Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ચાર વર્ષના

કોરોનાગ્રસ્ત બાળકનું આંતરડાનું ઓપરેશન કરી નવજીવન બક્ષતા ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને ટીમ

રાજકોટ તા. ૨૪: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પીડીયાટ્રીક વિભાગના ડોકટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતા ચાર વર્ષના બાળક ભરતને છેલ્લા ૩ દિવસથી તાવ શરદી ઉધરસ જેવી અસર થતા ડોકટરની દવા લીધી હતી. પરંતુ તેનાથી ફેર ના પડતાં તેઓ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા પરિવારજનો પર આફત વરસી પડી હતી. બાળકને ઘરમાં કવોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત,બાળકનું પેટ ફુલી રહ્યંુ હતું અને વારંવાર ઉલટી થવાના કારણે ડોકટરનો સંપર્ક સાધવામાં આવ્યો.ડોકટરના અભિપ્રાય મુજબ બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યો. ઉપરાંત,તેને આંતરડાના સૌથી નીચે આવેલી આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિકસમાં ઈન્ફેકશન વધતું હતું. જેને કારણે પેટ ફુલવાની પણ સમસ્યા અને ઉલટી પણ વારંવાર થતી હતી. રાજકોટ સિવિલના કે.ટી ચિલ્ડ્રનમાં વિભાગમાં દાખલ કરીને જરૂરી સારવાર આપીને તેના જરૂરી રીપોર્ટ કરવામાં આવ્યા. ડોકટરોએ ભરતના એકસ-રે સોનોગ્રાફીના રિપોર્ટની ગંભીરતા જોઈને તુરંત જઓપરેશન કરવાનો નિર્ણય કર્યો.એપેન્ડિકસમાં લાગેલું ઇન્ફેકશન સમગ્ર શરીરમાં ના ફેલાય એ વાતને ધ્યાને રાખીને લેપ્રોટોમી (પેટ ખોલીને કરવામાં આવતું ઓપરેશન)પદ્ઘતિ વડે રાત્રીનાદસ વાગ્યે એક કલાકની ભારે જહેમત બાદ બાળકનું ઓપરેશન કરીને ડોકટર ધર્મેન્દ્રસિંહ ગોહિલે એક પરિવારના જીવનદીપને નવજીવન પ્રદાન કર્યું. આ ઓપરેશનમાં ડોકટર અંજના તથા ડો રવિના વીંછી સહિત તમામ સ્ટાફે ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે.

ચાર વર્ષિય બાળક ભરતના પિતા દેવાયતભાઈ કારોતરા એજણાવતા કહ્યુ હતું કે,મારો દિકરો કોરોના સંક્રમિત થયો ત્યારે અમે ગભરાઈ ગયા હતા. તેમજ તેને પેટમાં દુઃખતુ હોય અને ઉલ્ટી થતી હતી એટલે ધોરાજીમાં ડોકટરને બતાવતા તેમણે રાજકોટ સિવીલ હોસ્પીટલ રીફર કરી. સિવીલમાં જરૂરી રીપોર્ટ કરીને સારવાર કરી. ઓપરેશનની વાત કરી ત્યારે અમે ખુબ જ ડરી ગયા હતા.ડોકટર સાહેબે બધુય સમજાવ્યું અને અમારી બીક દૂર કરીને ઓપરેશન કરીને અમારા છોકરાને નવી જીંદગી આપી. ડોકટરનો આભાર માનીએ એટલો ઓછો છે.

કોવિડ -૧૯ દરમ્યાન રાજકોટ સિવીલ હોસ્પીટલના પીડીયાટ્રીક વિભાગમાં નવજાત શીશુથી લઈને ૧૨ વર્ષની ઉંમર સુધીના ઘણા બાળકો જેને શ્વાસની તકલીફ હોય તેવા બાળકોને ખાનગી હોસ્પિટલમાંથી રીફર થઈને આવતા બાળકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. જે બાળકોનો ટેસ્ટ પોઝીટીવ આવે તેની પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવે છે.

(1:10 pm IST)