Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૧૫ લાખમાં રેલ્વેમાં નોકરીઃ ત્રિપૂટીનું ઠગાઇનું જબરૂ કારસ્તાન : નાણા ચુકવી લખનૌમાં ૪૦ છોકરા-છોકરી લઇ રહ્યા છે તાલિમ!

લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં શૈલેષ ઉર્ફ સેટીંગ, અમદાવાદના કલ્પેશ શેઠ અને રાજપીપળાના ઇકબાલ ઉર્ફ મુન્ના ખત્રી સામે રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ૬૮ લાખની ઠગાઇનો ગુનોઃ જામનગર રોડ પર રહેતાં ઘનશ્યામસિંહના પુત્ર જયવિરસિંહને તાલિમમાંથી એમ કહી કાઢી મુકાયો કે તારા નાણા હજુ પહોંચ્યા નથી! : લખનૌ રેલ્વે સ્ટેશન પાસે જ આવેલુ તાલિમ કેન્દ્ર પણ બોગસ? તે સહિતના મુદ્દે ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ આદર્યોઃ રાજકોટ, ભાયાવદરના ૬, બીજા રાજ્યોના ૩૪ છોકરા-છોકરીઓ તાલિમ કેન્દ્રમાં છેઃ બધા પાસેથી ૧૫ લાખ નોકરીના, ૨૬ હજાર ડોકયુમેન્ટના અને દિલ્હીથી લખનૌ ફલાઇટની ટિકીટના નાણા વસુલાયા : શૈલેષ ઉર્ફ સેટીંગે ભોગ બનેલા ઘનશ્યામસિંહ ચુડાસમાને કહેલું-'૧૨ પાસ કે ગ્રેજ્યુએટ હોય તેનું રેલ્વેમાં નોકરીનું સેટીંગ થઇ જાયઃ ૧૫ લાખ અને ડોકયુમેન્ટના ૨૬ હજાર ચુકવો...એ પછી લખનૌથી ગુજરાત બદલી કરાવવાની જવાબદારી મારી'

રાજકોટ તા. ૨૪: રેલ્વેમાં કલાર્કની નોકરીના નામે રાજકોટ, ભાયાવદર, મુળીના છ યુવાનો સાથે રૂ. ૬૮,૦૫,૦૦૦ની ઠગાઇ થતાં મામલો ડીસીબી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં શૈલેષ ઉર્ફ સેટીંગ, અમદાવાદના કલ્પેશ શેઠ અને રાજપીપળાના ઇકબાલ ઉર્ફ મુના ખત્રીની ત્રિપુટીએ નોકરીવાંચ્છુઓને 'જાળ'માં ફસાવી રૂપિયા ખંખેરી રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી બાય એર લખનૌ લઇ જઇ ત્યાંના રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે કલાર્કની તાલિમ માટેના કેન્દ્રમાં જોડી દઇ તેમને બોગસ ઓર્ડર આપી તેમજ પગાર અને પગાર સ્લીપ પણ આપી ઠગાઇ કર્યાનું અને રાજકોટ સહિતના ૬ ઉપરાંત બીજા રાજ્યોના ૩૦ જેટલા નોકરીવાંચ્છુઓને આ રીતે છેતર્યાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

ડીસીબી પોલીસે આ બનાવમાં જામનગર રોડ પર નંદનવન સોસાયટી ગોકુલ ટેનામેન્ટ બ્લોક નં. ૬માં રહેતાં ઘનશ્યામસિંહ કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી જામનગરના ફલ્લા ગામના શૈલેષ ઉર્ફ સેટીંગ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને નર્મદા જીલ્લાના રાજપીપળાના ઇકબાલ ઉર્ફ મુના ખત્રી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), ૩૪ મુજબ બેકાર યુવાનો તથા તેમના સગા સંબંધીઓનો સંપર્ક કરી રેલ્વેમાં રૂ. ૧૫ લાખમાં નોકરી અપાવી દેશે તેવી લાલચ આપી ડોકયુમેન્ટ સબમીટ કરવાના નામે રૂ. ૨૬-૨૬ હજાર મેળવી નોકરીવાંચ્છુઓને દિલ્હી ખાતે લઇ જઇ લેખિત કે મોૈખિક કોઇપણ પ્રકારની પરિક્ષા લીધા વગર રેલ્વેની નોકરીના બોગસ ઓર્ડર આપી લખનૌ તાલિમ માટે મોકલી દેવાનો અને આ રીતે ફરિયાદીના પુત્ર તથા સગા સંબંધીઓ મળી ૬ યુવાનોને નોકરી અપાવી દેવાના બહાને તેની સાથે રૂ. ૬૮,૦૫,૦૦૦ની ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.

ઘનશ્યામસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો જયવિરસિંહ હાલ લખનૌ રેલ્વે કલાર્કની નોકરીમાં તાલિમમાં છે. તેની ઉમર ૧૯ વર્ષની છે અને તેણે આઇટીઆઇમાં ઇલેકટ્રીશિયન તરીકે બીજા વર્ષ સુધીઅભ્યાસ કર્યો છે. હું પોતે જેટકોમાં દફતરી તરીકે નોકરી કરુ છું. બે મહિના પહેલા અમારી શેરીમાં રહેતાં વલ્લભભાઇ પટેલ મારફત શૈલેષ દલસાણીયા કે જેની ઓફિસ લીમડા ચોક આલાપ-બી પાંચમા માળે ૫૦૬માં છે  તેણે જણાવેલ કે રેલ્વેમાં કલાર્કની નોકરીમાં ૧૨ પાસ કે ગ્રેજ્યુએટ ભણેલા છોકરાઓની ભરતી છે. જેમાં આપણું સેટીંગ છે. પરંતુ રૂ. ૧૫ લાખ ભરીએ તો નોકરીનું સેટીંગ થઇ જાય. તેમજ ડોકયુમેન્ટની પીડીએફ ફાઇલ બનાવી સબમીટ કરવાનો ચાર્જ રૂ. ૨૬ હજાર અલગથી ભરવો પડે. કોઇને નોકરીની જરૂર હોય તો કહેજો, નોકરી મળી જાય પછી ગુજરાતમાં બદલી કરાવી આપવાની જવાબદારી પણ મારી. જેમાં ઓર્ડર મળ્યે અડધા અને બાકીના અડધા રૂપિયા ટ્રેનિંગ ચાલુ થાય ત્યારે આપવાના હોય છે.

મારે મારા ભાણેજ ભલગામડાના મિતરાજસિંહ મયુરધ્વજસિંહ રાણાને નોકરીએ લગાડવાનો હોઇ મારા બનેવીના મોટાભાઇને ફોનથી વાત કરી હતી. બીજા દિવસે મિતરાજસિંહને અમદાવાદ મોકલેલ. જ્યાં શૈલેષ ઉર્ફ સેટીંગે કલ્પેશ શેઠનો કોન્ટેકટ કરાવ્યો હતો. ત્યાંથી મારો ભાણેજ મિતરાજસિંહ અને કલ્પેશ બસ મારફત દિલ્હી ગયા હતાં. જ્યાં મિતરાજસિંહને પીડીએફમાં જોઇનીંગ ઓર્ડર અપાયો હતો અને દિલ્હીમાં રેલ્વે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. પરંતુ માત્ર લોહીના સેમ્પલ જ લીધા હતાં. સર્ટીફિકેટ આવી જતાં દિલ્હીથી લખનૌ પ્લેનમાં કલ્પેશ અને મિતરાજસિંહ ગયેલ. જ્યાં રેલ્વે સ્ટેશનની બાજુમાં જ આવેલા ટ્રેનિંગ સેન્ટરમાં મિતરાજસિંહને લઇ જવાયેલ અને ટ્રેનિંગ ચાલુ થઇ ગઇ હતી. એ પછી શૈલેષને રૂ. ૨૬ હજાર રોકડા આપ્યા હતાં. તેમજ ફલાઇટ બસની ટિકીટના રૂ. ૯૦૦૦ આપ્યા હતાં.

ત્યારબાદ મયુરધ્વજસિંહના ભાઇજી ઇન્દ્રજીતસિંહે રૂ. ૧૫ લાખ કટકે કટકે આંગડીયા મારફત શૈલેષને આપ્યા હતાં. શૈલેષે એ રૂપિયા કલ્પેશને મોકલ્યા હતાં. મિતરાજસિંહને ૫૫ થી ૬૬ દિવસ નોકરીના થયા છે અને તેને કલાર્કની નોકરી મળી ગઇ છે, ૪૫ દિવસે રૂ. ૧૬૫૪૩ પગાર તેના બેંક ખાતામાં જમા થયેલ છે અને પગાર સ્લીપ ણપણ મળી છે. તેમજ કલ્પેશે જણાવેલ કે હજુ ત્રણ મહિનાની ટ્રેનિંગ છે.  કલ્પેશ ઓએનજીસી, પોસ્ટ વિભાગ અને ફૂડ ઇન્સ્પેકટર તરીકે નોકરી પણ અપાવતો હોવાની વાત કરી હતી.

ઘનશ્યામસિંહે આગળ જણાવ્યું છે કે મારા ભાણેજ મિતરાજસિંહની નોકરી થઇ ગયા બાદ મેં મારા બહેન યોગીતા બાના જમાઇ હરપાલસિંહ ભરતસિંહ ચુડાસમા (રહે. ભાયાવદર જનતા ચોક તા. ઉપલેટા),  રૂષી ભટ્ટ (રાજકોટ-હરપાલસિંહનો મિત્ર), ભાગ્યરાજસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા (હરપાલસિંહના મિત્રો) આ બધાનું તથા મારા પુત્ર જયવિરસિંહનું નોકરીનું સેટીંગ કરી આપવા કહેતાં તેણે દરેકના રૂ. ૧૫-૧૫ લાખ નક્કી કર્યા હતાં. એ પછી મેં હરપાલસિંહના ૧૨ાા લાખ આગડીયાથી મંગાવી પડોશી વલ્લભભાઇ મારફત શૈલેષને આપ્યા હતાં. રૂષી ભટ્ટે ૪ાા લાખ આપ્યા હતાં. પણ શૈલેષે આ રકમ ઉપર નહિ મોકલતાં હરપાલસિંહ અને રૂષીને ઓર્ડર પીડીએફથી મળ્યો હતો. ફિઝીકલ ઓર્ડર ન મળતાં કલ્પેશે કહેલુ કે મને સીધા રૂપિયા મોકલો. એ પછી તેણે બેંક ખાતા નંબર આપતાં આરટીજીએસથી રૂપિયા મોકલ્યા હતાં. ભાગ્યરાજસિંહ, યશપાલસ્િંહે ૨૫.૭૦ લાખ, રૂષીએ બાકીના રૂપિયા કલ્પેશને ચાંદની ચોક દિલ્હીના આંગડીયા મારફત મોકલ્યા હતાં. રૂષીએ ૧૨ાા લાખ તથા પીડીએફ ડોકયુમેન્ટના અને પ્લેનની ટીકીટના રૂપિયા મોકલ્યા હતાં. તેમજ મારા દિકરાના બે લાખ આરટીજીએસની કલ્પેશને મોકલ્યા હતાં. શૈલેષ સાથે રૂપિયાની માથાકુટ થતાં કલ્પેશે ડાયરેકટ રૂપિયા પોતાને મોકલવા કહ્યું હતું. તેમજ પોતે ૧૫ને બદલે ૧૨ાા લાખમાં સેટીંગ કરાવી આપશે અને શૈલેષનું કમિશન કપાઇ જશે તેવી વાત કરી હતી.

અમે શૈલેષને રૂ. ૩૨,૩૫,૦૦૦ તથા કલ્પેશને રૂ. ૩૫,૭૦,૦૦૦ મળી કુલ રૂ. ૬૮,૦૫,૦૦૦ ચુકવ્યા છે. આ છોકરાઓ ઉપરાંત નિરવ નામનો છોકરો પણ શૈલેષ મારફત નોકરીએ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમારા સિવાયના બીજા ૩૦ છોકરાઓ અલગ-અલગ રાજ્યોમાંથી તાલિમમાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ છોકરાઓ લખનૌમાં રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનિંગ સેન્ટરમાં ત્રણ મહિનાની તાલિમમાં છે. જેઓ સવારે ૭ થી ૧૧:૩૦ સુધી તાલિમ લઇ રહ્યા છે. રેલ્વેના ચાર ઝોનના કોડની તાલિમ અપાઇ રહી છે. આ છોકરાઓ ટ્રેનિંગ સેન્ટર નજીક રૂમ ભાડે રાખીને રહે છે.મારા દિકરા જયવિરસિંહનો મને ફોન આવ્યો હતો કે રૂપિયા જમા થયા નથી જેથી તેને તાલિમમાં આવવાનું નથી. પણ જો નોકરી સરકારી હોય તો કોઇને આવી રીતે કાઢી ન શકે. જેથી આ બધુ ખોટુ હોય તેવું લાગે છે. અમને જાણવા મળ્યું છે કે રાજપીપળાના ઇકબાલ ઉર્ફ મુના ખત્રી અને શૈલેષ ઉર્ફ સેટીંગ તથા કલ્પેશ શેઠે મળી આ કૌભાંડ આચર્યુ છે. આમ આ ત્રિપુટીએ રેલ્વેના નામે ખોટી ભરતીઓ કરી, ખોટા નોકરીના ઓર્ડર આપી તેમજ ખોટી પગાર સ્લીપો આપી બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી છેતરપીંડી કર્યાનું સામે આવતાં અમે ફરિયાદ કરી છે. તેમ વધુમાં ઘનશ્યામસિંહ ચુડાસમાએ જણાવતાં ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાના માર્ગદર્શન-સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા,  જે. પી. મેવાડા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ, પુષ્પરાજસિંહ સહિતની ટીમે તપાસ આદરી છે. આરોપીઓ હાથમાં આવ્યે જબરૂ કૌભાંડ સામે આવવાની શકયતા છે.

(3:19 pm IST)