Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નવનિર્મીત 'મસ્જીદે નસીમ'નો કાલે પ્રારંભ

જંગલેશ્વર વિસ્તારમાં બનેલી ત્રીજી મસ્જીદ : માત્ર બે વર્ષમાં જ પ્રેરણારૂપ કાર્ય : 'હોજ' હોય તેવી ૮મી, 'સેલર' હોય તેવી ત્રીજી અને 'ગૂબંજ' હોય તેવી રાજકોટની ચોથી મસ્જીદ : રાજકોટની ૩૭મી મસ્જીદ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત-સૌરાષ્ટ્રના મહાનુભાવોની ઉપસ્થિતિ : ૪ માળની વિશાળતા : પ્રવેશદ્વાર ઉપર 'ગૂબંજે રઝા' અને દરેક દ્વાર ઉપર આકર્ષણ : આમ સુન્ની મુસ્લિમ હમ્ઝા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવાયેલી જહેમતમાં સુન્ની મુસ્લિમ સમાજનો મળેલો જબરો સહયોગ

તસ્વીરમાં મસ્જીદે નસીમનો (૧) પ્રવેશદ્વાર (ર) બહારથી નજરે પડતી સંપૂર્ણ મસ્જીદ (૩) મસ્જીદના અંદરનો ખૂબસુરત મુખ્ય ભાગ (૪) અને મસ્જીદના દરેક પ્રવેશદ્વાર ઉપર દરગાહોના ચિત્રો અંકિત કરેલા છે તે પૈકી મારહરા શરીફ અને બરૈલી શરીફના રોઝા નજરે પડે છે. 

રાજકોટ, તા. ર૪ : રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ અંકુર સોસાયટીના મેઇન રોડ ઉપર આવતીકાલથી નવનિર્મિત શાનદાર 'મસ્જીદે નસીમ'નો પ્રારંભ થઇ રહ્યો છે.

આમ સુન્ની મુસ્લિમ હમ્ઝા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ મસ્જીદે નસીમ ૪૦૯ વાર જમીનમાં બનેલી છે જેની પાયા વિધી ગત તા. રર-૧૦-ર૦૧૬ના સંપન્ન થયેલ. જોકે તા. ર૦-૪-૧૬થી આ કાર્યવાહી ચાલુ થયેલ અને આવતીકાલ રપ/૪/૧૮ને જોતા માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં મસ્જીદનું નિર્માણ  કરી હમ્ઝા ટ્રસ્ટ દ્વારા પ્રેરણારૂપ કાર્ય કરવામાં આવ્યું છે.

હમ્ઝા ટ્રસ્ટના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ માત્ર બે વર્ષ ૩ દિ'માં આ મસ્જીદે નસીમ બનાવવામાં જંગલેશ્વર વિસ્તારની તમામ નાની-મોટી સંસ્થાઓ ઉપરાંત નામી-અનામી અગ્રેસરો કાર્યકરો-સેવાભાવીઓ એ ભરપૂર સાથ સહકાર આપતા મસ્જીદે નસીમનું કામ ખૂબજ ઝડપી બની ગયું ે અને એટલુ જ નહીં સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક સખી સદગૃહસ્થો-અગ્રેસરો પણ આગળ આવી જતા અને જંગલેશ્વર વિસ્તારના તમામ ભાઇ-બહેનોએ સતત મહેનત કરતા મસ્જીદે નસીમ કાલથી ખુલ્લી મૂકવામાં આવી રહી છે.

જંગલેશ્વર વિસ્તારમાં પ્રથમથી જ નાની એવી નૂરાની મસ્જીદ હતી તે પછી મસ્જીદે ગૌષિયા સાકાર થઇ જેને આગામી ર૧ દિ' પછી ર૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે ત્રીજી મસ્જીદ તૈયાર થઇ જતાં મુસ્લિમ સમાજમાં હર્ષ વ્યાપી ગયો છે.

ખૂબી તો એ છે કે, હમ્ઝા ટ્રસ્ટના  ટ્રસ્ટીઓએ પોતાની સુઝબુઝનો ઉપયોગ કરી જમીનનો પુરેપુરો ઉપયોગ કર્યો છે અને નીચે સેલર બનાવેલ છે જેમા હોજ બનાવતા રાજકોટમાં હોજ હોય તેવી ૮મી અને સેલર હોય તેવી ત્રીજી મસ્જીદ બનવા પામી છે.

મસ્જીદે નસીમમાં ઉપર અગાસી સહિત ૪ માળ થઈ ગયા છે. એટલુ જ નહી મસ્જીદ ઉપર લીલો ગૂબંજ બનાવવામા આવ્યો છે જે મસ્જીદે નસીમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે અને ગૂબંજ હોય તેવી રાજકોટની આ ચોથી મસ્જીદ બની છે.

જ્યારે દરેક માળમાં બાથરૂમ અને વઝુખાના પણ બનાવાયા છે અને મસ્જીદે નસીમને પ્રથમથી જ વાતાનુકુલીત કરવામાં આવી છે અને ગૂબંજ ૧૭ાા ફુટનો બનાવાયો છે એટલું જ નહી મસ્જીદે નસીમના અંદરના દરવાજા ઉપર પંકિતઓ દર્શાવાઇ છે જે ઇમાન તાજા કરે છે અને દરેક દરવાજા ઉપર બુઝર્ગોના મઝારોની તસ્વીરો અંકિત કરવામાં આવી છે જે મનમોહી લ્યે છે.

જયારે 'મસ્જીદે નસીમ'ના પ્રવેશદ્વાર ઉપર પણ 'મસ્લકે આ'લા હઝરત'ની ઓળખ આપતા 'ગૂબંજે રઝા' બનાવાયો છે અને આમ મસ્જીદે નસીમને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે.

વાસ્તવમાં રાજકોટ શહેરની આ ૩૭મી મસ્જીદ બની છે જેને બંને તેટલી સુંદર-કલાત્મક બનાવવાની હમ્ઝા ટ્રસ્ટ દ્વારા મહેનત કરાઇ છે જેનો આવતીકાલ બુધવાર સવારે ૯ વાગ્યે પ્રારંભ થનાર છે.

આ પ્રસંગે ૯થી ૧ર જશ્ને ઇમામે આ'ઝમ અબૂ હનીફા નામે એક કાર્યક્રમ યોજાયો છે, જેમાં હઝરત પીર સૈયદ દાદામીંયા બાપુ કાદરી (સાવરકુંડલા), હઝરત મૌલાના સૈયદ સલીમબાપુ (નાનીવાલા જામનગર)હઝરત મૌલાના સૈયદ કમરકુત્બી (કારંટા શરીફ), મુફતી અશરફ રઝા બુરહાની (રતનપુર-ખેડા) તથા હઝરત મૌલાના સૈયદ સિકંદરબાપુ (રાજકોટ) ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજકોટના સાદાત સાહેબો, ઉલેમાઓ અને અગ્રેસરો કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપનાર છે.

બુધવારે કાલે મસ્જીદે નસીમમાં પ્રથમ નમાઝ બપોરે ઝોહરની થશે. આ કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ બિરાદરોને ઉમટી પડવા હમ્ઝા ટ્રસ્ટની એક યાદીમાં જણાવ્યું છે.

(4:07 pm IST)