Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

આ તો ટ્રેલર છે, પિકચર હજુ બાકી છે...અનિલ મકવાણાને ફેસબૂક પર ધમકી આપનારની શોધ

હોસ્પિટલમાં હુમલો થયો તેનો વિડીયો ડી.ડી. સોલંકીએ ફેસબૂક પર મુકી લખેલું કે- : અનુસુચિત જાતિ વિકાસ કોર્ર્પોરેટરના ડિરેકટરની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: એરપોર્ટ ફાટક પાસે નરસિંહનગર સોસાયટી-૧માં રહેતાં ભાજપ આગેવાન અને ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેકટર અનિલભાઇ ગાંગજીભાઇ મકવાણા (ઉ.૫૦)ને ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૨માં રહેતાં દિલીપ ધીરૂભાઇ સોલંકી (ડી. ડી. સોલંકી)એ ફેસબૂક મારફત આડકતરી રીતે મારી નાંખવાની ધમકી આપતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં અનિલભાઇએ જણાવ્યું છે કે હું બાંધકામનો વ્યવસાય કરુ છું અને ગુજરાત અનુ. જાતિ વિકાસ કોર્પોરેશનમાં ડિરેકટર છું. ૨/૩ના રોજ રાત્રે સાડા અગિયારેક વાગ્યે સોમનાથ ગીરના બનાવ અનુસંધાને અમારી જ્ઞાતિના યુવાનનો મૃતદેહ તેના સ્વજનો સ્વીકારતા ન હોઇ જેથી તેમને સમજાવવા હું હોસ્પિટલે ગયો હતો. તે વખતે મારા પર અમુક માણસોએ હુમલો કર્યો હતો. તેનો કોઇએ વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો બાદમાં ડી. ડી. સોલંકીએ ફેસબૂક પર પોસ્ટ કર્યો હતો. ૯/૩ના રોજ મેં આ વિડીયો જોયો હતો. જેમાં તેણે લખ્યું હતું કે ગુજરાતમેં બીજેપી કે દલાલ કો મુલ નિવાસીઓને સરેઆમ પીટા...યે તો અભી ટ્રેલર હૈ, પિકચર અભી બાકી હૈ.

આ વિડીયો મુકવા ઉપરાંત આડકતરી રીતે ધમકી ભરી ભાષામાં હજુ પણ મારા પર હુમલો થશે તેવી પોસ્ટ ફેસબૂક પર મુકાઇ હતી. એ પછી ૧૬/૩ના રોજ ડી.ડી. સોલંકીએ ફરીથી પોસ્ટ મુકી હતી અને લખ્યું હતું કે સમાજના ગદ્દાર અનિલ મકવાણા ખોટી ફરિયાદોની ટેવ ધરાવે છે જો ફરિયાદ પાછી નહિ ખેંચે તો ઉગ્ર આંદોલન થશે. આમ હું સમાજમાં બદનામ થાઉ એ રીતે ડી.ડી. સોલંકીએ ફેસબૂક પર લખાણ-વિડીયો પોસ્ટ કરી આડકતરી રીતે ધમકી આપી છે. તેમ ફરિયાદમાં જણાવાતાં પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પી.એસ.આઇ. બી. જી. ડાંગર અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)