Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સોરઠીયા પ્લોટમાં ગીતાબેન વણકર અને તેના ભાઇ પર ઘાંચીવાડના બે ભાઇનો હુમલોઃ હત્યાનો પ્રયાસ-તોડફોડ

ધર્મેશ અને હિતેષે સાંજે ચાર વાગ્યે ધમકી આપી, રાત્રે નવ વાગ્યે છરી-તલવાર સાથે ઘરમાં ઘુસી ગુંડાગીરી આચરી : પોલીસને કેમ અમારા નામ આપો છો? આજે તો પુરા જ કરી નાંખવા છે...તેમ કહી આતંક મચાવ્યોઃ જુનુ મનદુઃખ કારણભુત : હુમલામાં ગીતાબેન ડાંગર, તેના ભાઇ વિજય ચોૈહાણ અને પડોશી નિશાબેન રત્નોત્તરને ઇજાઃ હુમલાખોરો સકંજામાં

વાહન અને ટીપણામાં થયેલી તોડફોડ તથા હુમલામાં ઘાયલ નિશાબેન, ગીતાબેન અને વિજયભાઇ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૪: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં રાત્રીના સમયે વણકર મહિલાના ઘરમાં ઘાંચીવાડના બે વણકર ભાઇઓએ છરી-તલવાર સાથે ઘુસી જઇ 'પોલીસને કેમ અમારા નામ આપો છો, આજે તો પુરા જ કરી નાંખવા છે...' તેમ કહી વણકર મહિલા, તેના ભાઇ અને બચાવવા દોડેલા પડોશી મહિલા પર હુમલો  કરી ઇજા કરતાં અને બાઇકમાં તોડફોડ કરતાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે.

પોલીસે બનાવ અંગે સોરઠીયા પ્લોટ-૬માં રહેતાં ગીતાબેન નારણભાઇ ડાંગર (વણકર) (ઉ.૩૮)ની ફરિયાદ પરથી ઘાંચીવાડના ધર્મેશ ભનુભાઇ પરમાર અને હિતેષ ભનુભાઇ પરમાર સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

ગીતાબેને જણાવ્યું હતું કે હું તથા મારી દિકરી નિકીતા સોમવારે સાંજે ચારેક વાગ્યે ઘરે હતાં ત્યારે ધર્મેશ અને તેનો ભાઇ હિતેષ અમારા ઘરે આવ્યા હતાં અને 'તમે કેમ ફરિયાદમાં અમારા ખોટા નામ લખાવો છો?' તેમ કહી ગાળો દેવા લાગ્યા હતાં અને હવે ખોટા નામ આપશો તો જીવતા નહિ મુકીએ તેવી ધમકી આપી બંને જતાં રહ્યા હતાં. બાદમાં રાત્રે નવેક વાગ્યે હું, મારી દિકરી અને મારા ભાઇ વિજયભાઇ કિશોરભાઇ ચોૈહાણ (ઉ.૩૬) અમારા ઘરે હતાં ત્યારે ફરીથી ધર્મેશ અને હિતેષ આવ્યા હતાં. આ વખતે હિતેષના હાથમાં તલવાર હતી અને ધર્મેશ પાસે છરી હતી.

બંનેએ અમારા ઘરના દરવાજામાં પાટા મારી દરવાજો તોડી નાંખ્યો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. આજે તો તમને પુરા જ કરી નાંખવા છે તેમ કહી બંનેએ હુમલો કર્યોહ તો. જેમાં તલવારનો ઘા મને દાઢી પર લાગી ગયો હતો. ધર્મેશે મને પગમાં છરી મારી દેતાં હું પડી ગઇ હતી. મારા ભાઇ વિજયભાઇ વચ્ચે આવતાં હિતેષે તેને તલવારનો ઘા માથામાં તથા ગરદનમાં મારી દેતાં ગંભીર ઇજા થઇ હતી. દેકારો થતાં પાડોશી નિશાબેન હસમુખભાઇ રત્નોત્તર છોડાવવા દોડી આવતાં તેને પણ હિતેષે તલવારનો ઘા મારી દીધો હતો.

બાદમાં બંને ભાઇઓ ભાગ્યા હતાં. જતાં જતાં અમારા બાઇકમાં પણ તલવાર મારી નુકસાન કરી હવે તો સાવ પુરા જ કરી નાંખવા છે...તેમ કહી ભાગી ગયા હતાં. ત્યાં મારા પતિ નારણભાઇ આવી જતાં અમને ભાઇ-બહેનને ઇજા થઇ હોઇ અમને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે પાંચેક દિવસ પહેલા અમારી રિક્ષામાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. આ બાબતે ધર્મેશે ડેલી ખખડાવી અમને જાણ કરી હતી. જે તે વખતે અમે પોલીસને અમે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. જેમાં અમે ધર્મેશ અને તેના ભાઇનું નામ આપ્યાની શંકા પરથી આ બંનેએ અમારા ઘરે આતંક મચાવી મારા ભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. તે આરએમસીની કચરા ગાડી હંકારે છે.

એ-ડિવીઝન પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયા અને રાઇટર મેરૂભાએ હત્યાની કોશિષનો ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લીધા છે.

(12:35 pm IST)