Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પાણી બચાવવાની સુફિયાણી સલાહ આપનાર તંત્રએ...

કોઠારીયા રોડના વિવેકાનંદનગરમાં ધુળેટીએ ૧ર કલાક પાણી આપ્યુ અને પછી બે દિ'ધાંધિયા !!

કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ ઇજનેરોનું ધ્યાન દોર્યા બાદ તંત્ર જાગ્યું

રાજકોટ તા.૨૩: ઉનાળાનું ધીમા પગલે આગમન થઇ ચૂકયું છે. ગરમીનો પારો ઊંચકાઇ રહ્યો છે જેનાં કારણે શહેરીની જળ માંગ વધી છે ત્યારે હજુ બે દિવસ અગાઉ ધૂળેટી પર્વની ઉજવણીમાં અને ગઇકાલે ''વિશ્વ જળ દિવસ''પ્રસંગે મ્યુ.કમિશનર તથા પદાધિકારીઓ સહિતનાં તંત્રવાહકોએ નાગરિકોને પાણી બચાવવાની સલાહ આપી હતી. પરંતુ આ સલાહ આપનાર ખુદ તંત્ર વાહકોએ ધૂળેટીએ કોઠારિયા રોડનાં વિવેકાનંદ નગર વિસ્તારમાં સતત ૧૨ કલાક પાણી વિતરણ કરતાં કિંમતી પાણી વેડફાઇ ગયું હતું અને તંત્રની ઘોર બેદરકારી છતી થઇ હતી એટલું જ નહીં ત્યાર પછીનાં બે દિવસ એટલે કે ગઇકાલે અને આજે પાણી વિતરણમાં ધાંધિયા સર્જાયા હતા.

આ અંગે કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ એક યાદીમાં જણાવ્યા મુજબ ધૂળેટી પર્વનાં દિવસે કોઠારિયા રોડનાં વિવેકાનંદ નગરથી બે થી ત્રણ શેરીમાં સતત ૧૨ કલાક પાણી ચાલુ રહેતાં કિંમતી પાણી વેડફાઇ ગયું હતું. આ બાબતે ઇજનેરોનું ધ્યાન દોરાયું હતું પછી પાણી બંધ થયેલ.

દરમિયાન ગઇકાલે ઉપરોકત વિસ્તારમાં પાણી નહી આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો અને આજે પણ ૧૦-૩૦ વાગ્યા સુધી પાણી નહીં શરૂ થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા શહેર કોંગ્રેસ ફરીયાદ સેલના મહામંત્રી ભાવેશ પટેલની સંયુકત યાદી મુજબ શહેરનાં ઉનાળાના પ્રારંભે પાણીના ધાંધિયા ચાલુૃ થઇ ગયા છે. નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા નેતાઓ અદૃશ્ય થયાના આરોપ થયા છે. અંતે મહામુસીબતે કોલ સેન્ટરમાં કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહે ફરીયાદ કરી ખોરંભે પડેલી પાણી વિતરણ વ્યવસ્થા અંગે જવાબ માંગ્યો હતો.

(3:26 pm IST)