Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સિલાઇ મશીનના વ્હીલમાં ચુંદડી ફસાતાં ૯ વર્ષની બાળાનું ફાંસો લાગી જતાં મોત

ટપુ ભવાન પ્લોટમાં બનાવઃ માસુમ મેઘાના મોતથી રજપૂત પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૩: પી.ડી. માલવીયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક ટપુ ભવાન પ્લોટ-૧માં રહેતાં રજપૂત અજીતભાઇ ડાભીની ૯ વર્ષની દિકરી મેઘાનું સિલાઇ મશીનના વ્હીલમાં ચુંદડી ફસાઇ જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મેઘાને બપોરે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરી હતી. માલવીયાનગર પોલીસ મથકને હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં એએસઆઇ કે. કે. માઢક તપાસાર્થે દોડી ગયા હતાં. બાળાના પિતા અજીતભાઇએ જણાવ્યું હતું કે પોતે કારખાનામાં કામ કરે છે. બપોરે દોઢ વાગ્યે જમવા આવ્યા ત્યારે ઉપરના રૂમમાં રમવા ગયેલી દિકરીને જમવા માટે બોલાવવા ગયા ત્યારે સિલાઇ મશીનના વ્હીલમાં તેણે ઓઢેલી ચુંદડી વીંટાળાયેલી અને તેણીના ગળામાં ફસાયેલી જોવા મળી હતી.

મેઘા બેભાન હોઇ તુર્ત જ હોસ્પિટલે લાવ્યા હતાં. પરંતુ અહિ ડોકટરે મૃત જાહેર કરી હતી. રમતાં-રમતાં આ દૂર્ઘટના બની કે અન્ય કંઇ બન્યું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર મેઘા એક ભાઇથી નાની હતી અને ધોરણ-૨માં ભણતી હતી. તેના માતાનું નામ ગીતાબેન છે. વ્હાલસોયીના મોતથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ડુબી ગયા છે.

(3:45 pm IST)