Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સદ્ગુરૂ આશ્રમે કાલે રામનવમી મહોત્સવ

કેરીયુકત ફરાળનો મહાપ્રસાદઃ સાધુ-સંતોના બેસણાઃ શ્રી શંભુનાથસિંહ યુ.પી.થી પધારશેઃ ગુરૂમંત્રથી ભીંજાવાનો અને ઋણાનુરાગી થવાનો અવસર

રાજકોટ, તા. ૨૪ :. શ્રી સદ્ગુરૂ સદન-આશ્રમની વરદાયી ભૂમિ પર શ્રી રામ ભગવાનની આજ્ઞાથી ૧૯૪૬માં જેમણે શ્રી રામ મહાયજ્ઞ કરીને ફળ રાજકોટની ચઢતી કળા માટે અર્પણ કરેલુ અને સદ્ગુરૂ સદન - આશ્રમની સંસ્થાપના કરી હતી. તેવા સદગુરૂ દેવ પૂ. શ્રી રણછોડદાસની મહારાજશ્રીના હાજરાહજુર આવાસ સમા તિર્થધામમાં ચોવીસે કલાક રહેવાનો અવસર રામનવમીના તહેવારે નિમિતે રાજકોટની જનતાને સાંપડયો છે.

રામનવમી - રામાવતારના અનોખા મહોત્સવની જબરી તૈયારીઓ થઈ ચૂકી છે. સંગીતમય રામાયણના પાઠ વિદ્વાન રામકૃષ્ણદાસજી મહારાજે દેશભરના પરમ તપસ્વી ૫૦૦થી વધુ સાધુસંતો અને ખીચોખીચ ભકતજનોની સામુહિક સ્વરે થઈ રહ્યા છે. જેની પૂર્ણાહુતિ શ્રીરામ અને શ્રીરામ સ્વરૂપ શ્રી રણછોડપ્રભુજીના સાનિધ્યમાં થનાર છે.

પૂ. શ્રી હરિચરણદાસજી મહારાજ અને ગુરૂદેવ આ અવસરે હાજરાહજુર હોવાનો દિવ્ય અને રોમાંચક અનુભવ કરાવશે. ગુરૂદેવના નીકટના અંતેવાસી સમા શ્રી શંભુસિંહજી છેક યોગીજીના ઉત્તર પ્રદેશની પૂણ્યભૂમિથી શ્રધ્ધાભેર વિશિષ્ટ હાજરી આપી રહ્યા છે.

ધર્મભીના લોકોની ચઢતી કળા-ઉન્નતિના ગુરૂમંત્રથી ગંગા, જમુના, સરસ્વતી અને સરયુના પાવનકારી જળામૃત સમા ભીંજાવા અને ઋણાનુરાગી થવાના આ અવસરનો દુર્લભ લ્હાવો લેવા દર્શનાર્થીઓની હારકતાર શ્રી સદગુરૂ સદન-આશ્રમના મોક્ષદાયી પટાંગણમાં નિહાળવા મળશે.

શુક્રવારે ઐશ્વર્યભીના તપસ્વી પૂ. શ્રી હરિચરણદાસબાપુના ૯૬મા પ્રાગટય ઉત્સવ નિમિતે શ્રી રામજી મંદિરના અને ઋષિસમા પૂ. શ્રી હરિચરણદાસજીના દર્શન-આશિર્વચનનું સૌભાગ્ય પામવા સદગુરૂ - સદનના ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણી, વરિષ્ઠ પત્રકાર અને સદગુરૂ ભકત કાંતિભાઈ કતિરા, વરિષ્ઠ સદગુરૂ ભકત લાધામાધા પરિવારના મહેન્દ્રભાઈ છોટુભાઈ રાજવીર તથા પરમ સદગુરૂ શિષ્ય શ્રી શંભુનાથસિંહ ગયા હતા.

ઉપરોકત વરદાનદાયી અવસરનો લાભ લેવા પ્રવીણભાઈ વસાણીએ જાહેર નિમંત્રણ આપેલ છે.(૨-૨૧)

(4:05 pm IST)