Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ચોરટાઓ મેદાનેઃ પોલીસની દોડધામ

એક દૂકાનમાં ૨.૭૫ લાખની ચોરીઃ ચારમાં પ્રયાસ

ગાયત્રીનગર જલારામ ચોકમાં શ્રીનાથ સાડીમાંથી પોણાત્રણ લાખ રોકડા ગયાઃ કોઠારીયામાં શ્રીશુભ ઇલેકટ્રોનિક, બાલાજી એજન્સી, ડો. સરધારાના કિલનીક અને વરૂડી પ્રોવિઝનમાં પ્રયાસ : સાડીના વેપારી દેવીલાલ કુમાવતે ભકિતનગર પોલીસમાં અને કોઠારીયાના દૂકાનદારોએ આજીડેમ પોલીસને જાણ કરીઃ સીસીટીવીમાં દેખાતા શકમંદની તપાસ : કોઠારીયામાં ચાર દૂકાનોના તાળા તોડનાર તસ્કર સીસીટીવીમાં કેદ થયો છે

રાજકોટ તા. ૨૪: તહેવાર ટાણે સુલેહશાંતિ જળવાઇ રહે અને દારૂની બદ્દી નાબુદ થાય એ માટે પોલીસ મેદાને આવી ગઇ છે. બીજી તરફ મંગળવારે રાતે ચોરટાઓએ મેદાનમાં આવી પોલીસને દોડાવી હતી. ગાયત્રીનગર રોડ જલારામ ચોકમાં આવેલી દૂકાનમાંથી રૂ. ૨,૭૫,૦૦૦ની રોકડની ચોરી થઇ છે. જ્યારે કોઠારીયા ગામમાં ચાર દૂકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે. સાડીની દૂકાનમાં થયેલી ચોરીમાં સીસીટીવીમાં એક શકમંદ દેખાયો હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્યા મુજબ ગાયત્રીનગર રોડ જલારામ ચોકમાં આવેલી શ્રીનાથ સારીઝ નામની સાડીની દૂકાનમાં રોકડની ચોરી થયાની જાણ થતાં ભકિતનગર પોલીસની ટીમ પહોંચી હતી. દૂકાન માલિક ગીતાનગર-૧માં રહેતાં દેવીલાલ શંકરલાલ કુમાવત (ઉ.વ.૪૨)ના કહેવા મુજબ દૂકાનની બાજુમાં બીજી દૂકાન હોઇ તેના ઉપર પહોંચી પોતાની દૂકાનના વેન્ટીલેશનમાંથી થઇ ચોર અંદર આવ્યો હતો અને રોકડા રૂ. ૨,૭૫,૦૦૦ ચોરી ગયું હતું. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શકમંદ નજરે ચડ્યો હોઇ તેને આધારે તપાસ શરૂ કરી છે. ભેદ ઉકેલાઇ જવાની આશા છે. આ મામલે હાલ પોલીસે લેખિત અરજીને આધારે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ કોઠારીયા ગામમાં આવેલા આકાર હાઇટ્સ કોમ્પલેક્ષ તથા સામેની સાઇડમાં આવેલા ક્રોસ કોમ્પલેક્ષમાં ચાર દૂકાનોના તાળા-નકુચા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યાની જાણ થતાં આજીડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી. જો કે એકેય દૂકાનમાંથી કંઇ ગયું ન હોઇ વેપારીઓએ ફરિયાદ નોંધાવી નથી. માત્ર અરજી કરી હતી. તસ્કરોએ પિયુષભાઇ જીતુભાઇ રૈયાણીની શ્રીશુભ ઇલેકટ્રોનિકસ, રાહુલભાઇ દુધાત્રાની બાલાજી સેલ્સ એજન્સી, ડો. કોૈશિક કે. સરધારાના શુભ કિલનીક તેમજ વરૂડી પ્રોવિઝન સ્ટોરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. મોઢે કપડા બાંધેલા બે શકમંદો સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે.

(3:13 pm IST)