Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ટપક સિંચાઇ પરની જીએસટી સરકાર ભોગવશે તેવી ચુંટણી પુર્વેની જાહેરાત હવામાં ઓગળી ગઇ!

ગુજરાતના ખેડુતોની જીવાદોરી સમાન ટપક સિંચાઇ યોજના ઉપર જીએસટીના નવા નિયમોથી ખેડુતોની હાલાકી વધીઃ ખેડુતો અને વેપારીઓની કલેકટરને રજુઆત

રાજકોટ, તા., ર૪: ગુજરાત રાજયના ખેડુતોની જીવાદોરી સમાન ટપક સિંચાઇ યોજના ઉપર લાગતા જીએસટી અને તેની અમલવારી માટેના નિયમોથી ખેડુતોની હાલાકી વધી છે. ખેડુતના પહેલેથી જ અસંખ્ય પ્રશ્નો રહયા છે. આ વચ્ચે જીએસટી મુદ્દે સરકારે ચુંટણી પહેલા આપેલા વચનો ઠાલા સાબીત થયા છે. હવે આ મુદ્દે તુર્તમાં સરકારે હકારાત્મક પગલા લેવા જોઇએ તેવી રજુઆત ખેડુતો અને વેપારીઓએ કલેકટર સમક્ષ કરી હતી.

આ રજુઆતમાં જણાવાયું છે કે, ચુંટણી પહેલા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ દ્વારા ટપક સિંચાઇ પરનો જીએસટી ખેડુતો વતી ગુજરાત સરકાર ભોગવશે તેવી જાહેરાત કરેલ. પરંતુ ચુંટણી પુરી થતા જીએસટીની રકમ ખેડુતો ઉપર ઠોકી બેસાડવામાં આવેલ છે. જેને લીધે ખેડુતો ઉપર બોજ વધવાથી ટપક સિંચાઇ વસાવી શકતા નથી. જેના હિસાબે છેલ્લા ૧૦ મહિનાથી આ યોજના ટલ્લે ચડેલ-બંધ છે.

ફુવારા સિંચાઇ પધ્ધતીમાં છેલ્લા ૧ર વર્ષથી માત્ર સાધનોની ભૌતીક ચકાસણી થતી હતી જે નવા નિયમ મુજબ સીસ્ટમ પાણી સાથે ચાલુ કરીને બતાવવાની થતી હોઇ જે કુવામાં પાણી ન હોઇ તેવા કેસમાં શકય નથી.

સબસીડી મેળવામાં કાગળોમાં બેંક પાસબુકની સાથે છેલ્લા ટ્રાન્જેકશનના પેઇજની ઝેરોક્ષ નવા ીનયમ મુજબ આપવાની થાય છે જે ખેડુતોની ગુપ્તમાહીતી હોઇ આ નિયમ રદ કરવો જોઇએ. નવા નિયમ પ્રમાણે ખેડુતોના રેવન્યુ રેકોર્ડમાં કુવા-બોરનો ઉલ્લેખ હોવા છતા ખેડુતોનો કુવા-બોર પાસે ઉભા રહીને પડોવલ ફોટો મોકલવાનો ફરજીયાત કરેલ છે તેનો અર્થ એ થાય છેકે જી.જી.આર.સી.ને ગુજરાત સરકારના જ રેવન્યુ વિભાગ પર વિશ્વાસ નથી જે નિયમ રદ કરવા વિનંતી.

ઉપરોકત કામગીરી માટે ખેડુતો વતી શ્રી સુરેશભાઇ સખીયા, ભુમીતસિંહ ઝાલા, અરવિંદભાઇ પટેલ, કેતનભાઇ ગજેરા, વિજયભાઇ વેકરીયા વગેરે હાજર રહી કલેકટરશ્રીને આવેદન આપી રજુઆત કરેલ છે.

(4:11 pm IST)