Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ડરને કારણે લોકો કોરોનાની રસી લેવાનું ટાળે છેઃ ૨૦૦૦ આરોગ્ય કર્મચારીઓ કરે છે ડરને દૂર

ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે જઇને કાઉન્સેલીંગ કરી લોકોને રસી લેવા સમજાવે છેઃ જીલ્લાભરમાં ૩૫૦ કેન્દ્રો પર જોરશોરથી વેકસીનેશનની કામગીરી

રાજકોટ તા. ૨૪ : ઘરનો દરવાજો ખટખટે છે, નમસ્કાર અમે આરોગ્ય વિભાગમાંથી આવીએ છીએ, તમારા ઘરમાં ૬૦ વર્ષથી ઉપરના કે ડાયાબિટીસ, બીપી કે અન્ય તકલીફ હોઈ તેવા ૪૫ વર્ષથી મોટી ઉંમરના કોઈ છે ? તેમણે રસી મુકાવી છે ? આ પ્રશ્નો રોજબરોજ ઘરે ઘરે જઈ કરે છે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના ૨૦૦૦ જેટલા કર્મચારીઓ. જો રસી ન મુકાવી હોઈ તો કારણ જાણી, તેમના મનમાં રસી મુકાવવા બાબતે કોઈ શંકા હોઈ તો તેનુ સંભવિત નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે આ કર્મચારીઓ.     

કેન્દ્ર તેમજ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ રસીકરણ માટે લોકો આગળ આવે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળના ૧૫૦૦ જેટલા આશા વર્કર બહેનો તેમજ ૫૦૦ જેટલા મહિલા અને પુરૂષ હેલ્થ વર્કરો  ડોર ટુ ડાઙ્ખર જઈ કરે છે કાઉન્સેલિંગ.

જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી નિલેશ શાહ જણાવે છે કે, જિલ્લામાં૧૨ સી.એચ.સી., ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૪૩ જેટલા પેટા આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ ગામ તેમજ વિસ્તાર વાઈઝ શકય તેટલા ઘરોમાં સર્વે કરી લોકોને રસી લેવા માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે. આશરે ૩૫૦ જેટલા કેન્દ્રો પર જિલ્લાભરમાં હાલ વેકિસનેશન જોરશોરથી ચાલી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રસીને લઈને મુખ્યત્વે ડર હોઈ છે રસી લેવાથી હેલ્થ પર કોઈ અવળી અસર તો નહિ થાઈને તે અંગે લોકો પ્રશ્નો કરતા હોવાનું અધિકારીશ્રી જણાવે છે. મોઢુકાના પ્રાયમરી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. જલદીપા જાદવ જણાવે છે કે,  લોકો દ્વારા અનેક પ્રશ્નો અમને પૂછવામાં આવે છે. મોટી ઉંમરના લોકોને રસી લીધા બાદ કઈ ગંભીર રોગ થઈ જવાનો કે મૃત્યુ થઈ જશે તેવો ડર લાગે છે. ત્યારે અમારી ટીમ દ્વારા તેમને જણાવવામાં આવે છે કે, સરકાર દ્વારા તમારી આરોગ્યની ચિંતા કરવામાં આવે છે એટલે તો ઘરે ઘરે જઈ રસી માટે અમે આટલો આગ્રહ કરીએ છીએ. દેશના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહીત બધા એ રસી લીધી છે તેમ સમજાવીએ છીએ, તમને કોઈ જ આડઅસર નહીં થાય તેમ વારંવાર સમજાવીએ છીએ. ગામના આગેવાનો પણ અમારી સાથે મળી લોકોને સમજવા આવતા હોવાનું તેઓ જણાવે છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોના મનમાં રહેલી શંકાનું સમાધાન કરી તેમને રસી રૂપી કવચ અપાવવા અથાગ મહેનત કરી રહ્યા છે. હાલ કોરોના સામે સુરક્ષિત રહેવા રસી એકમાત્ર હથિયાર હોઈ સૌ કોઈ રસી માટે તૈયારી દર્શાવે તેવી અપીલ આરોગ્ય અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી છે.   ઉલ્લેખનીય છે કે,  પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહીત મંત્રીગણ અને સમાજના અનેક અગ્રણીઓએ રસીકરણ કરાવી સૌ કોઈએ રસીકરણ કરાવવા પ્રેરણા પુરી પાડી છે.

(3:16 pm IST)