Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

દેશી તમંચો લઇ ફરતાં રૈયાધાર ડ્રીમસીટીના પ્રતિપાલસિંહને ભકિતનગર પોલીસે પકડ્યો

સિકયુરીટી એજન્સી બંધ થતાં ભાગીદાર સાથે વાંધો ચાલતો હોવાથી સાથે રાખ્યાનું રટણ : શાપરના મિતેશ જાદવ પાસેથી લીધાનું રટણઃ કોવિડ રિપોર્ટ બાદ રિમાન્ડ મેળવવા તજવીજ : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, ભાનુભાઇ મિંયાત્રા અને હેડકોન્સ. સલિમભાઇ મકરાણીની બાતમી

રાજકોટ તા. ૨૪: રૈયાધાર ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૨માં રહેતો પ્રતિપાલસિંહ અજયસિંહ ચુડાસમા (ઉ.વ.૨૫) પોતાની પાસે દેશી તમંચો રાખી ભકિતનગર સોસાયટી-૩ના મિલન બગીચા પાસે આવ્યો હોવાની બાતમી ભકિતનગર ડી. સ્ટાફના એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, ભાનુભાઇ મિંયાત્રા અને હેડકોન્સ. સલિમભાઇ મકરાણીને મળતાં તેને સકંજામાં લઇ તલાશી લેતાં રૂ. ૫ હજારનો તમંચો મળતાં ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પ્રતિપાલસિંહે રૈયા ચોકડીએ કિસ્મતની ઉપર સિકયુરીટીની ઓફિસ ભાગીદારીમાં શરૂ કરી હતી. પણ ભાગીદારીમાં વાંધો પડતાં ઓફિસ થોડા મહિના પહેલા બંધ કરી હતી. ત્યારથી ભાગીદાર સાથે વાંધો ચાલતો હોઇ પોતાની સાથે તમંચો રાખતો હોવાનું રટણ તેણે કર્યુ હતું.

તમંચો શાપરના મિતેશ જાદવ પાસેથી લાવ્યાનું તેણે કહ્યું હતું. પોલીસ આ અંગે ખરાઇ કરી રહી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડે હોળી-ધૂળેટી તહેવાર અંતર્ગત સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ કરવા સુચના આપી હોઇ પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ આર. જે. કામળીયા, ફિરોઝભાઇ શેખ, ભાનુભાઇ મિંયાત્રા, હેડકોન્સ. સમિલભાઇ, મનરૂપગીરી, હિરેનભાઇ પરમાર, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, મનિષભાઇ શિરોડીયા, રાજેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી. કોવિડ રિપોર્ટ આવ્યા બાદ આરોપીની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થશે.

(11:42 am IST)