Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાજકોટમાં એક જ રાતમાં ૧ર શંકાસ્પદ કેસઃ તમામ આઇસોલેશનમાં

જેતપુર, મોરબી, પડધરી, રાજકોટ ગ્રામ્યના એક-એક અને શહેરના ૮ લોકોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા : ૪ ખાનગી અને૮ સરકારી હોસ્પિટલમાં: વિદેશથી આવેલ ન હોવા છતા પ્રાથમિક લક્ષણના આધારે અલગ રાખીને સારવાર : સ્વાઇન ફલુના બે પોઝિટીવ કેસ

રાજકોટ તા.ર૪ : શહેરની સરકારી હોસ્પિટલના ચોપડે ગઇકાલે રાતથી આજે સવાર સુધીમાં કોરોનાના શંકાસ્પદ ૧ર કેસ ઉમેરાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા મુજબ જેતપુર, મોરબી, પડધરી પંથક અને રાજકોટ ગ્રામ્યના એક-એક સહિત ૪ અને રાજકોટ શહેરના ૮ સ્ત્રી પુરૂષો દર્દીઓને શંકાસ્પદ તરીકે આઇસોલેશન બોર્ડમાં ખસેડી તેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ૮ સરકારી હોસ્પિટલમાં અને ૪ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામના સેમ્પલનો રીપોર્ટ સાંજે આવી જવાની શકયતા છે.

એક રાતમાં નવા ઉમેરાયેલા ૧ર શંકાસ્પદ કેસમાં અલગ અલગ વય જુથના સ્ત્રી-પુરૂષોના સમાવેશ થાય છે. તેમની હિસ્ટ્રી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત એક પોઝીટીવ કેસવાળા દર્દી (જંગલેશ્વરવાળા) સહિત કુલ ૧૩ લોકો આઇસોલેશનમાં છે કવોરોન્ટાઇનમાં ૭ર૧ લોકોને રખવામાં આવ્યા છે.

આરોગ્ય તંત્ર દ્વારા કોરોન્ટાઇનના દર્દીઓને યોગ્ય માહિતી માર્ગદર્શન આપવા માટે મેડીકલ કોલેજ અને યુનિવર્સિટીના સહયોગથી કાઉન્સેલીંગ તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં એક બાળક સહિત બે પોઝિટીવ દર્દી સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે.

(12:14 pm IST)