Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

બેસણા- ઉઠમણા રદઃ શોક સંદેશાઓ થયા ટેલિફોનિક

જે પરિવારજનોના ઘરે દુઃખદ અવસાન થયું છે તે પરિવારોનું પ્રશંસનિય પગલું : અખબારોમાં પણ મોકલાતી અવસાન નોંધની યાદીમાં પણ થવા લાગ્યા સ્પષ્ટ ઉલ્લેખઃ વોટ્સએપથી મેસેજનું ચાલ્યું ચલણ

રાજકોટ,તા.૨૪: કોરોનાએ કહેર મચાવ્યો છે. મધરાતથી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોએ ઘરની બહાર ન નિકળવા હિતાવહ છે. દરમિયાન આ સમયગાળામાં જે પરિવારોના ઘરે દુઃખદ બનાવ બની ગયો છે તે પરિવારજનોએ પણ ઉઠમણા- બેસણા રદ્દ કરી નાખ્યા છે અને ટેલીફોનથી જ શોકસંદેશો પાઠવી દેવા જણાવાયું છે. આમ, પણ ૩૧મી સુધી લોકડાઉન જાહેર કરી દેવાતા કોઈ વ્યકિત ઈચ્છે તો પણ આવા પરિવારના ઘરે જઈ શકે તેમ નથી.

હાલની પરીસ્થિતિને ધ્યાને લઈ લોકોએ ખરેખર આ પગલું અનુસરવા જેવું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ ફેલાવવામાં હરણફાળ પકડી છે. ત્યારે આ વાયરસ વધુ ન ફેલાય તે માટે પરિવારજનો દ્વારા દુઃખદ અવસાન- બેસણા સમયે રૂબરૂ ન આવવા અને પોતાના ઘરેથી જ ટેલીફોનિક શોકસંદેશાઓ પાઠવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

સમયવર્તે સાવધાન હાલના સમયમાં આવા પગલા આવકારદાયક છે સોશ્યલ મીડિયામાં પણ મેસેજીસ વાયરલ ફરતા કરી દેવામાં આવતા હોય છે. જે પરિવારના ઘરે અવસાન થયું હોય તે પરિવારના લોકો દ્વારા જ ફેસબુક કે વોટ્સએપ દ્વારા સગાસંબંધીઓ અને મિત્રવર્તુળોમાં જાણ કરી દેવામાં આવે છે. જેમાં લખાણ પણ હોય છે કે હાલના સમયમાં લોકોએ રૂબરૂ આવવાની જરૂર નથી ટેલીફોનિક કે વોટ્સએપ થકી જ મેસેજીસ આપી દેવા. જેનો લોકો અમલ કરી રહ્યા છે.

આ ઉપરાંત ઉતરક્રીયા સમયે સગાસંબંધીઓ, મિત્રોને આમંત્રણ આપવામાં આવતા હોય છે. આવા મેળાવડાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘર મેળે જ વિધી કરી કાર્ય કરી લેવામાં આવે છે અને તમામ વિધીઓ ઘરમેળે જ કરી પ્રસંગને આટોપી લેવામાં આવતા હોય છે.અખબારોમાં પણ અવસાન નોંધ મોકલતી વખતે પણ તેમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે કોરોના વાયરસના લીધે ઉઠમણું કે બેસણું રાખવામાં આવેલ નથી અને તમામ લૌકીક ક્રિયાઓ બંધ રાખવામાં આવેલ છે જેથી વોટ્સએપ થકી જ શોકસંદેશો પાઠવવો.

(3:40 pm IST)