Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનાને ૭૦ વર્ષ પૂર્ણઃ શનિવારે પરિવાર મિલન-પુસ્તક વિમોચન

હિંમતભાઇ ગોડા, રાજુલ દવે, દિપેક્ષ બક્ષી સંપાદીત પુસ્તક ''સૌરસના સાત દાયકા''નું વિમોચન :૬ વડીલ સભ્યોનું સન્માનઃ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોનું શાલ, સન્માનપત્રથી સન્માનઃ દેશભકિતના ગીતો ગુંજશે

રાજકોટઃ તા.૨૪, ગુજરાત અને દેશની  અગ્રીમ હરોળની ખાદી રતનાત્મક સંસ્થા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનાને ૭૦ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગની ઉજવણી માટે તા. ૨૭મીએ શનિવારે, રાષ્ટ્રીયશાળાના હોલમાં ચાતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

 સવારે ૯:૪૫ કલાકે સમૂહ કાંતણથી કાર્યક્રમનો આરંભ થશે. બાદ સૌરાષ્ટ્ર રચનાત્મક  સમિતિ અને સાથી સંસ્થાઓના કાર્યકરોનું બૃહદ પરિવાર મિલન શરૂ થશે.

 આ મિલન સમારંભનું પ્રમુખસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય અને મોરબી વિસ્તારના અગ્રણી શ્રી ગોકળદાસભાઈ પરમાર સંભાળશે. આ તકે મનુભાઈ મહેતા, મોહનભાઈ લા. પટેલ, ડો. અરૂણભાઈ દવે, ડો. અનામિકભાઈ શાહ અને સમિતિના પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઈની ઉપસ્થિતિ રહેશે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સાત દાયકાનો ઈતિહાસને આલેખતો ગ્રંથ બે ભાગમાં પ્રસિદ્ઘ થવાનો છે. તેનો પહેલો ભાગ ''સૌરસના સાત દાયકા પુરૂષાર્થ અને પ્રગતિ'નું વિમોચન જાણીતા લેખક અને ''નિરીક્ષક''ના  તંત્રી પ્રકાશભાઈ ન. શાહના હસ્તે કરવામાં આવશે. ૨૮૮ પાના અને ફોટોગ્રાફસના ૩૨ પાના મળી કુલ ૩૨૦ પૃષ્ઠો ધરાવતા આ ગ્રંથનું સંપાદન હિંમતભાઈ ગોડા, રાજુલભાઈ દવે  અને દિપેશભાઈ બક્ષીએ કર્યું છે. ૧૪ પ્રકરણો અને ત્રણ પરિશિષ્ટો ધરાવતા ઉપરોકત પુસ્તકમાં સૌરાષ્ટ્રના ખાદીકામ, સૌરાષ્ટ્ર સરકાર, સમિતિના કેન્દ્રો, તેના એતિહાસિક ઠરાવો ઈત્યાદિ વાચનસામગ્રી આવરી લેવાઈ છે. ચતુરંગી (ફોર કલર) ટાઈટલ અને આકર્ષક પ્રિન્ટીંગ ધરાવતા આ પુસ્તકમાં સૌરાષ્ટ્રના ઈતિહાસની કેટલીક વિગતો સૌ પ્રથમવાર પ્રકાશિત થઈ છે.

બપોરે ૩ થી સાંજે ૬ સુધી કાર્યક્રમનો બીજો તબક્કો રહેશે. તેમાં સમિતિના સભ્યો કે જેઓ ૯૦ વર્ષમાં પ્રવેશેલા હોય કે તેનાથી વધારે વયના હોય એવા છ વડીલ સભ્યોની 'વરિષ્ઠ વંદના' કરવામાં આવશે. આ ઉપરાંત સમિતિના સામન્ય સભ્યો કે જેઓ ૭૦ વર્ષ કે તેથી વધારે ઉંમરના હોય તેમજ સમિતિ સંચાલિત કેન્દ્રોના વ્યવસ્થાપકની ફરજ બજાવી, વૈતનિક સેવાકાળ પૂરો કરી

નિવૃત થયેલા વ્યવસ્થાપકોનું અભિવાદન કરાશે. કુલ ૪૫ લોકોનું શાલ, સન્માનપત્ર અને પ્રતીક ભેટ આપી ગૌરવવંતું અભિવાદન કરવાની સૌરાષ્ટ રચનાત્મક સમિતિના સંચાલકોની નેમ છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં સાંજે ૪:૩૦ થી ૬ જાણીતા લોકગાયક અભેસિંહભાઇ રાઠોડ અને ગાયકવૃંદ દ્વારા દેશભકિતનાં ગીતો ગવાશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ખાદી રચનાત્મક ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકરો પરિવાર મિલનના સમારંભમાં ઉપસ્થિત રહેશે. સમારંભની સફળતા માટે સમિતિના ઉપપ્રમુખ હિંમતભાઈ ગોડા, વલ્લભભાઈ લખાણી, હસમુખભાઈ મહેતા, પરાગભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ ભટ્ટ, દિપેશભાઈ બક્ષી, પ્રવિણભાઈ પટેલ, જિતેન્દ્રભાઈ શુકલ વગેરે હોદ્દેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:33 pm IST)