Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઓકસીજનની સ્થિતિ થાળે પડી છેઃ ગઇકાલે ૧૧૦ ટન આવ્યા બાદ આજે સવારે ૧૯ ટન આવ્યો છેઃ દર ૪ કલાકે ટેન્કરો આવતા રહેશે

ઓકસીજન વિતરણ કરતી તમામ ચારેય એજન્સી ઉપર રાઉન્ડ ધ કલોક મહેસુલ-પોલીસ ટીમો : રેમેડેસિવીયર ઇન્જેકશન આવે જ છે...૧ હજાર તો દરરોજ સિવીલમાં અપાય છેઃ બાકી ખાનગી હોસ્પીટલોને અપાય છે : યુનિ.ના કન્વેશન સેન્ટર અને સમરસની બીજી લેડીઝ હોસ્ટેલમાં ઓકસીઝન સ્થિતિ પાછળ અટકયું છેઃ સ્થિતિ થાળે પડયે તુર્ત જ શરૂ કરી દેવાશે

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે ઓકસીજન અંગે સ્થિતિ ખરાબ નથી, કમ્ફર્ટેબલ છે, ગઇકાલે પૂરતો ૧૧૦ ટન ઓકસીજન આવી ગયો હતો, કોઇ વાંધો આવ્યો નથી, અને આજે સવારે પણ ૧૯ ટનની પ્રથમ ગાડી આવી ગઇ છે, અને દર ૪ કલાકે ગાડી આવતી રહેશે, એટલે કોઇ પ્રોબ્લેમ નહિ થાય.

કલેકટરે જણાવેલ કે ઓકસીજનનું વિતરણ કરતી જયદિપ એજન્સી સહિત જે ૪ એજન્સી છે, તે તમામ સ્થળે ર૪ કલાક રાઉન્ડ ધ કલોક મામલતદારો સહિતની મહેસૂલી ટીમો મૂકી દીધી છે, અને તે લોકો સતત વર્ક કરી રહ્યા છે, તેમજ કોઇપણ એજન્સી ઉપર દાદાગીરી ન થાય, લોકો કોઇ પ્રોબ્લેમ ક્રિએટ ન કરે તે સંદર્ભે પોલીસ પણ ચારેય સ્થળે ગોઠવી દેવાઇ છે.

રેમેડેસિવીયર ઇન્જેકશન અંગે કલેકટર ઉમેર્યુ હતું કે દરરોજ ૧પ૦૦ થી ર હજાર ઇન્જેકશન આવે છે, તેમાંથી ૧ હજાર અમે સિવીલને ફાળવીએ છીએ બાકી ખાનગી હોસ્પીટલો અને લોકોને અપાય છે, થોડો ઘણો સ્ટોક અમે રાખીએ છીએ. જેથી ભવિષ્યમાં કોઇ ગંભીર સ્થિતિ ઉદ્ભવે તો વાંધો ન આવે.બેડ અંગે તેમણે જણાવેલ કે યુનિ.ના કન્વેશન સેન્ટરમાં બેડ તૈયાર છે, પરંતુ ઓકસીજન ટેન્કર હજુ ત્યાં પહોંચાડાઇ નથી, હાલ ઓકસીજન અંગેની સ્થિતિ થાળે પડશે એટલે યુનિ.ના સેન્ટરમાં અને સમરસની બીજી ગર્લ્સ હોસ્ટેલમાં ૪૦૦ બેડ શરૂ કરવા અંગે કાર્યવાહી થશે.

(12:01 pm IST)