Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સંક્રમણ વધ્યુ છે, હાલત ગંભીર છે...તો પણ લોકો ગંભીર નથી બનતાં : માસ્ક વગર એક જ દિવસમાં ૮૨૭ પકડાયા

પોલીસે ૮.૨૭ લાખનો દંડ વસુલ્યોઃ જાહેરમાં થુંકનારા ૨૧ લોકો પાસેથી પણ દંડ વસુલાયોઃ કર્ફયુ ભંગના ૧૧૫, જાહેરનામા ભંગના ૧૪૯ કેસઃ જરૂર ન હોય તો બહાર ન નીકળો, માર્ગદર્શિકાનું પાલન કરોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૨૪: કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં ખુબ જ વધેલુ છે. બાળકો પણ સંક્રમિત થવા માંડ્યા છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ફુલ છે. સંક્રમણ અટકાવવા લોકોએ સ્વૈચ્છીક જાગૃત બનવું જરૂરી છે. હાલત ગંભીર છે ત્યારે લોકોએ પણ થોડુ ગંભીર બની માર્ગદર્શિકાઓનું ગંભીરતાથી પાલન કરવું અત્યંત જરૂરી છે. જા કે આમ છતાં ઘણા લોકો માસ્કને મહત્વનું સમજતાં નથી. ગઇકાલે એક જ દિવસમાં પોલીસે માસ્ક વગર નીકળેલા ૮૨૭ લોકોને પકડી લઇ રૂ. ૮,૨૭,૦૦૦નો દંડ વસુલ કર્યો છે.

ગઇકાલે જાહેરનામા ભંગના પોલીસે ૧૪૯ કેસ નોધ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ ભંગના ૨૮ કેસ પણ કર્યા હતાં. તો જાહેરમાં થુંકનારા ૨૧ લોકોને પકડીને રૂ. ૧૦૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ૨૩મીની સાંજના આઠથી આજ ૨૪મીના સવારના ૬ સુધીમાં કર્ફયુ ભંગ કરવાના ૧૧૫ કેસ કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના મુજબ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને ક્યુઆરટીની ટીમોએ કર્ફયુ સમયે મહત્વના પોઇન્ટ પર પહોચી ચેકીંગ કર્યુ હતું અને ફરજ પરના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સતત શહેરની જનતાને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા અને તંત્રવાહકોને સહકાર આપવા અનુરોધ કરી રહ્ય છે. તેમણે જણાવ્યું હતું કે શહેરની જનતાની સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે. ગઇકાલની પોલીસે કોરોના અંતર્ગત જે કામગીરી કરી છે તે જોતાં લાગે છે કે સંક્રમણ વધ્યું છે છતાં લોકો જાહેરમાં બેદરકારી દાખવતા મળી આવે છે. આ બાબત ખુબ જ ચિંતાજનક કહી શકાય. લોકો માર્ગદર્શિકાનું કડક પાલન નહિ કરે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. લોકોએ પોતાની અને પોતાના સ્વજનોની સુરક્ષાનો પણ વિચાર કરવો જરૂરી છે. જરૂર ન હોય તો બહાર ન નીકળો, નીકળવું જ પડે એમ હોય તો માસ્ક ફરજીયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સેનેટાઇઝર-સાબુનો ઉપયોગ કરો, હાથ ધોતાં રહો અને જાહેરમાં થુંકવાનું ટાળો.

(2:59 pm IST)