Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભીસ્તીવાડના ચકચારી નિઝામ દલના મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૨૪: ભીસ્તીવાડમાં થયેલ ચકચારી નિજામ દલના મર્ડરમાં કેસના આરોપીનો જામીન ઉપર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

રાજકોટમાં ભીસ્તીવાડમાં રહેતા નામચીન નિજામ સુલેમાન દલનું તા.૧૧-૨-૧૭ના રોજ ભીસ્તીવાડ, જંકશન પ્લોટમાં ખુન થયેલ હતું અને સદરહું ખુનમાં તેના પત્ની સકીનાબેન નીજામભાઇ દલએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી. અને ફરીયાદમાં તેઓએ હનીફ બાબુભાઇ દલ, યુસુફ બાબુભાઇ દલ, સીરાજ યુસુફભાઇ જુણેજા, હુશેન અલીભાઇ ભાણું, ઇકબાલ અલીભાઇ ભાણું તથા ફારૂક હસનભાઇ જુણેજા તથા વારીસ અયુબભાઇ ભાણું અને મોહીન મહમદભાઇ ભાણુંનો આરોપી તરીકે નામો આપેલ હતા અને ફરીયાદમાં તેઓએ જણાવેલ હતું કે બનાવની રાત્રીના ૧૧:૩૦ કલાકે નિજામ દલ ભીસ્તીવાડમાં મહમદ ભાણુંના ઘર પાસે નીકળતા તેને ઉપરોકત ઇસમોએ રોકલ હતો અને ગેબનશાહપીરની જે ફરીયાદ કરેલ હતી તે અનુસંધાને આ આરોપીઓએ એક સંપ કરી છરીઓ અને ધોકા અને પાઇપથી ભીસ્તીવાડમાં નીજામ દલ ઉપર હુમલો કરેલ હતો.

ત્યારબાદ તેની લાશ કીટીપરાના વોકળામાં નાંખી આવેલ હતા. અને ત્યારે ફરીયાદી તથા તેના કુટુંબીજનો સ્થળ ઉપર પહોંચતા આ બધા ઇસમોએ ફરીયાદી તથા તેના કુટુંબીજનોને નીજામને મારીને નાંખી દીધો છે ગોતી લ્યો તેમ કહીને ધમકીઓ આપેલ હતી. આ ફરીયાદ અનુસંધાને ઉપરોકત તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ હતી અને જેલ હવાલે કરી તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ અદાલતમાં રજુ રાખેલ હતી.

આ કામમાં તમામ આરોપીઓએ તબકકાવાર જામીન અરજી કરતા નામદાર સેશન્સ અદાલત તથા હાઇકોર્ટમાં જામીન ઉપર મુકત થયેલ હતા. જેમાં મુખ્ય આરોપી ફારૂક હસનભાઇ જુણેજા કે જેઓ પાસે છરી હતી તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી અને રજુઆત કરેલ હતી કે બાર કલાક મોડી ફરીયાદ આપવામાં આવેલ છે આ કેસમાં નજરે જોનાર સાહેદોના નીવેદનો જોતા પ્રથમ દર્શનીય રીતે ઉભા કરેલા નીવેદનો છે. નીજામ દલ વિરૂધ્ધ અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ છે અને એક્ષપર્ટના પુરાવાથી પણ ફરીયાદ પક્ષના કેસને સમર્થન મળતું નથી તથા અન્ય આરોપીઓને પણ જામીન ઉપર મુકત કરેલ છે તેવા સંજોગોમાં બચાવપક્ષની દલીલો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે મુખ્ય આરોપી ફારૂક હસનભાઇ જુણેજાને જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:47 pm IST)