Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટની કોર્ટમાં કોરોના વિસ્ફોટઃ બે જજો પોઝીટીવ

કોર્ટના સ્ટાફ સહિત ૧૧ સંક્રમિતઃ ૧ એપ્રિલ સુધી રાજકોટ કોર્ટ બંધ રાખવા બાર એસો.ની રજુઆતઃ જામનગરમાં પણ કેસો વધતાં વકિલો ૩૧ માર્ચ સુધી કોર્ટની કાર્યવાહીથી અલીપ્ત રહેશે

રાજકોટ,તા.૨૪: રાજકોટની કોર્ટમાં કોરોના વિસ્ફોટ થતાં બે ન્યાયાધીશોને કોરોના થયો છે. જયારે કોર્ટ સ્ટાફ સહિત અન્ય ૧૧ વ્યકિતઓ પણ સંક્રમિત થયાનું જાણવા મળે છે.

રાજકોટની સિવિલ અદાલત અને નેગોશીએબલ કોર્ટના જજ કોરોના પોઝીટીવ થયાનું જાણવા મળે છે. કોર્ટ સ્ટાફ સહિત ૧૧ લોકો સંક્રમિત થતાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ કોર્ટો બંધ કરવા રજૂઆત કરી છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ કોરોનાનું સંક્રમણ વધતાં ફેમીલી કોર્ટ બંધ કરવામાં આવી હતી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોર્ટોમાં સંક્રમણ વધતા વકીલો, સ્ટાફ અને ન્યાયાધિશોમાંં ચિંતાનું મોજું ફેલાયેલ છે.

એક બાજુ કોર્ટ માંડમાંડ ખુલતા વકિલોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. ત્યાં ફરી કોરોનાએ હાહાકાર મચાવતા ફરી ચિંતા પ્રસરી ગઈ છે.

ખાસ કરીને વકિલોની હાલત કફોડી બની ગયેલ છે. એકાદ વર્ષથી કામકાજ ઠપ્પ થયા બાદ હજુ કોર્ટો હમણા જ ચાલુ થયેલ છે. ત્યાં કોર્ટો બંધ કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિ ઉભી થતાં વકિલોના ધંધા- રોજગાર ઉપર માઠી અસર થયેલ છે.

જાણવા મળ્યા મુજબ જામનગર કોર્ટમાં પણ કોરોનાના કેસો વધતા જામનગર બાર એસો.ના વકિલોએ તા.૨૪ થી ૩૧ માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવા નિર્ણય કરેલ છે.

બીજી તરફ રાજકોટ કોર્ટમાં પણ જજો સહિત કોર્ટ સ્ટાફ સંક્રમીત થતાં બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ ડિસ્ટીકટ જજને પત્ર પાઠવી તા.૧ એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહી સ્થગીત કરવા વિનંતી કરી છે.

(4:08 pm IST)