Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુહાના સફરઃ ૧ મેએ રેસકોર્ષમાં ગૂંજશે સદાબહાર નગમે

ગુજરાત રાજ્યના સ્થાપના દિને કોર્પોરેશન દ્વારા આયોજન : હિન્દી ફિલ્મ જગતનો સુવર્ણયુગ જીવંત થશેઃ ચેતન રાણા, પ્રશાંત નસરી, સલીમ મલીક, નીલિમા ગોખલે, આના માર્ટીન જેવા મુંબઇ - સુરતના ધુરંધર ગાયકો સંગીત પ્રેમી જનતાને ડોલાવશેઃ પુષ્કર પટેલ - જયમીન ઠાકર દ્વારા તડામાર તૈયારીઓ: વિખ્યાત મ્યુઝીશીયન અપ્પુ એડવીન્શ પોતાની ૫૦ કલાકારો સાથે સંગીતની ધૂમ મચાવશે

રાજકોટ તા. ૨૩ : ૧ મે, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજયમાંથી અલગ ગુજરાત રાજયની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી ત્યારે ગૌરવવંતા ગુજરાતના ૫૮માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧ મે, ૨૦૧૮ રાત્રે ૯ કલાકે જુના ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ 'સુહાના સફર-૨૦૧૮' યોજાશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાંસદ અને પૂર્વ કેન્દ્રિય કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે થશે.

આ અંગે પુષ્કર પટેલ - જયમીન ઠાકરના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા વર્ષ અંતર્ગત જુદા જુદા અનેક વિવિધ સંસ્કૃતિક, રમત-ગમત, ગીત-સંગીત તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેને લોકો મન ભરીને માણે છે. તદન અનુસાર આગામી ૧ મે, ગુજરાત રાજયની સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્સ ખાતે જુના ફિલ્મી ગીતો 'સુહાના સફર-૨૦૧૮'નુ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેમાં જુના અને યાદગાર લોકપ્રિય ગીતોથી દેશના સુપ્રસિદ્ઘ ડાયરેકટર અપ્પુ એડવીન્સ, તેમજ ખ્યાતનામ સિંગરો ચેતન રાણા, પ્રશાંત નસરી, સલીમ મલિક, નીલિમા ગોખલે, આના માર્ટીન વિગેરે સંગીત પ્રેમીઓને ડોલાવશે. આ કાર્યક્રમમા સીનીયર સીટીઝનો માટે અલગ બેઠક વ્યવસ્થા ખુરશી સાથે કરવામાં આવશે. આ સમગ્ર આયોજન અધતન સાઉન્ડ સિસ્ટમ અધ્યતન એલ.ઈ.ડી. સ્ક્રીનો લગાડવામાં આવશે સમગ્ર શહેરીજનોને સહપરિવાર માણવા આ કાર્યક્રમમાં પધારવા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરએ અનુરોધ કર્યો છે.   (૨૧.૨૯)

(3:52 pm IST)