Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સૌરાષ્ટ્રના જાણીતા સર્જન અને રઘુવંશી અગ્રણી ડો.હર્ષદભાઈ ખખ્ખરનો ૮૦માં વર્ષમાં મંગલ પ્રવેશઃ શુભેચ્છા વર્ષા

પૂ.હર્ષદમામા સાથે શ્રી સુનિલભાઈ રાયચુરા, શ્રી કિરીટભાઈ ગણાત્રા, પૌત્રી ચિ. હિરલ અને અજીતભાઈ ગણાત્રા.... : પુત્ર અને જાણીતા એડવોકેટ શ્રી મનીષ ખખ્ખર સાથે

રાજકોટ : રાજકોટ લોહાણા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ લોહાણા અને દાયકાઓ સુધી સેવાઓ આપનાર સૌરાષ્ટ્રના જાણીતા સર્જન ડો.હર્ષદભાઈ પી. ખખ્ખરનો આજે ૮૦મો જન્મદિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના પછી મેડીકલ ફેકલ્ટીની પરીક્ષા આપનાર ૨૦ ડોકટરોમાંથી પ્રથમ નંબર મેળવી ૧૯૬૮માં તેઓ સર્જન થયા હતા. જોડીયામાં તેમનો જન્મ થયો. બાળપણ અને હાઈસ્કુલનું શિક્ષણ તેમણે ગામડામાં મેળવ્યુ, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોટક સાયન્સ કોલેજમાં શ્રેષ્ઠ માર્કસ મેળવી જામનગરની મેડીકલ કોલેજમાંથી એમબીબીએસની ડીગ્રી પણ ૧૯૬૪માં પ્રથમ નંબરે મેળવી હતી. તેઓએ ૧૯૬૮ થી ૧૯૬૯ સુધી દ્વારકા ખાતે સિવિલ સર્જન તરીકે સેવા આપી. રાજુલા લોહાણા મહાજનમાં ૧૯૭૧ થી ૧૯૭૪ સક્રિય રહ્યા. ૧૯૭૩ થી ૧૯૭૪માં રાજુલા નગર પાલિકાના ઉપપ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી. ૧૯૭૫ થી ૧૯૮૧ સુધી કેશોદ ખાતે પ્રાઈવેટ સર્જીકલ હોસ્પિટલ ચલાવી અને કેશોદ ટી.બી. હોસ્પિટલમાં માનદ ચેસ્ટ સર્જન તરીકે સેવા આપી. ઉપરાંત લોહાણા મહાજનમાં પણ સક્રિય બન્યા. ૧૯૭૮ - ૧૯૭૯માં કેશોદ પ્રીમીયર ઈંગ્લીશ સ્કુલના મંત્રી તરીકે નવુ બિલ્ડીંગ બાંધ્યુ.

ડો.હર્ષદભાઈ ખખ્ખરે તેમની અનેકવિધ પ્રવૃતિઓ દરમિયાન ૧૯૮૦-૮૧માં આંબાવાડી વિસ્તારમાં બોર્ડીંગમાં વર્ષોથી પડતર જમીન અને સૌરાષ્ટ્રની સૌથી સદ્ધર તે સમયની બોર્ડીંગ બનાવી. ૧૯૮૧માં કેશોદ મેડીકલ સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા. ૧૯૬૬માં રાજકોટના નથવાણી પરીવારના નયનાબેન જેઠાલાલ નથવાણી સાથે તેમના લગ્ન થયેલા. પોતાની પ્રગતિ માટે હંમેશ સ્વ.નયનામામીને યશ આપતા રહ્યા છે. ૧૯૮૧ થી ૧૯૯૯ વચ્ચે પોતાના પુત્ર અને ત્રણ પુત્રીના અભ્યાસ અર્થે તેમણે રાજકોટ સ્થળાંતર કર્યુ. બસ સ્ટેશન ઉપર સંજીવની સર્જીકલ હોસ્પિટલની શરૂઆત કરી અને વર્ષો સુધી સર્જન તરીકે અપાર નામના મેળવી.

ડો.ખખ્ખર ૧૯૮૨માં ઓલ ઈન્ડિયા મેડીકલ એસોસીએશનના સૌરાષ્ટ્ર વિભાગીય ઉપપ્રમુખ તરીકે સૌથી વધુ મત મેળવીને ચૂંટાઈ આવેલા. ઉપરાંત ૧૯૯૧-૧૯૯૨માં સર્જન્સ એસોસીએશન રાજકોટના પ્રમુખ તરીકે બીનહરીફ વરણી પામ્યા હતા. તથા લોહાણા સેવા મંડળ સંચાલિત કૃષ્ણ ચિકિત્સાલયમાં ૧૯૯૮ સુધી માનદ સર્જન તરીકે સેવા આપી હતી. ૧૯૯૯માં રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય નિમાયા અને જ્ઞાતિ સેવા માટે સ્વૈચ્છિક વ્યવસાયીક નિવૃતિ લઈ સ્વ.જયંતિભાઈ કુંડલીયાના નેતૃત્વ  નીચે રાજકોટ લોહાણા મહાજનના મહામંત્રી તરીકે અને પછીથી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી જ્ઞાતિના ઉત્કર્ષ અને સમાજ ઉપયોગી કાર્યો માટે પોતાનો સંપૂર્ણ સમય ફાળવ્યો હતો.

ડો.હર્ષદભાઈ ખખ્ખર આજે પણ સવારે બ્રહ્મમુહૂર્તમાં ૪ વાગ્યે ઉઠી શિવ પૂજા કરે છે અને ૩૫ વર્ષથી જાગનાથ મંદિરે જઈને ૫:૩૦ થી ૬:૩૦ સુધી રૂદ્રી અને પૂજા અર્ચના કરે છે. ૨૦૧૬થી તેઓ સંપૂર્ણ નિવૃત જીવન ગાળી રહ્યા છે. ડો. હર્ષદભાઈ ખખ્ખરને પૂ.મોરારીબાપુના હસ્તે શિલ્ડ અને સર્ટીફીકેટ મળ્યા છે. રતનપર વૃદ્ધાશ્રમ, નાથદ્વારા અતિથિ ગૃહ, હરિદ્વાર અતિથિ ગૃહ, આરસીસી બેન્ક રાજકોટના ડાયરેકટર, સૌરાષ્ટ્ર - કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સતત કાર્યરત રહ્યા હતા. તેઓના ૮૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના ઉપર સ્વસ્થ અને દિર્ઘાયુ માટે શુભેચ્છાવર્ષા થઈ રહી છે. (મો. ૯૪૨૭૨૨૨૨૦૪ અને ૯૪૨૬૨ ૨૯૪૦૮)

અકિલા પરિવારના મામા ડો. હર્ષદભાઇ ખખ્ખર આજે ફાગણ સુદ દસમના રોજ ૮૦ માં વર્ષમાં -વેશ્યા છે, ત્યારે હર્ષદભાઇના નાનાબહેન ગુલાબબહેન ધીરજલાલ અઢીયા તથા તેમના ભાભી પુષ્પાબેન વસંતભાઇ ખખ્ખર અને સમગ્ર અકિલા પરિવાર, સોનપાલ પરિવાર, ખખ્ખર પરિવાર, ગણાત્રા પરિવાર, રાજા પરિવાર, કોટેચા પરિવાર, અઢિયા પરીવાર વંદન સાથે શુભેચ્છા પાઠવે છે. તસ્વીરમાં હર્ષદમામા સાથે શ્રી સુનિલભાઈ રાયચુરા, કિરીટભાઈ ગણાત્રા, પૌત્રી હિરલ તથા અજિતભાઈ ગણાત્રા નજરે પડે છે. પરિવારની દિકરીઓ ડો.દેવયાની હિન્ડોચા, ડો.ચેતનભાઈ હિન્ડોચા, શ્રીમતી સંગીતા જયદીપકુમાર કાનાબાર, શ્રીમતિ નીતાબેન જીતેશકુમાર કાનાબાર તથા પુત્ર એડવોકેટ મનીષ ખખ્ખર, પુત્રવધુ શ્રીમતી ફાલ્ગુની ખખ્ખર, પૌત્ર અલઈ, પૌત્રી હિરલ સહુએ અંતરની શુભેચ્છા વંદન સાથે આપેલ છે.

(4:13 pm IST)