Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થયાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાઃ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજકોટઃ શહેરના ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજા કોરોનાથી સંક્રમિત થતાં ઘરે જ રહી સારવાર લીધી હતી. અગાઉ કોરોના વેકસીન લઇ ચુકેલા ડીસીપીશ્રી જાડેજા બહુ ઝડપથી કોરોનાને હરાવવામાં સફળ થયા છે. કોરોના નેગેટિવ થતાંની સાથે જ તુરત જ ફરજ પર હાજર થઇ ગયા છે. ગત સાંજે તેમણે સિવિલ હોસ્પિટલ કે જ્યાં કોવિડના દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ છે ત્યાં પહોંચી ફરજ પરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, કલેકટરતંત્રના અધિકારીઓ, સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી તેમજ જરૂરી સુચનાઓ આપી હતી. તાજેતરમાં પૈસા લઇને દર્દીઓને દાખલ કરાવવાના કાવત્રામાં બે શખ્સો પકડાયા તે અંગે પણ ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં ટ્રાફિક વ્યવસ્થા, દાખલ થવા આવનારા દર્દીઓને કોઇ મુશ્કેલીઓ ન નડે તે સહિતની બાબતોની ચર્ચા કરી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ૧૫૦ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યો છે. આ ટીમનું એસીપી પી. કે. દિયારા મોનીટરીંગ કરશે. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ તથા દોઢસોનો સ્ટાફ સતત હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ કલોક ફરજ પર છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:09 pm IST)