Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

છોટુનગરના રહીસો દારૂડીયા-લુખ્ખાઓથી ત્રાહીમામઃ પોલીસ જાગશે?

અનેક વખતની રજૂઆતોનું પરિણામ શુન્યઃ આસપાસની ૮ સોસાયટીના રહેવાસીઓની હાલત બદતરઃ સવારથી મોડી રાત સુધી દારૂડીયાઓના અડ્ડાઃ નાની-નાની ચોરીઓના બનાવો રોજબરોજના થઇ ગયાઃ રોડ પર જ લારીઓ, વાહનોના ખડકલાઃ ભયંકર રીતે ફેલાવાતી ગંદકીઃ પોલીસ કમિશ્નરને થઇ વિસ્તૃત રજૂઆત

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ હનુમાન મઢી પાછળ આવેલી છોટુનગર સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતને રજૂઆત કરી આ વિસ્તારના લોકોને દારૂડીયા-લુખ્ખાઓના ત્રાસમાંથી મુકત કરાવવા આજીજી કરી છે. છોટુનગર તેમજ આસપાસની આઠેક સોસાયટીઓમાં દેશી દારૂનું દૂષણ, ચોરી, લુખ્ખાઓની ગાળાગાળી, જૂગારીઓના દેકારા સહિતના દુષણોથી ત્રાહીમામ પોકારી ગયાનું જણાવાયું છે.

 

લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે છોટુનગર સોસાયટી તથા આસપાસથી રંગઉપવન, પ્રગતિ સોસાયટી, અંજની સોસાયટી, સરકારી કર્મચારી સોસાયટી, ઇન્કમટેકસ સોસાયટી, હરિધામ સોસાયટી અને કૃષ્ણકુંજ સોસાયટી એરપોર્ટને અડીને આવેલી છે. આ સોસાયટીઓમાં દરરોજ સવારથી મોડી રાત સુધી કોઇને કોઇ ખુણે દારૂડીયાઓના અડ્ડા જામે છે. લુખ્ખા-આવારા તત્વો જાહેરમાં જૂગાર રમવા બેસી જાય છે અને બેફામ ગાળાગાળી કરતાં હોઇ બહેન-દિકરોનું અહિથી નીકળવું મુશ્કેલ બની જાય છે. સોસાયટી અવાર-નવાર ટાંકાના ઢાંકણાઓ ચોરાઇ જાય છે. ટુવ્હીલરની ચોરીઓ પણ થવા માંડી છે.

સોસાયટીના કોમ્યુનિટી હોલ ચોકમાં દરરોજ પોલીસ છાવણી નાંખવાની અમારી માંગણી છે. અહિ દરરોજ અડ્ડા જામે છે. ઝૂપડપટ્ટી આસપાસ રાત્રીના બે વાગ્યાથી વહેલી સવાર સુધી દારૂ ગાળવામાં આવે છે જેના કારણે સતત દૂર્ગંધ આવતી રહે છે. અહિ દારૂ પીવા વાળાના આંટાફેરા સવાર-સાંજ અને રાત્રે સતત થતાં રહે છે. આવા તત્વો સોસાયટીઓમાંથી નીકળતાં રહે છે. લથડીયા ખાતા તત્વોથી બહેન-દિકરીઓ-મહિલા સભ્યોને સતત ભય અનુભવવો પડે છે. જો આવા તત્વોને કોઇ કંઇ કહે તો રાત્રે ઘર પર પથ્થરમારો કરી હેરાન કરે છે.  અમુક તત્વો તો એવા છે જે ખુલ્લેઆમ કહેતા હોય છે કે પોલીસ આપણું કઇ બગાડી શકે નહિ. ઝૂપડપટ્ટીમાંથી દારૂનુ દુષણ કાયમી ધોરણે બંધ થાય તો જ બીજી કુપ્રવૃતિઓ આપમેળે બંધ થઇ જશે. તેમ સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું છે. રજૂઆતમાં વિશેષમાં જણાવાયું છે કે અહિ ગેરકાયદેસર રીતે ભંગારના ડેલા પણ ધમધમે છે અને તેના કારણે અવાજનું પ્રદુષણ પણ થાય છે. સળગતા વાયરો રોડ પર ફેંકવામાં આવે છે. તેમજ રેંકડીઓ, વાહનોના આડેધડ ખડકલાને લીધે રોડ લગભગ બંધ જ થઇ જાય છે. સોસાયટીના શેરી નં. ૪ના છેડે હમેંશા કચરાના ઢગલા અને અડચણો હોવાથી સોસાયટીના રહેવાસીઓ આ રોડનો ઉપયોગ જ કરી શકતા નથી. ઝૂપડપટ્ટીમાં કાચા-પાકા મકાનો ખડકી ગેરકાયદેસર રીતે ભાડેથી આપી દેવાયા છે. દારૂ-માસ-મટન બધુ જ સહેલાઇથી એક જ જગ્યાએ મળી રહેતું હોઇ મોડી રાત સુધી અહિ નશાખોરો, આવારા, લુખ્ખા તત્વોનો અડ્ડો જામી રહે છે.

છોટુનગર કો. ઓ. હાઉસીંગ સોસાયટી લી.ના લેટરપેડ પર થયેલી રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ સેસાયટીમાં પોલીસની ગાડી લગભગ દરરોજ આંટાફેરા કરે છે પણ જે ગેરકાયદે પ્રવૃતિ બધાને દેખાય છે તે પોલીસને કેમ દેખાતી નથી? સોસાયટીઓની મુશ્કેલીઓ બાહોશ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોૈત તાકીદે ઉકેલશે તેવી સોસાયટીના રહેવાસીઓની લાગણી અને માંગણી છે. તેમ અંતમાં જણાવાયું છે. (૧૪.૧૦)

(4:02 pm IST)