Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સિવિલ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ફલુ ઓપીડીઃ કોરોના માટે ૮૦૦ બેડ સુધી વ્યવસ્થા શરદી-ઉધરસ-તાવના દર્દીઓ ૨૪ કલાક નવી બિલ્ડીંગના ઓપીડીમાં કેસ કઢાવી દવા લઇ શકાશે

રાજકોટ તા. ૨૪: કોરોનાની મહામારીને પગલે સમગ્ર રાજ્યમાં ૩૧મી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે જો આગામી દિવસોમાં કોરોનાના વધુ દર્દીઓ સામે આવે તો તેને એડમિટ કરવા શું વ્યવસ્થા થઇ શકે? તે અંગે કલેકટર તંત્ર, આરોગ્ય તંત્રની સીધી દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. સિવિલ હોસ્પિટલમાં જો જરૂરિયાત ઉભી થાય તો ૮૦૦ બેડ સુધીની વ્યવસ્થા થઇ શકે તે માટે તમામ તૈયારી થઇ ચુકી છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને આરએમઓ ડો. એમ. સી. ચાવડા અને ટીમ સતત કલેકટર તંત્ર, આરોગ્ય તંત્ર સાથે સંપર્કમાં રહી સુચના અનુસાર કામગીરી કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં જે આઇસોલેશન વોર્ડ ચાલુ છે તેમાં ૮૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત નવા સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ચાર માળમાં ૨૮૦થી વધુ બેડની સુવિધા છે. આ ઉપરાંત જરૂર પડ્યે આંખની હોસ્પિટલમાં ૧૮૦ બેડ અને એનાથી પણ વધુ જરૂર પડે તો સમગ્ર હોસ્પિટલમાં કવોરન્ટાઇન કરીને ૮૦૦ બેડ સુધીની સુવિધા ઉભી કરી શકાય તેમ છે. હાલમાં ફલુ ઓપીડી એટલે કે શરદી, ઉધરસ, સામાન્ય તાવ માટે ૨૪ કલાકની ઓપીડી નવી સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં શરૂ કરવામાં આવી છે. દર્દીઓ આહિથી જ કેસ કઢાવી દવા લઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

(3:49 pm IST)