Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

શ્રી સિદ્ધિ વિનાયક દાદા રાજકોટમાં બિરાજશે

કાલાવડ રોડ ઉપર નિર્માણ પામી રહેલ મુંબઈ જેવુ જ ગણપતિજીનું વાતાનુકુલિત મંદિરઃ રાજસ્થાનના લાલ પથ્થરોનો ઉપયોગ, લોખંડનો ઉપયોગ કરાયો નથી, મંદિરના ગર્ભગૃહને સોના ચાંદીથી મઢાશે : કિરીટભાઈ કુંડલીયા પરીવારનું પ્રદાન

રાજકોટ, તા. ૨૪ : રિદ્ધિ - સિદ્ધિના સ્વામી અને જગત્માતા પાર્વતીના લાડકા પુત્ર ભગવાન શ્રી ગણપતિજીનું એક ભવ્ય મંદિર રાજસ્થાનના સકુશલ સ્થપતિઓના હસ્તે નિર્માણ પામી રહ્યુ છે. આ મંદિરના સ્વપ્નદૃષ્ટા છે હોટલ કે. કે. બીકોનના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી કિરીટભાઈ કુંડલીયા, રાજકોટવાસીઓને કે સૌરાષ્ટ્રવાસીઓને ભગવાન સિદ્ધિ વિનાયકની  ઝાંખી કરવા માટે હવે મુંબઈ જવુ નહિં પડે. પ્રભુ પોતે હવે તમારી સન્મુખ આવી રહ્યા છે.

શહેરના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ અને જીવરાજાની ટીવીએસના શોરૂમની મધ્યમાં આવેલી શેરી હવે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ રાજા માર્ગ બની ગઈ છે. અહીં ૪૫૦ ચોરસવારના વિશાળ પરિસરમાં અંદાજે ૧૦ હજાર ફૂટથી વધુ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પોણા બે વર્ષ પૂર્વે જ શરૂ થઈ ગયેલ છે અને આગામી ત્રણથી ચાર માસમાં આ નિર્માણકાર્ય સંપૂર્ણ થઈ જતા ભાવિકોના દર્શન માટે તેના દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. રાજસ્થાનના વિશ્વ વિખ્યાત પ્રભાત મૂર્તિ ભંડારવાળા મૂર્તિને ભગવાન સિદ્ધિ વિનાયકનું આખરી રૂપ આપી રહ્યા છે. અંદાજે ૪.૬ * ૩.૬ ફૂટની આ પ્રતિમા સંપૂર્ણ સફેદ આરસપહાણની એક જ લાદીમાંથી કંડારવામાં આવી છે.

મંદિરના દાતા અને નિર્માતા શ્રી કિરીટભાઈ કુંડલીયા (મો.૯૮૨૪૨ ૫૫૫૫૭) તથા શ્રી કાર્તિકભાઈ કુંડલીયા (મો.૯૮૨૪૩ ૫૫૫૫૭)એ જણાવેલ હતું કે ઉડીને આંખે વળગે અને અંતરમાં અદ્દભૂત આધ્યાત્મિક ભકિતભાવ સહજ જાગૃત કરે તેવી આ સિદ્ધિ વિનાયક ભગવાનની મૂર્તિની રચનાની વિશેષતા એ છે કે ગણપતિ ભગવાનના મસ્તક પરનો મુ કુટ, ગળામાંનો હાર, હાથમાં પહેરેલા કડા અને કાનમાં કુંડલ સહિતના સર્વ આભુષણો સુવર્ણપંડિત જ હશે, સંપૂર્ણ કનકમય. બીજુ મૂર્તિનીી ભવ્યતા તો એ છે કે એક હાથની રેખા ભકતગણો સ્પષ્ટપણે નીરખી શકે તેવી હશે. બીજા હાથમાં પ્રફુલ્લિત કમળ. કપાળમાં ત્રિશુળ અને પેટ ઉપર યજ્ઞોપવિત તેમજ સ્પષ્ટ જોઈ શકાય તેવો સાપ હશે. ગણપતિજીના પગ પાસે બિરાજતા મુષકનું મુખ ગણપતિજીના ચહેરા તરફ જ હશે. આ મૂર્તિ મુંબઈના સિદ્ધિ વિનાયકની આબેહૂબ પ્રતિકૃતિ જ છે અને ગુજરાતમાં આ એક માત્ર સિદ્ધિ વિનાયકનું મંદિર બની રહેશે જેની યશોગાથા દૂર સુદુર ફેલાતી રહેશે. મંદિર પર ફરકતી ધ્વજાને લહેરાતી જોઈને હજારો ભાવિકો અહીંયા ભગવાન ગણપતિની કૃપા પામવા મસ્તક ટેકવતા આવશે.

રાજકોટ ખાતે રાજસ્થાનના ૫૦ જેટલા મંદિર નિર્માણના શ્રેષ્ઠ સ્થપતિઓ અત્યારે મંદિરને આખરીઓપ આપી રહેલ છે. આ મંદિરની ધ્યાનાકર્ષક બીજી બાબત એ છે કે તેના બાંધકામમાં ન તો લોખંડ વપરાયેલ છે કે ન તો એક પણ ખિલ્લી. રાજસ્થાનની ખાણોમાંથી ખાસ મંગાવેલ લાલ પથ્થરોથી નિર્મિત ત્રણ મજલાવાળા આ મંદિરના ગર્ભગૃહને સોના ચાંદીથી મઢવામાં આવશે. આ મંદિરના પ્રથમ મજલે શ્રી ગણપતિજીની ગેલેરી ભવ્ય અને આકર્ષક હશે અને બીજા મજલા પર સ્વયં ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિજી બિરાજમાન હશે. તેના સંપૂર્ણ તેજોવલય સાથે. આ મંદિર સંપૂર્ણ રીતે વાતાનુકુલિત હશે.

સંપૂર્ણ ઐશ્વર્યથી મંડિત આ દિવ્ય મંદિરનો અંદાજીત ખર્ચ રૂ.૧૧ કરોડ રાજકોટની હોટલ કે કે બીકોનના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી કિરીટભાઈ કુંડલીયા પરીવાર તરફથી જ થઈ રહ્યો છે. મંદિરના નિર્માણમાં કોઈપણ વ્યકિત પાસેથી એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવેલ નથી. અગ્રણી ઉદ્યોગપતિના હસ્તે ટુંક સમયમાં જ આ મંદિર ભાવિકોના દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવશે. તેમ એક યાદીનાં અંતમાં જણાવાયુ છે. (૩૭.૮)

(4:16 pm IST)