Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ઉંદરોએ વાયર કાપી નાખતા કોર્પોરેશનના કોમ્પ્યુટરો ઠપ્પઃ સિવિક સેન્ટરમાં અરજદારોની લાઇનોઃ જબરો દેકારો

આજે સવારે કોર્પોરેશનનાં સિવીક સેન્ટરમાં કોમ્પ્યુટરો ઠપ્પ થતાં અરજદારોની લાંબી લાઇનો લાગી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. આજે સવારે મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીનાં કોમ્પ્યુટરો ઠપ્પ થઇ જતાં સિવિક સેન્ટરોમાં વેરો, જન્મ-મૃત્યુ નોંધનાં દાખલા સહિતની કામગીરી લગભગ બે કલાકથી વધુ સમય સુધી બંધ રહેતાં સેંકડો અરજદારોમાં જબરો દેકારો બોલી ગયો હતો અને કચેરીમાં અરજદારોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીનાં સીવીક સેન્ટરનાં કોમ્પ્યુટરો ઠપ્પ થઇ ગયા હતાં. અને મિલ્કત વેરો સ્વીકારવાની અને જન્મ-મૃત્યુ નોંધનાં દાખલા કાઢવાની તમામ કામગીરી બંધ થતાં અરજદારોમાં જબરો દેકારો બોલી ગયો હતો. અને લાંબી લાઇનો લાગી હતી.

દરમિયાન કોમ્પ્યુટર વિભાગનાં અધિકારી સંજય ગોહીલે તાબડતોબ કોમ્પ્યુટરો ચાલુ કરવા કાર્યવાહી હાથ ધરતાં  કોમ્પ્યુટરોનાં સર્વરનો કેબલ ઉંદરોએ કાપી નાખ્યાનું ખૂલ્યુ હતું. આથી આ કેબલનું સમારકામ કરીને અંદાજે ર કલાકની જહેમત બાદ સીવીક સેન્ટરનાં કોમ્પ્યુટરો ચાલુ થતાં અરજદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(3:31 pm IST)