી દીધી.

ઓકટોબર-નવેમ્બરથી મુંબઇના એક ડો.શ્રી બાબુભાઇ ઘેલાણીને પૂજયશ્રીની ચોવીસ કલાકની સેવા માટે મુકવામાં આવ્યા. શ્રી બાબુભાઇ ઘેલાણી આવ્યા કે પૂજયશ્રીએ કહ્યુ કે, 'પૂર્વજન્મ કે સંસ્કાર તુમકો, મેરે પાસ ખિંચ લાયે બેટા!'ડો.બાબુભાઇ ઘેલાણી લગભગ પુરો સમય રહેતા તેથી સત્સંગનો પુરો લાભ બાબુભાઇને મળતો.

અરવિંદભાઇનો જન્મદિન હોવાથી બંગલાના રસોડે શ્રીખંડ આવેલો. બપોરે પૂજયશ્રીનો થાળ ધરાવતા પૂજયશ્રીએ થાળ ધરતા પૂજયશ્રીએ એક આંગળીથી શ્રીખંડ પ્રસાદ સ્વીકાર્યો. અરવિંદભાઇને પ્રસાદ અને આશિર્વાદ આપતા બોલ્યા કે, 'અરવિંદ, પૂર્વજન્મ કે યોગી આત્મા હૈ. રાણાપ્રતાપ કે ભામાશા થે લેકીન વો આજ રણછોડદાસ કા ભામાશા બન ગયા હૈ.'

એક ચમચી ભરી બાબુભાઇને કહ્યુ કે, 'બાબુભાઇ, આજ તુમ્હારી પુત્રી કા ભી જન્મદિન હૈ. બચ્ચી ઇસ સમય મોરબી મેં ખેલ રહી હૈ ઔર ઉસકી માં, જલાબાપા કે દરશન કરને ગઇ હૈ, તો આજ તુમ મેરે હાથો સે ખા લો.' આટલું કહી ડો.બાબુભાઇના પૂર્વ જીવન પરિવારની વાતો પરિચય કાંઇપણ પૂછયા વગર કહી બતાવ્યું. બાબુભાઇ તો આશ્ચર્યથી દિગ્મુઢ થઇ ગયા અને ભોળા ભાવે પૂછી બેઠા કે આપને આ બધી ખબર કેવી રીતે પડે છે? પૂજયશ્રીએ હસતા હસતા કહ્યુ કે, 'તૂમ લોગોને ટેલીફોન, દૂરશ્રવણ, દૂરભાષ, દૂરદર્શન કા નિર્માણ કિયા હૈ, હમારે યોગ મેં યે સબ શકિતયાં હૈ, યોગ સાધનારત થયેલા સાધક યોગીને ત્રિકુટીભેદન પછી યોગીને સહજ જ્ઞાન થાય છે. યોગી જે વસ્તુ પર ધ્યાન એકાગ્ર કરે તો તે વસ્તુ વ્યકિતના ગુણધર્મો આપોઆપ જાણી શકે છે. જો યોગી કુંડલીની શકિત જાગૃત કરે, ચક્રોનું ભેદન કરાવે, સહસ્ત્રારમાં મિલન કરાવે તેવા સિધ્ધ સમર્થ યોગી ધારે તે કરી શકે છે.'

બાબુભાઇના ગયા બાદ રાજકોટથી ડો.ચૂનીભાઇ પોપટ અને ડો.વિષ્ણુભાઇ પધાર્યા. બધા એક સાથે મળતા એવા નિર્ણય પર આવ્યા પૂજયશ્રીને પૂનાથી મુંબઇ લઇ જવા ડો.ચુનીભાઇ પોપટે રિપોર્ટ એકસરે જોતા કહ્યુ કે, 'આમા તો બધું જ ઓલરાઇટ છે છતા આમ કેમ?' પૂજયશ્રીએ કહ્યુ કે, 'આ કર્મગતિ છે. કર્મફળ લીલા છે. જે આવે છે તેણે જવાનું પણ હોય છે. ડોકટરોની મુંબઇ - પુના વચ્ચેની આ દોડધામના બદલે મુંબઇ સારૂ રહેશે.' પૂજય રામભાઇને બોલાવી કહ્યુ કે, 'ચલો રામ, અબ હમ તુમ્હારે યહાં આતે હૈ, સુર્ય એપાર્ટમેન્ટ કામ કમરા ખાલી હૈ ન? ઉસ મેં રહેંગે.'સાતમી માર્ચે પૂજયશ્રી મુંબઇ પધાર્યા.

મુંબઇ આવ્યા બાદ વધુ શાંત અન્યમનસ્ક બની ગયા.વાત નહિ, ફરીયાદ નહિ. ડોકટરોને જે યોગ્ય લાગે તે કરે. સંપુર્ણ ચિંતન કયારેક ડોકટરો સાથે વાતુ થાય તો પણ દેશની સામાજિક રાજકિય ભાવિ સ્થિતિ અંગે વાતુ થાય.

ભીષ્મની બાણશૈયા પર સુવાની સ્થિતી, શ્રીકૃષ્ણની પીપળાના વૃક્ષ નીચે પગ પર પગ ચઢાવીને બેઠેલાની ચિંતનશીલ ભાવિ વિષયક દ્રષ્ટાની સ્થિતી જેવી સ્થિતિમાં વધુ મૌનમાં રહેતા.

ચૈત્ર સુદ ત્રીજના દિવસે અનંતપુરથી રમેશભાઇ ખબર અંતર જાણવા મુંબઇ આવ્યા. પૂજયશ્રી ગુરૂદેવ પહેલી વખત સ્પષ્ટ બોલ્યા કે, 'બેટા અબ ગિનતી કે દિનો મેં હી મૈ જાનેવાલા હૂં, અબ હમ નહિ મીલેંગી. રેડીયો પર મેરે શરિર છૂટ જાને કા સમાચાર તુમ સુનો કિ ફૌરન આ જાના' ઇસ શરિર કો એકદમ નહિ જલાયા જાયેગા. ઇસ લીયે લકડી ડાલતે સમય તુમ તીનો ભાઇઓ હાજીર રહેના. શરિર છુટ જાયે ફીર રોનાગાના નહી. કયોકી મેરા જો કાર્ય હૈ વહ ઐસે હી ચલતા રહેગા. શ્રી રામનવમી દિવસે મંડપમાં બેઠેલા હજારો ભકતજનોને દશેક મીનીટ મળી સૌને બે હાથ જોડી પરત પધાર્યા.

દશમના દિવસે ડો.નથવાણીએ ઇન્જેકશન આપવા નશ (નાડી) ગોતી. ન મળી પૂજયશ્રી હસતા હસતા કહે, 'અબ નહિ મીલેગી.'

અગિયારસના દિવસે રામભાઇને બોલાવીને કહ્યુ કે, 'દેખો રામ, તુમ ઇસ શરિર કો પુષ્કર રામધામ મે ન લે જા શકો તો ન સહિ, પર સ્મશાન મે ઇસે નહી જલાના. જહાં પર શરિર કે અંતિમ સંસ્કાર હોંગે વહી સે ફીર સાધકો કો જરૂર પ્રેરણા મીલતી રહેગી.'

બારસના દિવસે ડો.નથવાણી તપાસ અર્થે આવ્યા. બિલકુલ ન બોલ્યા. શાંતીથી પડી રહ્યા. પૂજયશ્રીએ ઇશારાથી સંકેતથી સમજાવ્યું કે શરીર છોડ દેના હૈ. બે હાથ જોડી ડોકટરની માફી માંગી અને ૧૯-૪-૭૦ના રોજ શરીર છોડી દીધુ.

ચૈત્ર સુદ તેરસના દિવસે તા.૧૯-૪-૭૦ના રોજ બપોરે રામભાઇના હાથમાં પોતાનો વરદ કમળ હસ્ત પધરાવી 'મૈ જાતા હું રામ'

એટલું બોલી સદગુરૂદેવે હંમેશના માટે આંખો મીંચી લીધી

સદગુરૂદેવની મહાપ્રયાણ યાત્રા પહેલાની આ જીવનયાત્રા આપણને રાષ્ટ્ર, સમાજ સદગુરૂદેવ પ્રત્યેની જવાબદારી વિશે ઘણું ઘણું શીખવી જાય છે. તેઓ કહેતા કે 'સ્થુળથી હું આશ્રમમાં ન હોઉ તો એવું ન સમજવું હું નથી. હું સૂક્ષ્મથી સદૈવ હાજર હોઇશ.' આપણને સૌને આજે પણ પૂજયશ્રીની સુક્ષ્મ હાજરીની અનુભૂતિ થાય છે જ. સદગુરૂદેવ કી જય.

'મેં જાતા હું, રામ'

ચૈત્ર સુદ ૧૩ તેરસ તા.૧૯ એપ્રિલ ૧૯૭૦ બપોરે બે થી ત્રણ વચ્ચે આ.શ્રી રામભાઇના હાથમાં પોતાનો વરદ હસ્ત પધરાવીને, 'મેં જાતા હું, રામ' આટલું કહીને પૂજયશ્રીએ હંમેશના માટે આંખો મીંચી દીધી

ખાસ નોંધ : આ લખાણમાં જે વિગતો છે તે આદરણિય બહેન શ્રી દમયંતિબેન સેજપાલના પુસ્તક 'મારા ગુરૂદેવ' પાંચમી આવૃતિમાંથી સાભાર લીધી છે. સંકલન આ લખનારનું છે. (નોંધ અને સ્પષ્ટતા માટે)

 :: આલેખન ::

ડો.આર.એલ.શિંગાળા

(રતુભાઇ શિંગાળા)

પૂર્વ પ્રિન્સીપાલ માલવીયા કોલેજ

લાલબહાદુર શાસ્ત્રી મહાવિદ્યાલય,

રાજકોટ ફોન નં.૦૨૮૧ ૨૪૭૯૭૦૦

(3:07 pm IST)