Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કોર્પોરેશનનો જન્મ - મરણ વિભાગ ડિજીટલ ઇન્ડિયાના માર્ગે

હોસ્પિટલના કર્મચારીઓ તથા લોકોને કચેરી સુધી જન્મ નોંધણી માટે ધક્કા ખાવામાંથી મુકિતઃ મનિષ રાડિયાની જાહેરાત

રાજકોટ તા. ૨૪ : શહેરમાં પ્રાઈવેટ કે સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની નોંધણી કરાવવી જન્મ મરણ અધિનિયમ તથા બોમ્બે નર્સીંગ એકટ હેઠળ ફરજીયાત છે. નિયત કરેલ નોંધણીની કાર્યપધ્ધતિ અન્વયે જે તે હોસ્પિટલમાં જન્મેલ બાળકની જરૂરી વિગત દર્શાવતું નિયત કરેલ ફોર્મ હોસ્પિટલના સ્ટાફ દ્વારા રૂબરૂ સેન્ટ્રલ ઝોન ઓફિસે આવી નોંધાવું પડતું હતું. હાલમાં સરેરાશ દરરોજ ૮૦ થી ૧૦૦ બાળકોનો જન્મ થાય છે. જન્મ/મરણ વિભાગે ડીજીટલ રાજકોટને સાકાર કરવા ખરા અર્થમાં લોકોને ઉપયોગ એવી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની જન્મનોંધણીની નવી કાર્યપ્રણાલી ચાલુ કરેલ છે. તેમ આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયાએ જણાવ્યું હતું.

 

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવેલ હતું કે આરોગ્યના જન્મ/મરણના અધિકારીઓ દ્વારા રાજકોટ શહેરના પ્રાઈવેટ તથા સરકારી પ્રસુતિ ગૃહો સાથે સમજણ અને સંકલનથી બાળકના જન્મની વિગત જે તે હોસ્પિટલ દ્વારા ઓનલાઈન જ થાય તેવી વ્યવસ્થા ગોઠવેલ છે. આ માટે થોડા સમયથી આ અંગે હોસ્પિટલોને ટ્રેનીંગ અને માર્ગદર્શન આપી તબ્બકાવાર કામગીરી પૂર્ણ કરેલ છે. રાજકોટ શહેરની બોમ્બે નર્સીંગ એકટ હેઠળ નોંધાયેલી પ્રાઈવેટ તથા સરકારી પ્રસુતિ ગૃહો તેમની હોસ્પિટલોમાંથી બાળકના જન્મની નોંધ ચાલુ કરાવી એક ઐતિહાસિક કામગીરી ચાલુ કરેલ છે.

હવે રાજકોટ શહેરની ૧૪૩ હોસ્પિટલો (પ્રસુતિ ગૃહો) તથા ઝનાના હોસ્પિટલ, પદ્મ કુંવરબા જેવી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની નોંધણી ઓનલાઈન થશે. આ કામગીરી લોકો તથા ગાયનેકોલોજીસ્ટને એકદમ સુવીધારૂપ અને આવકાર્ય છે.આ કાર્યવાહીથી નીચે દર્શાવેલી વિગતે ફાયદા થશે.

જેમાં હોસ્પિટલના સ્ટાફને કે બાળકના સગાને નોંધણી માટે કોર્પોરેશન ઓફીસ સુધી આવવું નહિ પડે. સમય તથા વહન ખર્ચનો બચાવ થશે. પેપરલેશ એટલે કે સ્ટેશનરીનો બચાવ થશે. ડીજીટલ રેકર્ડ હોવાથી કાયમી જાળવણી થશે. જન્મ બાદ ઝડપથી ૪૮ કલાકમાં રજીસ્ટર થઈ જશે. પહેલા તો ભુલ અથવા બેદરકારીના કારણે મોડું નોંધણીને લીધે એફીડેવીટ અથવા કોર્ટના આધારે નોંધણી કરાવવી પડતી હતી. જે હવે નહિ થાય.

અગાઉ તો રૂબરૂ નોંધણી માટે ઓફીસ સમયમાં જ આવવું પડતું હવે દિવસમાં ગમે ત્યારે ઓનલાઈન હોસ્પિટલ દ્વારા નોંધણી થઈ શકશે.  સ્ટાફનો કાર્યભાર પણ ઘટશે.ઓનલાઈન એન્ટ્રી બાદ રજીસ્ટ્રેશન થયે નવા જન્મેલ બાળકના વાલીઓને નોંધ થઈ ગયાની એસએમએસથી જાણ થશે.

વધુમાં આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા આ ઉમદા કામગીરી ચાલુ કરવા બદલ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ તથા સબરજીસ્ટ્રાર પ્રેરીતભાઈ જોષી તથા જન્મ/મરણની ટીમને આ પગલાં માટે અભિનંદન પાઠવ્યા છે.(૨૧.૩૦)

(3:58 pm IST)