Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બેડી કોળી ભાઇ-બહેન પર કોળી બંધુ સવજી અને મહેશનો લાકડીથી હુમલોઃ બટકા ભર્યા

હલણમાં પાર્ક કરવામાં આવતી બોલેરો દૂર લેવાનું કહેતાં ન ગમ્યું: સવજી અઘેરા અને તેના ભાઇ મહેશ અઘેરા પણ વળતા હુમલામાં ઘવાયા

રાજકોટ તા. ૨૩: કુવાડવા તાબેના બેડી ગામમાં રહેતાં કોળી આધેડ અને તેના બહેન પર ગામના જ કોળી બંધુએ લાકડીથી હુમલો કરી માર મારી તેમજ એક શખ્સે કોળી આધેડને બટકા ભરી લેતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. સામા પક્ષે કોળી બંધુ પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ બેડી ગામે રહેતાં અને પાનની કેબીન ચલાવતાં રાણાભાઇ જીવણભાઇ વડેચા (ઉ.૪૪) નામના કોળી આધેડ પર પડોશમાં જ રહેતાં સવજી માનસીંગભાઇ અઘેરા નામના કોળી પ્રોૈઢ અને તેના ભાઇ મહેશ માનસીંગભાઇ અઘેરાએ લાકડીથી હુમલો કરી માર મારતાં તેમજ સવજીએ રાણાભાઇએ બટકા ભરી લેતાં ઇજા થઇ હતી. રાણાભાઇને બચાવવા તેના બહેના ધનીબેન રમેશભાઇ કોળી (ઉ.૪૫) વચ્ચે પડતાં તેના પર પણ હુમલો થતાં બંને ભાઇ બહેનને સિવિલમાં ખસેડાયા હતાં.

સામા પક્ષે સવજી માનસીંગભાઇ અઘેરા (ઉ.૪૮) અને મહેશ માનસીંગભાઇ અઘેરા (ઉ.૪૨) પણ પોતાના પર સંજય કોળી, રાણા સવજીભાઇ, વિપુલ કોળીએ પાઇપથી હુમલો કરી હાથે-પગે-શરીરે ઇજા કર્યાની અને બટકા ભર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

રાણાભાઇના કહેવા મુજબ અમારા ઘર પાસે જ સવજી અઘેરા પોતાની બોલેરો રાખે છે. આ કારણે અમારું હલણ બંધ થઇ જતાં અમારે બોલેરોને ફરીને જવું પડે છે. તેને અમે વાહન સાઇડમાં રાખવાનું કહેતાં માથાકુટ થઇ હતી અને હુમલો કર્યો હતો. (૧૪.૫)

 

(1:17 pm IST)